November 22, 2024

જગતજનની આદ્યશક્તિનાં નવરાત્રી પર્વની મેરુપર પે.સેન્ટર શાળામા કરાઇ હર્ષભેર ઉજવણી…

Share to




ભારતીય સંસ્કૃતિ ઉત્સવોની સંસ્કૃતિ છે.ઉત્સવો વિવિધતામાં એકતાનાં દ્યોતક છે. સાંસ્કૃતિક મૂલ્યોનાં જતનનાં પ્રેરક છે.વિદ્યાર્થીઓમાં બાલ્યકાળથી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો પ્રસ્થાપિત થાય અને બાળકો ભારતીય સંસ્કૃતિના વિવિધ ઉત્સવોથી પરિચિત થાય તે હેતુથી શાળા કક્ષાએ વિવિધ તહેવારોની ભારતીય પરંપરા મુજબ ઉજવણી થતી હોય છે.હાલમાં ચાલી રહેલા ભક્તિ અને શક્તિનાં પર્વ નવલી નવરાત્રીની મેરુપર પે.સેન્ટર શાળામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને ગરવી ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પારંપરિક પોશાક ધારણ કરી મા આદ્યશક્તિનું પૂજન કરતાં ગરબાની રમઝટ બોલાવેલ..અવનવા પોશાકમાં સજ્જ થયેલા વિદ્યાર્થીઓથી શાળાના કેમ્પસમાં જાણે મેઘધનુષના સપ્તરંગો જેવું આહલાદક વાતાવરણ સર્જાયેલ. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ મા જગદંબાની આરાધના કરતાં ગરબામાં મન મુકીને ગરબે ઝુમ્યા.
વિવિધ પારંપરિક વેશભૂષામાં વિવિધતામાં એકતાનું દર્શન થયું અને ભારતીય સંસ્કૃતિની ભાતીગળ યાદ તાજી થઈ.ગરબે ઘૂમતા બાળકોને પ્રસાદ સ્વરુપ પારલે બિસ્કિટ આપવામાં આવ્યા.
પારંપરિક વેશભૂષા અને બેસ્ટ ખેલૈયાનું પરફોર્મન્સ ધરાવતા વિજેતા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહક ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભક્તિ અને શક્તિના સમન્વય સ્વરુપ નવરાત્રિની શાનદાર ઉજવણી થતાં વિદ્યાર્થીઓના નિર્દોષ ચહેરા પર પ્રસન્નતાની લહેર છવાઇ અને સૌઅે હર્ષોલ્લાસ સાથે નવરાત્રિની ઉજવણી કરી.

પાર્થ વેલાણી


Share to