રોજગારલક્ષી, ખેડુતલક્ષી તથા ખેડુતોને આર્થિક લાભ થાય તે પ્રકારનો પ્રોજેકટ

Share toભરૂચ:બુધવાર:આપણો દેશ ખેતીપ્રધાન દેશ હોવાથી આર્થિક પ્રગતિમાં કૃષિ ઉત્પાદનોનો બહુ મોટો ફાળો છે. આથી દેશના ખેડૂતો કૃષિ ઉત્પાદનો જેવા કે અનાજ, કઠોળ, ફળ-ફળાદી, શાકભાજી, વગેરેના ઉત્પાદનોની સાથે સાથે તેના મુલ્યવર્ધન ઉપર પણ ધ્યાન આપે એ જરૂરી છે. આ ઉપરાંત કૃષિ પાકોના ઉત્પાદન પછી પાછળ વધતાં થડ, ડાળીઓ, પાંદડા વગેરેનો પણ ઉપયોગ કરીને ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય તેવું આયોજન થાય તે જરૂરી છે.

ભારતમાં કેળાનાં ઉત્પાદનમાં ગુજરાત રાજય લગભગ ૬૪.૭૦ હજાર હેકટર જમીનમાં વાવેતર સાથે ત્રીજા ક્રમે છે. ભરૂચ અને તેની આજુબાજુના જીલ્લામાં કેળાની ખેતી વ્યાપક રીતે થાય છે. કેળાની ખેતીમાં કેળાની લુમ ઉતાર્યા બાદ પાછળ થડ રહી જાય તેનો નિકાલ કરવો જરૂરી હોય છે. ખેડુતો થડને કાપીને રસ્તા ઉપર કે ખેતરની બહાર ફેંકી દેતા હોય છે. થડના નિકાલ પાછળ ખેડૂતોને પ્રતિ હેકટર રૂ.૧૨,૦૦૦ થી રૂ.૧૫,૦૦૦/- જેટલો વધારાનો ખર્ચ થતો હોય છે. ફેંકી દીધેલા થડ કોહવાઈ જઈને વાતાવરણને પ્રદુષિત તો કરે છે સાથે સાથે રોગ ફેલાવતા બેકટેરીયા, વાયરસ પણ પેદા થતા હોય ખેતી અને પ્રાણી, પક્ષી, મનુષ્યો વિગેરેને બિમાર પણ કરે છે.

*નવસારી કૃષિ યુનિવર્સીટીનો “વૈજ્ઞાનિકોએ વેલ્યુ એડીશન ઓફ બનાના સ્યુડોસ્ટેમ પ્રોજેકટ’*

વર્ષ: ૨૦૦૭-૦૮ માં NAIP ( National Agricultural Innovation Project) હેઠળ ભારતમાં ICAR ( Indian Council of Agricultural Research)ને કેળાના થડ ઉપર સંશોધન કર્યું. ICAR દ્રારા ગુજરાતમાં નવસારી કૃષિ યુનિર્વસીટીને સંશોધન કામ સોપવામાં આવ્યું. નવસારી કૃષિ યુનિવર્સીટીના “વૈજ્ઞાનિકોએ વેલ્યુ એડીશન ઓફ બનાના સ્યુડોસ્ટેમ પ્રોજેકટ’ ને ગંભીરતાથી લઈ નોંધ પાત્ર સંશોધન કર્યું. કૃષિ યુનિર્વસીટીના વૈજ્ઞાનીકોએ કેળાના થડ જેવા નકામા અવશેષામાંથી પણ મૂલ્યવર્ધિત ચીજ વસ્તુઓ બનાવી કેળને સાચા અર્થમાં કલ્પતરૂ સાબિત કરી.નવસારી કૃષિ યુનિર્વસીટીમાં કેળના થડની મુલ્યવૃધ્ધિ માટે જે યોજના હાથ ધરવામાં આવી હતી તેના પરિણામ સ્વરૂપ વિવિધ ચીજવસ્તુઓ નિમાર્ણ કરવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી. નવસારી કૃષિ યુનિર્વસીટીએ સંશોધન કરી મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવી પણ તેનું વ્યાપારી ધોરણે કરી ખેડુતોની આવકમાં વધારો કરવો પણ જરૂરી હતું.

ગુજકોમાસોલના ભરૂચના યુનીટમાં જે પ્રોજેકટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. તેમાં ‘રાસ્પાડોર ‘ મશીન મુખ્ય છે. આ મશીનનો ઉપયોગથી નવસારી કૃષિ યુનિર્વસીટીએ કેળના થડમાંથી સુકા રેશા, ઘન કચરો, પ્રવાહી તથા મધ્યગર વગેરે ઘટકો છુટા પાડયા અને તે ઘટકોનાં ઉપયોગથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવવામાં આવી. દા.ત. રેસામાંથી કાપડ, ઉચ્ચ ગુણવત્તાના કાગળો, હાથ બનાવટની અનેક વસ્તુઓ, કાર્ડબોડ વગેરે, ધન કચરામાંથી અળસીયાનું ખાતર, કંપોસ્ટ ખાતર તેમજ માછલીનો ખોરાક, પ્રવાહીમાંથી સેન્દ્રીય પ્રવાહી ખાતર અને મધ્યગર માંથી ખાવા લાયક ચીજ જેવી કે કેન્ડી, જામ, શરબત, અથાણાં વગેરે બનાવવામાં આવે છે.

* “ગુજકોગ્રીન”બનાના ફાયબર પ્રોજેક્ટનો હેતુ*

કેળાની ખેતી કરતા ખેડૂતોને કેળાની લુમ ઉતાર્યા બાદ જે થડ રહી જાય તેનો નિકાલ કરવો ફરજીયાત છે.
ખેડૂતો લણણી કર્યા બાદ થડને ખેતરની બહાર, રોડ ઉપર કે સેઢાપાળા ઉપર ફેંકી દેતા હોય છે. આ કાર્ય કરવા પાછળ પણ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ।. ૧૨,૦૦૦ થી રૂા. ૧૫,૦૦૦ જેટલો વધારાનો ખર્ચ કરવો પડે છે.
આ ઉપરાંત આ ફેંકી દીધેલ થડનાં ઢગલા દ્વારા વાતાવરણ પ્રદૂષિત થાય છે ઉપરાંત રોગ જીવાત ફેલાવતા ઘટકોનું ઘર બને છે.જે અંતે ખેતીમાં જ નુકસાનીનું કારણ બને છે.
કેળાનાં થડને છૂટું પાડતા એમાંથી સુકા રેસા, ઘન કચરો, પ્રવાહી તથા મધ્યગર જેવા ઘટકો મેળવી શકાય છે, જેની વિવિધ વસ્તુઓ જેવી કે કપડા, કાગળ, વર્મીકમ્પોસ્ટ તથા ખાધ ચીજ વસ્તુઓ બનાવવામાં સફળતા મેળવવામાં આવી છે.
ગુજકોમાસોલ કેળની ખેતી કરતાં ખેડૂતો પાસેથી કેળાના થડ મેળવશે, જેથી ખેડૂતને કેળાનાં થડનો નિકાલ કરવાનો ખર્ચ બચી જશે અને આર્થિક લાભ થશે. કેળાનાં થડનો યોગ્ય રીતે ઉપયોગમાં લેવાથી જે ફેંકી દીધેલ થડનાં ઢગલાને કારણે વાતાવરણ પ્રદૂષિત થતું હતું તે અટકશે.

*“ગુજકોગ્રીન” બનાના ફાયબર પ્રોજેક્ટથી ખેડૂતોને થતા લાભ*

કેળાની ખેતી કરતા ખેડૂતોને થડનાં નિકાલની સમસ્યાનો અંત તથા આર્થિક બચત થશે.
કુદરતી પ્રવાહી ખાતરનો ઉપયોગ ખેતીમાં કરવાથી જમીનની ફળદ્રૂપતામાં વધારો થશે. ઓછી કિંમતવાળું ખાતર ઉપયોગમાં લેવાથી આર્થિક ફાયદો પણ થશે. છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વો ખાતરમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહેશે.
પ્રોજેક્ટથી રોજગારી મળશે.
ખેડૂત/ખેડૂતજૂથ તેઓનાં ખેતરે પોતે મશીન ઇન્સ્ટોલ કરી કેળાના થડમાંચી ફાયબરનું ઉત્પાદન કરવા તૈયારી બતાવે તો “ગુજકોગ્રીન બનાના ફાયબર” ટ્રેનીંગ સેન્ટર ખાતે તેઓને ફ્રી ટ્રેનીંગ આપવામાં આવશે અને તેઓ મારફત ઉત્પાદિત થયેલ ફાયબરનું ગુજકોમાસોલ મારફતે વેચાણ પણ કરી આપવામાં આવશે.

આમ, ગુજકોમાસોલનો ″ગુજકોગ્રીન બનાના ફાયબર ” પ્રોજેકટ એ ખરા અર્થમાં રોજગારલક્ષી, ખેડુતલક્ષી તથા ખેડુતોને આર્થિક લાભ થાય તે પ્રકારનો પ્રોજેકટ છે. સંસ્થા દ્વારા ખેડૂત મિત્રોને ખાસ અનુરોધ છે કે તેઓ અહીં આવે અને ટ્રેનીંગ સેન્ટરમાં ટ્રેનીંગ લઈને પોતાના ખેતરમાં અથવા ચાર-પાંચ ખેડુત ભાઈઓ ગ્રૂપમાં એક રાસ્પાડોર મશીન ઈનસ્ટોલ કરે. માત્ર ભરૂચ જ નહી આજુબાજુના તમામ જીલ્લાઓમાં કેળાની ખેતી કરતાં ખેડુતોને ગુજકોગ્રીન બનાના ફાયબર” પ્રોજેકટથી આર્થિક લાભ મળે તે સારૂ ગુજકોમાસોલને ભવિષ્યમાં મોટા પાયે પ્રોજેકટનું વિસ્તરણ પણ કરશે તેમ સંસ્થા દ્વારા જણાવાયું છે.

-૦-૦-૦-


Share to