નર્મદા જિલ્લામાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અન્વયે NFSA હેઠળ સમાવિષ્ઠ લાભાર્થીઓને મે માસનું વિનામૂલ્યે વિતરણ

Share to

 નર્મદા જિલ્લાની ૨૨૧ વાજબી ભાવની દુકાનેથી કુલ-૯૯,૩૪૦ કુટુંબોને  થઇ રહેલું અનાજ વિતરણ

સસ્તા અનાજની દુકાનેથી ઘંઉ અને ચોખા વિનામૂલ્યે આપવામાં આવે છે,જેથી અમને પણ આર્થિક રીતે ઘણી રાહત રહેશે.    -પ્રતાપપરા ગામના લાભાર્થી શ્રીમતી લીલાબેન વસાવા ઉવાચ

         રાજપીપલા, શુક્રવાર :-  કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને  જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે નર્મદા જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગીય જરૂરીયાતમંદ પરિવારો અનાજ પુરવઠાથી વંચિત ન રહે તે હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણની દેખરેખ હેઠળ નાંદોદ તાલુકાના વિરપોર, તરોપા, જીઓરપાટી ગામ સહિત જિલ્લાની ૨૨૧ વાજબી ભાવની દુકાનેથી  તમામ NFSA ના લાભાર્થીઓને નાંદોદ તાલુકામાં-૨૫,૫૧૨, દેડીયાપાડામાં-૨૮,૭૫૩, સાગબારામાં-૧૮,૫૬૭, તિલકવાડામાં-૧૧૦૩૦ અને ગરૂડેશ્વર તાલુકામાં-૧૫,૪૭૮ કુટુંબો સહિત કુલ ૯૯,૩૪૦ કુટુંબોને માહે. મે, ૨૦૨૧ દરમિયાન દર માસે  રાષ્ટ્રીય  અન્ન સલામતી  કાયદા હેઠળ સમાવિષ્ઠ  લાભાર્થીઓને  મળવા પાત્ર રેગ્યુલર અનાજ તેમજ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ વ્યક્તિદિઠ ૩.૫ કિ.ગ્રા ઘઉં, ૧.૫૦૦ કિ.ગ્રા.ચોખા વિનામુલ્યે લાભાર્થીઓને વિતરણ  કરવામાં આવી રહ્યું છે. તેની સાથોસાથ માહે. જૂન માસ દરમિયાન પણ ઉક્ત રીતે જ અનાજનું વિતરણ કરાશે. 

            અત્રે એ ઉલ્લેખનીય છે કે,  અંત્યોદય કુંટુંબોને ૨૫ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા, ૧ કિગ્રા તુવેરદાળ, ૧ કિલો ખાંડ જેમાં ૩ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને ૩ થી વધુ વ્યક્તિ દીઠ ૩૫૦ ગ્રામ રાહત દરે આપવામાં આવી રહ્યું છે. ૧ કિલો આયોડાઇઝ મીઠું ૬ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને ૬ થી વધુ વ્યક્તિ હોય તો ર કિલો કાર્ડ દીઠ રાહત દરે ફાળવવામાં આવે છે. જયારે અગ્રતા ધરાવતા કુંટુંબને વ્યક્તિ દીઠ ૩.૫૦ કિલો ઘઉં, ૧.૫૦ કિલો ચોખા અને કાર્ડ દીઠ ૧ કિલો તુવેરદાળ રાહત દરે આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ બીપીએલ કાર્ડ ધારક કુંટુંબોને વ્યક્તિદીઠ ૩૫૦ ગ્રામ ખાંડ અને ૧ કિલો આયોડાઇઝ મીઠું ૬ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને ૬ થી વધુ વ્યક્તિ હોય તો ર કિલો કાર્ડ દીઠ  દર માસે રાહત દરે આપવામાં આવે છે.

                  નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામના સસ્તા અનાજની દુકાનદાર સંચાલક શ્રી રમેશભાઇ માછીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે  લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારશ્રી દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”  હેઠળ NFSA  હેઠળ સમાવિષ્ઠ લાભાર્થીઓને  ઘઉં અને ચોખાનું વિના મુલ્યે  વિતરણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, લાભાર્થીઓ જ્યારે અનાજ લેવા  આવે ત્યારે માસ્ક  પહેરીને આવે છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઇ રહે તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું

            નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપરા ગામના નીચલા ફળીયાના  લાભાર્થી શ્રીમતી લીલાબેન મોવાસીભાઇ વસાવાએ કહ્યું હતું કે,  અમારા ગામની  સસ્તા અનાજની દુકાનેથી ઘંઉ અને ચોખા વિનામૂલ્યે આપવામાં આવે છે તેની સાથોસાથ અમને દર મહિને મળવાપાત્ર મીઠું, તુવેરદાળનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી અમને પણ આર્થિક રીતે ઘણી રાહત રહેશે.


Share to