October 5, 2024

દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ અને મિલેટ્સ વર્ષની ઉજવણી કરાઈ

Share to



*મહિલાઓના પોષણ અને શિક્ષણ થકી સમાજનો સર્વાંગી વિકાસ શક્ય : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા*

*પરંપરાગત ખેત પેદાશો મિલેટ્સ આહારને દૈનિક જીવનશૈલીમાં અપનાવવા અનુરોધ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા*

નર્મદા જિલ્લામાં નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઝુંબેશની અનેકવિધ થીમ હેઠળ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે, ત્યારે દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ તેમજ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પર્યુષાબેન વસાવાએ મહિલાઓના શિક્ષણ અને પોષણ પર વિશેષ ભાર આપતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાની મહિલાઓ-દીકરીઓમાં પોષણનું સ્તર સારુ હશે તો તેમની સમજશક્તિ અને સર્વાંગી વિકાસમાંસકારાત્મક પ્રભાવ જોવા મળશે. પોષણયુક્ત આહારના ઉપયોગથી શિક્ષણક્ષેત્રે પણ સારો દેખાવ અને રૂચિ કેળવાશે. વધુમાં પ્રમુખશ્રીએ પરંપરાગત ખેત પેદાશ મિલેટ્સ (જુવાર, બાજરી, નાગલી, રાગી) ને દૈનિક જીવનમાં આહાર તરીકે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

ઉપરાંત, આંગણવાડીમાંથી ટેક હોમ રેશન તરીકે આપવામાં આવતા પોષણક્ષમ આહાર માતૃશક્તિના ઉપયોગ દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણસ્તરમાં સુધારો લાવવા માટે ગ્રામજનોને જાગૃત કરવા અંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ ગામના આગેવાનોને રચનાત્મક સૂચનો કર્યા હતા.

‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી પ્રસંગે રેલી દ્વારા ગ્રામજનોમાં જાગૃતતા કેળવવા રેલી, પોષણસુત્રો, સીએસટીસી અને મેટરનિટી સાથે પણ તેઓશ્રીએ સંવાદ સાધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેર સ્થળો તેમજ સગર્ભા-ધાત્રી અને ઓછા વજન ધરાવતા બાળકોના ઘરે પોષણસુત્ર લખીને જાગૃત કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઓછા વજન વાળા બાળકો ને કાંગારુ મધર કેર દ્વારા કાળજી રાખવા, બાળક ના જન્મના છ મહિના સુધી ફકત માતાનું ધાવણ આપવાનું, 6 માસ પૂર્ણ થયેથી રાબ, શિરો, દાળ, ઢીલી ખીચડી, મસળેલું કેળું, બાફેલું બટાકા વગેરે આપવું તથા 2 વર્ષ માતાનું ધાવણ ચાલુ રાખવા બાબતે ચર્ચા-વિચારણા થઈ હતી.

આ પ્રસંગે જિલ્લા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી ક્રિષ્નાબેન પટેલ, નાયબ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનિલ વસાવા, જિલ્લા આર.સી.એચ.ઓ.શ્રી મુકેશભાઈ પટેલ, દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.મિનાક્ષીબેન અને ડો.વી.કે.પોશીયા, સરપંચશ્રી, શાળાના શિક્ષકો, આશાવર્કર, ફિમેલ હેલ્થ વર્કર બહેનો, એએનએમ, નર્સિંગ સ્ટાફ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed