જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ નારાયણ વિદ્યાલયની મુલાકાત લઈ રંગોળી નિહાળી: વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા

Share to

ભરૂચના નારાયણ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ બનાવી મતદાન જાગૃત્તિનો સંદેશ આપતી ૩૫x૩૫ ફૂટની વિરાટ રંગોળી

લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો થાય એવા જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસો: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરા
————
ભરૂચ:શુક્રવાર: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં વધુને વધુ મતદાન થાય, મતદારો જાગૃત્ત બની લોકશાહીના પર્વમાં સહભાગી બને એ માટે શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયની ૩૦ વિદ્યાર્થિનીઓ અને ૧૫ શિક્ષકોએ નારાયણ વિદ્યાલયની ફૂટની વિરાટ રંગોળી બનાવી મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ આપ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાએ નારાયણ વિદ્યાલયની મુલાકાત લઈ રંગોળી નિહાળી વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા આ વિરાટ રંગોળીની રચનામાં ૧૨ કલાકનો સમય લાગ્યો છે, અને ૨૦૦ કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
        આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના આમ મતદારો અચૂક અને મહત્તમ મતદાન કરે એ માટે રંગોળી દ્વારા મતદાન જાગૃત્તિનો પ્રયાસ સરાહનીય છે. તેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં જિલ્લામાં ૬૭ ટકા મતદાન થયું હતું, જેમાં આ લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો થાય એવા જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસો હોવાનું જણાવી ઉમેર્યું કે, લોકોમાં ચૂંટણીમાં સહભાગિતા વધારી વોટર ટર્નઆઉટ વધારવાનું અમારું લક્ષ્ય છે.
             કલેક્ટરશ્રીએ નારાયણ વિદ્યાલયની બાળાઓ અને શિક્ષકોની રંગોળી માટેની મહેનતને બિરદાવી હતી. તેમણે વિદ્યાર્થીઓ આવતીકાલના જવાબદાર નાગરિકો છે, એટલે જ તેઓ પણ ભવિષ્યમાં મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરે એમ જણાવી એક મતદાર અન્ય પાંચ મતદારોને અચૂક મતદાન માટે પ્રેરણા આપે એવો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
            આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, સ્વીપ નોડલ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ, પ્રાંત અધિકારી એમ.એમ.મનાની, TPEO પરિમલસિંહ યાદવ, શાળાના ટ્રસ્ટી ભગુભાઈ પ્રજાપતિ, શિક્ષક અરવિંદ પરમાર સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Share to