February 6, 2024

અમરેલીના ધારીમાં તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી કરાઈ

Share toઅમરેલીના ધારીમાં વન્ય સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમજ ધારાસભ્ય જે,વી, કાકડિયા અને મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો જોડાયા હતા ત્યારે એશિયાઈ સિંહનો પર્યાય સમું ગીર, ભારતનાં સૌથી જુના અભ્યારણ્યોમાંનું એક છે, વિશ્વમાં ફકત ગીર અભયારણ્યમાં તથા તેના આસપાસનાં રક્ષિત વિસ્તારોમાં મુકત વિહરતો આપણો એશિયાઇ સિંહ, સાવજ, ડાલામથ્થા જેવા ગૌરવભર્યા નામોથી પણ ઓળખાય છે. આ ગીરનો સિંહ માત્ર ગુજરાતનું નહીં પરંતુ ભારત વર્ષનું ગૌરવ છે. વિશ્વભરનાં સહેલાણીઓ માટે ગુજરાત રાજય સિંહનો પર્યાય બની ગયો છે.

ઐતિહાસીક રીતે સિંહ ખુબ વિસ્તૃત વિસ્તાર ધરાવતો હતો અને તે છેક સિરીયાથી માર્યું ભારત સુધી વિસ્તરેલા હતાં. સિંહનાં વસવાટનાં વિસ્તારો ઉત્તર અને મધ્યભારત, હરીયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ હતાં. વર્તમાન સમયમાં સિંહ ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનાં વનોમાં મુકત રીતે વિહરતા જોવા મળે છે. ગીર સિવાયનાં વિસ્તારોમાં એશિયાઈ સિંહનાં મોટા પ્રમાણમાં શિકાર અને નિવાસ સ્થાનોમાં ઘટાડો થવાનાં કારણે અન્ય રાજ્યોમાંથી સિંહો અદ્રશ્ય થઇ ગયા. અનિયંત્રિત અને મોટા પ્રમાણમાં સિંહનાં શિકારને કારણે ખુબજ ઓછા સિંહ બચ્યા છે તેવું ધ્યાને આવતા ૧૯૧૩ માં જુનાગઢનાં નવાબ તથા સરકારે સિંહનાં શિકાર પર પ્રતિબંધ લાવી સિંહ સંરક્ષણ માટે પ્રથમ વખત પગલા લેવમાં આવ્યાં. ત્યાર બાદ વિનાશનાં આરે આવેલ સિંહોને વન વિભાગનાં સાર્થક – સંરક્ષણનાં પ્રયત્નો અને સ્થાનિક લોકોના પ્રચંડ સમર્થનને કારણે આ અલભ્ય અને જાજરમાન સિંહને બચાવી શકયા.

એશિયાટીક લાયન લેન્ડસ્કેપ નાં ૩૦,૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં આજે એશિયાઇ સિંહ મુકત રીતે વિહરતા જોવા મળે છે. એશિયાટીક લાયન લેન્ડસ્કેપ, એશિયાઈ સિંહોનું નિવાસ સ્થાન હોય, સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાએ પ્રથમ તેને મહેમાન બાદમાં તેમનો અત્યંત લાડકવાયો માન્યો છે. સંસ્કૃતિના પ્રતીક એવા એશિયાઇ સિંહ તથા વારસામાં મળેલ ગીરની વૈવિધ્ય સભર જૈવ સૃષ્ટિના સંવર્ધન અને સંરક્ષણની નૈતિક જવાબદારી કાઠીયાવાડની ખમીરવંતી પ્રજાએ ધરોહર તરીકે સ્વીકારી છે.

ગીરનાં વો સુકા પાનખર પ્રકારનાં છે. આ વનોનાં ૧૪૧૦.૩૦ ચો. કિ.મી. વિસ્તાર છે જેને તા. ૧૮-૦૯-૧૯૬૫ નારોજ ગીરઅભયારણ્ય તરીકે તથા તે પૈકી ૨૫૮.૭૧ ચો.કિ.મી. વિસ્તારને ગીર નેશનલ પાર્ક તરીકે તા. ૨૧-૦૫-૧૯૭૫ નારોજ રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. અને ગીરનાં ખેડૂતોએ પણ સિંહોને પોતાના મિત્ર માનેલ છે. ગીર અભ્યારણ્ય જાહેર થયાનાં ૫૦ વર્ષ તા. ૧૮-૦૯-૨૦૧૫ નારોજ પુરા થયા છે.

ગીર ચિર નિવસન તંત્ર ધરાવે છે. જે પોતાની સમૃધ્ધ જીવન પામતી રહેતી સ્વનિર્ભર તથા ટકી રહેનારી સ્વાવલંબી સ્થાયી પર્યાવરણ પ્રણાલી બની રહ્યું છે. વર્તમાનમાં સમગ્ર વિશ્વ પોતાની નૈસર્ગિક ધરોહર અને સ્રોતોને બચાવવા કઠોર સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતનાં ગૌરવ સમા એશિયાઇ સિંહ તથા અમુલ્ય જૈવિક વૈવિધ્યથી સમૃધ્ધ ગીર રક્ષિત વિસ્તારનાં સ્થિર અને શાંત પરંતુ મકકમ સંરક્ષણની સાફલ્યગાથા પર્યાવરણની સંરક્ષણની અલગ-અલગ લોબીઓ માટે એક પાઠ સમાન બની રહ્યું છે અને સિંહનાં સંરક્ષણની સાફલ્ય ગાથાને વૈશ્વિક માન્યતા પણ મળી છે.

જૈવ વિવિધતાથી ભરપુર એવા આ ગીર વિસ્તારમાં ૬૦૦ થી વધુ વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે, તેમજ ૪૧ પ્રકારનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ, ૪૭ પ્રકારનાં સરીસૃપ વર્ગના પ્રાણીઓ, પક્ષીઓની ૩૩૮ થી વધુ પ્રજાતિઓ અને કિટકોની ૨૦૦૦ થી વધુ પ્રજાતિઓ નિવાસ કરે છે. તેમજ વિનાશના આરે આવી ઉભેલ ગીધ તથા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની અનુસુચી-૧ માં સમાવિષ્ટ એશિયાઇ સિંહ ઉપરાંત દિપડા, કાવર્ણી ટપકા વાળી બિલાડી, ઘોરખોદીયુ, કિડીખાંઉ, મગર, અજગર જેવા વન્યપ્રાણીઓ તથા રાષ્ટ્રીય પક્ષી મોરનું નિવાસ સ્થાન છે.

વૈવિઘ્નપુર્ણ જીવ સૃષ્ટિ અને સંપન્ન કુદરતી સ્રોતોની સરળતાથી થતી ઉપ્લબ્ધતાં એક તંદુરસ્ત માનવ સંસ્કૃતિને પોષે છે. ગીર – અભયારણ્યમાંથી નિકળતી ૭ નદીઓ જેવી કે, હિરણ, શેત્રુંજી, શિંગવડો, ધારતરડી, રાવલ, મચ્છુન્દ્રી, ઘોડાવડી તે પૈકીની હિરણ, શિંગોડા, મશ્કરી અને રાવલ નદી પર બાંધવામાં આવેલ ડેમને કારણે ગીર સૌમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનાગર જીલ્લાની જમીનનાં પાણીનાં તળ ઉંચા રહેવા આ ઉપરાંત ફળદ્રુપ જમીનનાં કારણે ખેતીના પાકો, આંબાનાં બગીચા તથા અન્ય ફળોના બગીચાઓનાં કારણે બૃહદ ગીર વિસ્તારનાં ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બન્યાં છે, આ ખેતીની જમીનની કિંમત રાજ્યનાં અન્ય વિસ્તારોથી ઘણી ઉંચી છે, સૌરાષ્ટ્રનાં લોકોએ વર્ષોથી આ કુદરતી સંપદાને ઇશ્વરની ભેટ માની તેને પવિત્ર ગણી તેનું સન્માન અને આદર કર્યા છે. અમરેલીના ધારી તાલુકાના સરસિયા રેન્જ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણીમાં ડેપ્યુટી કલેક્ટર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના અધિકારી વાઇલ્ડ લાઇફ તેમજ જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed