લોકોએ તેમના કામો માટે જિલ્લાના વડા મથક ખાતે આવીને કલેકટર કચેરીનો દરવાજો ખખડાવવો પડે
એ પરિસ્થિતિનું નિવારણ કરવાનો ઉદાહરણીય પ્રયાસ
રાજપીપલા, બુધવાર:- નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે લોકોએ નાના-મોટા તમામ કામો માટે જિલ્લા મથકે આવવું પડે અને કલેકટર કચેરીનો દરવાજો ખખડાવવો પડે એ પરિસ્થિતિનું નિવારણ કરવાની દિશામાં દાખલારૂપ પહેલ કરી છે.
તેમણે જિલ્લા કલેકટરશ્રીની સત્તાઓને કાયદા અને નિયમોની મર્યાદામાં અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી અને તાલુકાકક્ષાએ મામલતદારો સુધી વિકેન્દ્રિત અને હસ્તાન્તરીત કરીને લોકોને મહેસુલી કામો માટે ખૂબ ઓછા કિસ્સાઓમાં જિલ્લા મથકે આવવાનું બને એવું વિકેન્દ્રિતતંત્ર ગોઠવીને પ્રો-એક્ટિવ ગવર્નન્સ – લોકલક્ષી શાસનની દિશામાં નિર્ણાયક પહેલ કરી છે.તેમની આ પહેલથી કલેકટર કચેરી એ સત્તાનું કેન્દ્ર નહિ, પણ લોકોને ઘર આંગણે સુશાસનની સરળતા આપતી વ્યવસ્થા છે તેવી પ્રતીતિ લોકોને અવશ્ય થશે.
સમાજના છેવાડાના માનવીને પ્રજાકીય જનસુખાકારીના કામો માટે ઉંડાણના અંતરિયાળ વિસ્તારમાંથી છેક જિલ્લાકક્ષાએ જવું ન પડે અને પોતાના ઘરઆંગણે એટલે કે જે તે તાલુકાકક્ષાએ જ આવા કામો કોઈપણ જાતની વહિવટી આંટીઘૂંટી વિના સરળતાથી થઇ શકે તે માટે સત્તાના વિકેન્દ્રીકરણની સાથોસાથ રાજ્ય સરકારની ગતિશીલ વહિવટ અને પ્રો-એક્ટીવ ગવર્નન્સની નેમને સાર્થક કરવા નર્મદા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી. એ. શાહે અંદાજે ૫૦ થી પણ વધુ જેટલા ક્ષેત્રોમાં પોતાની વિવિધ સત્તાઓ અધિક કલેકટર, નાયબ કલેકટર, પ્રાંત અધિકારી તથા મામલતદારોને સુપ્રત કરીને લોકાભિમુખ વહિવટની દિશામાં અનુકરણીય અને પ્રેરક પહેલ કરીને ગતિશીલ વહિવટનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.
હાલના પ્રવર્તમાન સંજોગોમાં વ્યાવસાયિક કંપનીઓના CEO ની વહીવટી ભૂમિકાની જેમ જિલ્લાની વિકાસકૂચને આગળ ધપાવવામાં જિલ્લા કલેકટરશ્રીનું યોગદાન અને ભૂમિકા પણ તેટલી જ મહત્વપૂર્ણ બની છે, જિલ્લામાં ઉપલબ્ધ વિકાસકીય સ્ત્રોતોનો મહત્તમ અને સમૂચિત ઉપયોગ થકી વિકાસની તક ઝડપી લઇ કઈ રીતે નીતનવી શક્યતાઓના સુચારા આયોજન અને અમલ થકી જે તે જિલ્લા-પ્રદેશ-વિસ્તારની સુખાકારીમાં વૃદ્ધિ થઇ શકે તેવો અભિગમ પ્રજાકલ્યાણ માટે જરૂરી અને આવકાર્ય બન્યો છે, ત્યારે નર્મદા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એ. શાહે આ દિશામાં સત્તા વિકેન્દ્રીકરણનું ઉઠાવેલું પ્રશસ્ય કદમ જિલ્લાવાસીઓ માટે સાચા અર્થમાં આશિર્વાદરૂપ બની રહેશે. આ નિર્ણયથી પ્રજાને હવે જિલ્લાકક્ષાએ તેમના જે તે કામો માટેની ભાગદોડમાંથી મુક્તિ મળશે અને તેના લીધે પ્રજાજનોના નાણાં અને તેમના સમયની પણ બચત થશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટરશ્રી ડી.એ. શાહ ધ્વારા નિવાસી અધિક કલેકટર, નાયબ કલેકટર, પ્રાંત અધિકારી અને મામલતદારોને કરાયેલ વિવિધ સત્તા સોંપણીથી આ તમામ અધિકારીઓને વધુ સક્ષમ બનાવ્યાં છે અને તેને લીધે વહિવટી પ્રક્રિયા ઝડપથી અને સમયસર પૂર્ણ થવાની સાથોસાથ વહિવટીતંત્ર પર તેમની પકડ પણ વધુ મજબૂત બની રહેશે. અરજદારની અરજીઓનો સ્થાનિકક્ષાએ જ નિકાલ થવાથી તેમનો સમય અને નાણાં એમ બંનેની બચત થશે.
તદ્ઉપરાંત, વિવિધ યોજનાકીય લાભાર્થીઓને તેના લાભ આપવાના તબક્કાઓનું વધુ સરળીકરણ થશે. તેવી જ રીતે જિલ્લાકક્ષાની વિવિધ સમિતિઓની બેઠકો પણ નિયમીતપણે યોજવા માટેની મોકળાશને લીધે યોજનાકીય કામગીરીનું અમલીકરણ સઘન બનવાથી તેને વધુ વેગ મળશે. જિલ્લા કલેકટરશ્રીની કામગીરીનું ભારણ ઓછું થવાથી જિલ્લાના અન્ય વિકાસલક્ષી કામોને પણ પ્રાધાન્ય મળી રહેવા ઉપરાંત નાણાંકીય સત્તા સોંપણીના પરિણામે નાણાંકીય ચુકવણી ઝડપી બનવાની સાથે પ્રજાજનો વહિવટી-પારદર્શિતાની અનુભૂતિની પ્રતીતિ પણ કરી શકશે. નર્મદા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી તેમના હસ્તકની અંદાજે ૫૦ થી પણ વધુ વિવિધ સત્તા સોંપણીની વિગતો જોઈએ તો કલેક્ટર કચેરીની ટેનન્સી શાખાની નિયત બે પ્રકારની કામગીરી માટે સંબંધિત પ્રાંત અધિકારીને, આરટીએસ શાખાની નિયત એક કામગીરી માટે ચીટનીશ-ટુ-કલેકટરને, ભૂમિ શાખાની નિયત એક કામગીરી માટે નિવાસી અધિક કલેકટરને તથા ચાર પ્રકારની નિયત કામગીરી માટે સંબંધિત પ્રાંત અધિકારીને, એડીએએમ શાખાની નિયત એક કામગીરી માટે નિવાસી અધિક કલેકટરને, પુરવઠા શાખાની નિયત ૮ પ્રકારની કામગીરી માટે નિવાસી અધિક કલેકટરને, હિસાબી શાખાની વિવિધ ૭ પ્રકારની નિયત કરાયેલી કામગીરી માટે નિવાસી અધિક કલેકટર, સંબંધિત પ્રાંત અધિકારી, નાયબ કલેકટર, તાલુકા મામલતદારો અને ચીટનીશ-ટુ-કલેકટર, મહેકમ શાખાની નિયત ૧૩ પ્રકારની કામગીરી માટે નિવાસી અધિક કલેકટર, એમએજી શાખાની નિયત ૩ પ્રકારની કામગીરી માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટને અને અન્ય નિયત બે પ્રકારની કામગીરી માટે સંબંધિત સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને, રાજ્ય ચૂંટણી પંચ શાખાની નિયત કામગીરી માટે સંબંધિત પ્રાંત અધિકારીને, ચીટનીશ-ટુ-કલેકટરને, સંબંધિત શાખાના સક્ષમ અધિકારીને, એમ.એસ.સી શાખાની જે તે નિયત કામગીરી માટે નિવાસી અધિક કલેકટરને, સંબંધિત પ્રાંત અધિકારીને અને નાયબ કલેકટરને તેમજ મધ્યાહન ભોજન યોજના શાખાની નિયત કામગીરી માટે નિવાસી અધિક કલેકટરને જેતે સત્તાઓ સુપ્રત કરવામાં આવી છે.
૦૦૦
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો