November 22, 2024

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે એક મકાન નજીકથી માદા દીપડો પકડાયો

Share to

દીપડી ૧૧ થી ૧૨ મહીના જેટલી ઉંમરની હોવાનો અંદાજ…

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે એક મકાન નજીકથી વનવિભાગે મુકેલ પાંજરામાં એક માદા દીપડી ઝડપાઇ હતી. મળતી વિગતો મુજબ તલોદરા ગામે છેલ્લા બે ત્રણ દિવસથી રાત્રી દરમિયાન દીપડાની હાજરી જણાતા સ્થાનિકોએ ઝઘડિયા વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ દ્વારા દીપડાની સંભવિત હાજરીવાળા સ્થળની ચકાસણી કર્યા બાદ યુવા અગ્રણી દિનેશભાઇ વસાવાના મકાનથી થોડે દુર પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું.

ભારે જહેમત બાદ ગઇ રાત્રી દરમિયાન વનવિભાગે મુકેલ પાંજરામાં એક માદા દીપડી ઝડપાઇ હતી. જાણવા મળ્યા મુજબ આ દીપડી ૧૧ થી ૧૨ મહીના જેટલી ઉંમરની હોવાનો અંદાજ છે. વનવિભાગ દ્વારા આ ઝડપાયેલ માદા દીપડીને ઝઘડિયા ખાતે લાવવામાં આવી હતી. વનવિભાગ દ્વારા આ દીપડીને હવે ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડવામાં આવશે. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી દીપડાઓની વસતિ જણાય છે. તાલુકામાં શેરડીના ખેતરો દીપડાઓ માટે આશ્રયસ્થાન ગણાય છે. દીપડાઓ ઘણીવાર શિકારની શોધમાં માનવ વસતિમાં આવી જઇને વાડામાં બાંધેલ પાલતુ પશુઓનું મારણ કરતા હોય છે.


Share to