November 22, 2024

પ્રાચીન સમયથી પરંપરાગત રીતે ભરૂચ શહેરમાં યોજાતો છડી અને મેઘરાજાનો ભાતીગળ મેળો*

Share to

*દર વર્ષે અલગ -અલગ મૂર્તિકારો દ્વારા બનાવાતી મેઘરાજાની પ્રતિમામાં ૨૫૦ વર્ષથી મુખાકૃતિનું આકાર લેતું એક જ રૂપ*

*

**
વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં ઉજવાતા મેઘરાજા ઉત્સવ પાછળની દંતકથા અને મૂર્તિ નિર્માણની અવિસ્મરણીય ગાથા
સાડા પાંચ ફૂટ ઊંચી અને સાડા ૪ ફૂટ પ્હોળી મેઘરાજાની પ્રતિમા સર્જનનો અદ્વિતીય નમૂનો
નર્મદા નદીની માટી, નાળિયેરના રેસા, કાઠી, ઘાસના પૂડાથી એક જ રાતમાં નિર્માણ કરાતા જળદેવના ભાવ પણ પ્રતિવર્ષ એક સમાન ઉપસે છે.
દશમને દિવસે ભોઈવાડ અને ખારવાવાડની છડીયોનો ભેટો કરાવીને બન્ને છડીઓને ભેટાવે છે. શહેરમાં બે છડીઓના સમન્વયથી મેધરાજાની શોભાયાત્રા નિકળે છે.
છડીને સાતમ થી દશમ સુધી ત્રણ દિવસ ઝુલાવવામાં આવે છે.
છડીદારો એવા નિપૂણ હોય છે કે આખી વજનદાર છડીને એક જ હાથ ઉપર કે ખભા ઉપર દાંત ઉપર કે કપાળ ઉપર મુકીને પણ ઝુલાવે છે

ભરૂચ – શુક્રવાર- ગુજરાત ભરમાં ઠેર – ઠેર ઉજવાતા મેળાઓ પાછળ કોઇને કોઈ પ્રકારની દંતકથાને આધારે પ્રતિ વર્ષે મેળાઓ ઉજવાતા રહે છે. ગુજરાત રાજયમાં એક માત્ર ઐતિહાસિક ભરૂચ શહેર ખાતે છડી ઉત્સવ અને મેઘરાજાનો ઉજવવામાં આવે છે.
ભરૂચ શહેરમાં ૨૫૦ વર્ષ ઉપરાંતથી સમસ્ત ભોઈ સમાજ દ્વારા મેઘરાજા ઉત્સવ અને ભોઈ અને ખારવા સમાજ દ્નારા ઐતિહાસિક છડી ઉત્સવ ઉજવાય છે. આ મેળા સાથે અલોકીક અને અવિસ્મરણીય ગાથાઓ સાથે અદમ્ય શ્રદ્ધાથી જોડાયેલો છે.
શિલ્પકળાના બેનમૂન નમૂના સમાન સમાજના જ યુવાઓ દ્વારા એક જ રાતમાં નિર્માણ થતી મેઘરાજાની પ્રતિમા પણ અઢી સદીમાં અનેક મૂર્તિકારો બદલાયા છતાં એક જ મુખાકૃતિ, ભાવ પ્રગટ કરતી પ્રતિવર્ષ આકાર લઈ રહી છે. જ્યારે ભોઈ અને ખારવા લોકો ઘોઘારાવના શિષ્યો પણ છડી ઉત્સવ ઉજવે છે.

(બોક્સ ) -૦૧
છડીને સાતમ થી દશમ સુધી ત્રણ દિવસ ઝુલાવવામાં આવે
છડી આશરે ત્રીસ ફૂટ લાંબી, વાંસમાથી બનાવવામાં આવે છે. આશરે ૮૦ કિ.લો જેટલું હોય છે.આ છડીમાં વાંસની ટોચ ઉપર બે ફૂટ વ્યાસના શંકુ આકારન નેતર કે વાંસની સળીઓમાંથી બનાયેલી ચામર, ચામરની વચમાં નાની ધજા રાખવામાં આવે છે. ચામર તથા છડીને સુશોભિત કરવામાં લાલ કસુંબી કે લાલ રેશમી કાપડ વીંટવામાં આવે છે. લાલ કાપડ પર જરીકામ કરવામાં આવે છે. આ છડીને સાતમ થી દશમ સુધી ત્રણ દિવસ ઝુલાવવામાં આવે છે. છડીને ઝુલાવનાર છડીદારો વિશેષ પ્રકારના ગણવેશમાં તૈયાર થાય છે. સફેદ ધોતિયું અને કફની માથે લાલ રંગની પાઘડી બાંધે છે.
છડીની ચામર ઉપર શ્રધ્ધાળુઓ ફુલોની ચાદર કે ચામરની નીચેના ભાગે કાપડ બાંધે છે. આ કાપડને ખેસ કહે છે. ઢોલના તાલ પ્રમાણે છડીદાર છડી ઝૂલાવે છે. ઘણા છડીદારો આ કામમાં એવા નિપૂણ હોય છે કે આખી વજનદાર છડીને એકજ હાથ ઉપર કે ખભા ઉપર દાંત ઉપર કે કપાળ ઉપર મુકીને પણ ઝુલાવે છે. દશમને દિવસે ભોઈવાડ અને ખારવાવાડની છડીયોનો ભેટો કરાવીને બન્ને છડીઓને ભેટાવે છે. શહેરમાં બે છડીઓના સમન્વયથી મેધરાજની શોભાયાત્રા નિકળે છે.

(બોક્સ : ૨)
– છપ્પનિયા દુકાળથી ઉજવાતા ઉત્સવ પાછળની દંતકથા
– મેઘરાજાનો ઉત્સવ શ્રાવદ વદ સાતમથી દસમ સુધી શ્રદ્ધાભેર ઉજવાઇ છે
ભરૂચ શહેરમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભોઇ સમાજ દ્વારા ઉજવાતો મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચિનકાળની દંતકથા વર્ણાવેલી છે. આ દંતકથા મુજબ પ્રાચિનકાળમાં યાદવવંશની ભોઇજાતિ (જાદવ જ્ઞાતિ) ફૂરજા બંદરે દરિયા કિનારે માલસામાનની હેરાફેરી કરતી હતી. તેઓ નિરંતર જળદેવ સાથે સહવાસથી જળદેવની આરાધના કરતા હતાં. જળાધિદેવ મેઘરાજાના પૂજન માટે તેઓની શ્રધ્ધા અચળ હતી. આ દંતકથામાં છપ્પનિયા દુષ્કાળના પહેલાંના ભયંકર દુષ્કાળ સમયની છે. ફૂરજા બંદરે અંદાજે 250 વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પૂજન કરાયુ હતું. જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહિ‌ થાય તો ભોઇ સમાજના વડવાઓએ મૂર્તિ‌ને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળદેવતાએ અમૃતવર્ષા કરી હતી. ત્યારથી અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમુહ વચ્ચે શ્રધ્ધા અને ભકિતરૂપે ઉજવવામાં આવે છે. આ મેળો ‘મેઘમેળો’ કે મેઘરાજાના મેળા તરીકે ઓળખાય છે. તેની પુર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી કરવામાં આવે છે.
વિશ્વમાં એકમાત્ર ભરૂચ શહેરમાં ઉજવાતો મેઘોત્સવમાં શિલ્પકળાના બેનમૂન નમૂનારૂપ મેઘરાજાની માટીની પ્રતિમાનું ભોઈ સમાજ દ્વારા સ્થાપન કરાયું હતું.

(બોક્સ ) -૦૩
મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાનો બેનમુન નમુનો
મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાના બેનમુન સુંદર નમુના રૂપ અજોડ છે. આશરે સાડાપાંચ ફુટ ઉંચી અને ચાર થી ત્રણ ફુટની પહોળાઇથી માનવ આકૃતિમાં મૂર્તિ‌ને બે પગની પલાઠી બનાવી બંન્ને હાથ પગના ઘુંટણ પર મુકી ધ્યાનસ્થ સ્થિતિમાં બનાવવામાં આવે છે. મેઘરાજાની પ્રતિમાંની વિશેષતા છે કે દરેક વર્ષે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની પ્રતિમાં તૈયાર કરાતી હોવા છતાં તેની મુખાકતિમાં કોઇ ફરક આવતો નથી.

(બોક્સ ) -૦૪
રાજ્યભરમાંથી ૪ દિવસ ઉમટે છે માનવ મહેરામણ
ભરૂચમાં અઢી સદીથી ઉજવાતા મેહમેઘરાજાની પ્રતિમાને સુંદર અભુષણોથી સુશોભિત કરવામાં આવે છે. મૂર્તિ‌ના માથા પર ફેણીદાર નાગ ગોળ પાઘડી ફરતે વીટળાયેલ હોય છે. આશ્ચર્યની વાત એછે કે અસલ કારીગરોનું હાલ અસ્તિત્વ ન હોવા છતાં નવયુવાન કારીગરોથી પણ પ્રતિ વર્ષ મુખાકતિ એકજ પ્રકારની અને એકજ ભાવદર્શક ઉદભવે છે.

આલેખન – યોગેશ વસાવા


Share to