આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ ૨૦૨૩
પરંપરાગત કૃષિ અને પરંપરાગત આહાર સદીઓથી આપણા આહારનો અભિન્ન ભાગ રહ્યો છે – નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ
કૃષિ મેળામાં અનેકવિધ સ્ટોલ્સ થકી ખેડૂતો-ગ્રામજનોને પરંપરાગત કૃષિ અને મિલેટ્સ સહિત ખેતીવાડીમાં ઉપયોગી સાધનો અંગે માહિતગાર કરાયા
રાજપીપલા, બુધવાર :- રાજ્યના અન્નદાતા ખેડૂતોની આવક બમણી થાય તેવા ઉમદા આશય સાથે ખેડૂતોને પરંપરાગત ધાન્ય પાકોનું વધુને વધુ વાવેતર કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીએ ખેડૂતોને મિલેટ્સ પાકોનું વાવેતર કરવા માટે જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરી સરાહનીય પ્રયાસો કર્યા છે.
નર્મદા જિલ્લામાં પણ અન્નદાતા ખેડૂતોમાં મિલેટ્સ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધુ તે માટે આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ-૨૦૨૩ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તિલકવાડા તાલુકા પંચાયત ભવન ખાતે આજરોજ નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડો.દેશમુખે ઉપસ્થિત સૌ ખેડૂતમિત્રોને પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ તરફ વાળવા સહિત તૃણ ધાન્યોથી થતા ફાયદાઓ અને આંતરરાષ્ટ્રીય બજારમાં મિલેટ્સની વધી રહેલી માગ વિશે જાગૃત કર્યા હતાં. શ્રીમતી ડો.દેશમુખે ખેડૂતમિત્રો સાથે ગ્રામજનોને બદલાતી આબોહવાની પરિસ્થિતિઓમાં તૃણ ધાન્ય પાકોમાં રહેલા પોષકતત્વો અને તેના સેવનથી થતા લાભો વિશે જાગૃત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ મેળામાં ખેતીવાડીમાં ઉપયોગી ખેત ઓજારો, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, પ્રધાનમંત્રી કિસાન યોજના, આઈસીડીએસ, ખેતીવાડી વિભાગની યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનો પ્રદર્શન સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષિ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહજી તડવી, જિલ્લા-તાલુકાના જનપ્રતિનિધિઓ, સંબંધિત વિભાગોના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*