November 22, 2024

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બારડોલી ખાતે મધ્યપ્રદેશના રાજયપાલશ્રી મંગુભાઈ પટેલનો ‘સત્કાર સમારોહ’ યોજાયોઃજે સેવાનુ કાર્ય મળ્યુ છે તેને પુરી નિષ્ઠા સાથે કરવાનો અનુરોધ કરતારાજયપાલ મંગુભાઈ પટેલઃ

Share to


——-
સુરતઃશનિવારઃ- તાજેતરમાં મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે નિયુક્ત થયેલા ગુજરાતનાં પૂર્વ મંત્રીશ્રી મંગુભાઈ પટેલનુ બારડોલી ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભવ્ય સત્કાર સમારોહ યોજીને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બારડોલી ટાઉન હોલ ખાતે યોજાયેલા સત્કાર સમારોહમાં સુરત, તાપી અને ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના ચૌધરી, ગામીત, હળપતિ, ઢોડિયા, વસાવા સમાજના આગેવાનો તથા પાટીદાર, અનાવિલ સમાજના અગ્રણીઓ, બક્ષીપંચ મોર્ચા તથા અનુસૂચિત જાતિના આગેવાનો, એપીએમસીના હોદ્દેદારો, આદિવાસી સમાજના ડોકટરો, સંતો-મહંતોએ રાજયપાલશ્રી મંગુભાઈ પટેલનુ મોમેન્ટો, ફૂલહાર આપી સન્માનિત કર્યા હતા.
આ અવસરે રાજયપાલશ્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકીને પાણી, વિજળી, આરોગ્ય, શિક્ષણ જેવી અનેક સુવિધાઓ આપીને આદિવાસી વિસ્તારોની કાયાપલટ કરી હતી. રાજય સરકાર દ્વારા ચાલતી દુધ સંજીવની યોજના હેઠળ આદિજાતિના ૧૨ લાખ નાના ભૂલકાઓને પૌષ્ટિક દુધ આપવામાં આવી રહ્યું છે. સમાજના દિકરા-દીકરીઓના લગ્ન કરતા પહેલા સિકલસેલ એનિમીયાની તપાસ કરાવવાની શીખ તેમણે આપી હતી. તેમણે કહ્યું કે, જે સેવાનુ કાર્ય મળ્યુ છે તેને પુરી નિષ્ઠા સાથે કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ પ્રસંગે વન, આદિવાસી વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, રાજયપાલશ્રી મંગુભાઈ પટેલે ગુજરાત સરકારમાં મંત્રી, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેવા અનેક હોદ્દાઓ પર રહીને રાજયના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વડાપ્રધાનશ્રીનો આભાર વ્યકત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયમાંથી સૌપ્રથમવાર આદિવાસી સમાજને રાજયપાલ જેવું ઉચ્ચપદ આપીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આગામી પાંચ વર્ષમાં વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે એક લાખ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવનાર છે. આદિવાસી વિસ્તારોની કાયાપલટ થાય તે માટે પાંચ હજાર કરોડના ખર્ચે સિંચાઈની યોજનાઓનું કામ પુરજોશમાં ચાલી રહ્યું હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજયપાલ બનવા બદલ મંગુભાઈ પટેલને અભિનંદન પાઠવીને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે પૂર્વમંત્રી તરીકે રાજયમાં અનેક હોદ્દોઓ પર રહીને રાજયના વિકાસમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરીને સ્મંસરણો વાગોળ્યા હતા.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા અને સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ અવસરે સહકારમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીમતિ ઝંખનાબેન પટેલ, મુકેશભાઈ પટેલ, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહ પટેલ, સહકારી આગેવાનશ્રી સંદિપ દેસાઈ, ભીખાભાઈ પટેલ, સુરત ડિસ્ટ્રીક બેંકના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ તેમજ આદિવાસી સમાજના આગેવાનો, સમાજશ્રેષ્ઠીઓ, સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.


Share to