September 7, 2024

નર્મદામાં અમૃતસરોવર સુજલામ સુફલામ્ માં થયેલ ભ્રષ્ટાચાર માં તપાસ નહિ થાય તો ધારાસભ્ય ચૈતર વસાવા એ ધરણા પર બેસવાની આપી ચીમકી

Share to



સુજલામ સુફલામ્ યોજનાની શરૂઆતમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૂચનાથી સુજલામ સુફલામ્ જળ અભિયાન શરૂ કરાવ્યું હતું. સુજલામ સુફલામ્ જળ અભિયાનના છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામેથી કરાવ્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટીનાં અને આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે, કે રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં “જળસંચયની સાથે કુશળ શ્રમિકોને સ્થાનિક લેવલે રોજગારી મળે તે હેતુથી, લોક ભાગીદારીથી ધરી શકાય તેવી કામગીરી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા સિંચાઈ વિભાગ દ્વારા અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકીને ૪૩ તળાવો પૂર્ણ કરવામાં આવેલ છે, જેમાં સ્થાનિક આગેવાનોને સાથે રાખી તપાસ કરતા માલુમ પડેલ છે કે મનરેગા યોજનામાં ગ્રામ પંચાયતના નેજા હેઠળ મસ્ટર ભરીને લોક ભાગીદારીથી થયેલી કામગીરી સેવાયના તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે.

નર્મદા જિલ્લામાં અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા વન વિભાગ, વોટરશેડ દ્વારા મશીનરીથી કરવામાં આવેલ વન તલાવડીઓની કામગીરીમાં ખુબજ મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે. કેટલાક તળાવમાં પાવડા પણ નથી માર્યા અને કામ પૂર્ણ બતાવી લાખો રૂપિયાના ચુકવણા કરી દેવામાં આવેલ છે. કેટલાક તળાવોના મનરેગા યોજના અને સુજલામ સુફલામ યોજના, આમ બે યોજના માં ૫ થી ૭ લાખ સુધી ચુકવણા કરી દેવામાં આવેલ છે. કેટલીક જગ્યા કામગીરી થયેલ નથી છતા પણ વરસાદથી ભરાયેલા તળાવોના ચુકવણા કરી દેવામાં આવેલ છે. દર વખતની જેમ આ યોજનાઓમાં ઉનાળામાં કોઇપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી વરસાદ આવવાના સમયે એક-બે દિવસ અધુરી કામગીરી કરી અને કેટલાક તો વગર કામગીરીએ પાણી ભરાયા બાદ લાખો રૂપિયાના ચુકવણાઓ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે.

નર્મદા જિલ્લામાં અમૃતસરોવર તથા સુજલામ સુફલામ યોજના ૨૦૨૩ માં થયેલ વન તલાવડીઓ, નવા તળાવ ઊંડા કરવાની કામગીરી અને નાણાના ચૂકવણાની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરાવી ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ અને એજન્સીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગણી કરી છે. જો આમ કરવામાં ન આવે તો આવનાર દિવસમાં ક્લેક્ટર કચેરી નર્મદા ખાતે લોકો સાથે ધારણા પર બેસવાની ચીમકી આપી છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed