DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરુચ જિલ્લા ના ઝઘડિયા તાલુકામાં રાત્રીચોરોએ આતંક મચાવ્યો-ઝઘડિયા અને અવિધા ગામે બે મકાનોમાંથી લાખો રૂપિયાની ચોરીભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાત્રીચોરો સક્રિય બનતા લોકો ચિંતિત બન્યા છે. મળતી વિગતો મુજબ ગત રાત્રી દરમિયાન ઝઘડિયા અને અવિધા ગામે તસ્કરો બે મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. આ લખાય છે ત્યારે ઝઘડિયા અને અવિધા ગામે ચોરીનો ભોગ બનેલ બન્ને મકાનોના માલિકો દ્વારા પોલીસ ફરિયાદ લખાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. બન્ને સ્થળોએ ચોરીનો ભોગ બનનાર મકાનમાલિકોનો ટેલિફોનિક સંપર્ક કરતા ઝઘડિયા ગામે રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો હોવાનું તેમજ અવિધા ગામેથી રૂપિયા ૯ લાખ જેટલી રકમની મતાની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.ઝઘડિયા ગામે રહેતા નયનાબેન શાહ ગતરોજ ભરૂચ ખાતે તેમના ભાઇ શૈલેશભાઇને ત્યાં ગયા હતા ત્યારે રાત્રે તસ્કરો બંધ મકાનનો દરવાજો તોડીને મકાનમાંથી સોનાચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત અંદાજે રૂપિયા ૧૦ લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. જ્યારે અવિધા ગામે સુથાર ફળિયામાં રહેતા કલ્પેશભાઇ પટેલ પરિવાર સાથે ધુળેટીના દિવસે વડોદરા ગયા હતા,ત્યારબાદ તેઓ આજે સવારે ઘરે પાછા આવ્યા ત્યારે મકાનનો દરવાજો તુટેલો જણાયો હતો,ઘરમાં જઇને જોતા ઘરમાં તીજોરીમાં રાખેલ સોનાચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ૧૬૦૦૦૦ મળી અંદાજે રૂપિયા ૯ લાખ જેટલી રકમનો મુદ્દામાલ રાત્રીચોરો ઉઠાવી ગયા હોવાની જાણ થઇ હતી. ઝઘડિયા તાલુકામાં તસ્કરો સક્રિય બનતા લોકોમાં ચિંતા ફેલાવા પામી છે. ઉલ્લેખનીય છેકે ભુતકાળમાં પણ તાલુકામાં ઘણા સ્થળોએ ચોરીના બનાવ બન્યા હતા,જેમાં ચોરીનો ભોગ બનનાર મકાનમાલિકોએ લાખો રૂપિયાની મતા ગુમાવી હતી. તાલુકાના અછાલિયા ગામે આ દસકાની સહુથી મોટી ચોરી કહેવાય એવી ચોરીની ઘટનામાં મકાનમાલિકે સોનાચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી રૂપિયા ૨૫ લાખ જેટલો મુદ્દામાલ ગુમાવ્યો હતો. ત્યારબાદ પણ સારસા,પ્રાંકડ,રાણીપુરા,રાજપારડી,સેલોદ વિ.સ્થળોએ તસ્કરો મકાનોને નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરી કરી ગયા હતા.અછાલિયા ગામે રૂપિયા ૨૫ લાખ જેટલી રકમની ચોરીનો ભોગ બનનાર ઘરના મોવડીને આઘાત લાગતા તેમનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જોકે આવી ચોરીઓની ઘટનાઓને વર્ષો વિતવા છતાં ચોરીના ભેદ હજી વણઉકલ્યા રહેતા તસ્કરોની હિંમતમાં વધારો થતાં તેઓ સમયાંતરે વિવિધ ગામોએ મકાનોને હાથો બનાવી ચોરીના કામોને અંજામ આપતા હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છેકે આજે ધોરીમાર્ગ ઉપરના સ્થળોએ દુકાનો સહિત ઘણા સ્થળોએ સીસી ટીવી કેમેરા કાર્યરત હોવા છતાં પોલીસ હજુ તસ્કરો સુધી પહોંચી શકી નથી એ એક કડવું સત્ય છે,ત્યારે ગત રાત્રી દરમિયાન ઝઘડિયા અને અવિધા ગામે થયેલ ચોરીઓના ભેદ ઉકેલવા પોલીસ સઘન કાર્યવાહી હાથ ધરીને તાલુકામાં પેંધા પડેલા તસ્કરોને જેલને હવાલે કરે તેવી આશા તાલુકાની જનતામાં સ્પષ્ટપણે દેખાઇ રહી છે…


Share to

You may have missed