DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યુ

Share to


જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણી તેની સાચવણી કરવા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન
………..
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી
નાનામાં નાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો
——
-: મુખ્યમંત્રીશ્રી :-
 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાસૂચક માર્ગદર્શન થકી આપણે બિપરજોય વાવાઝોડાની આફતમાંથી ઝીરો કેઝયુઅલ્ટી સાથે ઉગરી ગયા
 ગ્લોબલ વોર્મિગના સમયમાં પર્યાવરણની જાળવણી માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ
……
-: વાહનવ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ :-
———
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચમાં નવા બસપોર્ટનું લોકાપર્ણ કરતાં નાગરિકોને પ્રેરક આહવાન કર્યુ કે જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણીને તેની સાચવણીનું દાયિત્વ આપણે નિભાવવું જોઇએ.
ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ અને ડી.આર.એ નર્મદા બસપોર્ટ પ્રા. લિ. દ્વારા પીપીપી ધોરણે ભરૂચમાં રૂ. ૧૧૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલા આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નાનામાં નાના માનવીને પણ મુખ્ય ધારામાં લાવી શકાય તેવી વિકાસની રાજનીતિથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ, વંચિત, સામાન્ય માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે.
વડાપ્રધાનશ્રીની દરેક કલ્યાણ યોજનામાં કે જનહિતકારી નિર્ણયોમાં ગરીબ-છેવાડાનો અને નાનો માનવી કેન્દ્રસ્થાને હોય છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું કે, ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ બન્યું છે તેના મૂળમાં વડાપ્રધાનશ્રીએ નાંખેલો મજબૂત પાયો છે. ગુજરાતના ગામડામાં પણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની સેવાઓ મળે છે.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં પાછલા નવ વર્ષમાં પ્રગતિની ગતિ પણ વેગવંતી બની છે તેનું દ્રષ્ટાંત આપતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે ગત એપ્રિલ મહિનામાં જી.એસ.ટી ની જે માતબર આવક થઇ છે તે જ પૂરવાર કરે છે કે ધંધા-રોજગાર ઉદ્યોગોનું આખુંય ચક્ર દેશમાં તીવ્ર ગતિએ ચાલે છે.
મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો, સામાન્ય માનવીઓ માટે વાહનવ્યવહારના સરળ અને સક્ષમ માધ્યમ એસ.ટી ની સેવાઓ, બસમથકો બધામાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં જે આધુનિક બદલાવ આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
તેમણે બસ મથકોને એરપોર્ટ જેવી અદ્યતન સવલતો સાથેના બસપોર્ટ તરીકે વિકસાવવામાં આવ્યા છે તેની સાથોસાથ એક સમયે દયનીય હાલતની એસ.ટી સેવાઓ આજે વોલ્વો જેવી સુવિધાસભર બસોથી સજ્જ બની છે તેની પણ સરાહના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ એસ.ટી નિગમની મુસાફર લક્ષી સેવા-સુવિધાઓમાં પર્યાવરણ જાળવણી માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતાં એસ.ટી. નિગમે પ૦ ઇ-બસો સેવામાં મૂકી છે અને વધુ રપ૦ બસો ભવિષ્યમાં સેવામાં મુકાવાની છે તેની પણ છણાવટ કરી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરની બિપરજોય વાવાઝોડાની આફતમાંથી ગુજરાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં હેમખેમ પાર ઉતરીને વિકાસ પથ પર ગતિ જારી રાખી છે તેનો પણ ઉલ્લેખ આ વેળાએ કર્યો હતો.
વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજે ભરૂચ જિલ્લાને ઘણી જ અમૂલ્ય ભેટ મળી છે. તમામ નાગરિકો માટે એરપોર્ટને ટક્કર આપે તેવી સુવિધાઓ ધરાવતું બસ પોર્ટ ખુલ્લુ મુકયું છે.
ગુજરાત રાજ્યમાં ૧૫ જેટલા બસ સ્ટેશનોને બસ પોર્ટમાં બદલવામાં આવ્યા છે. તે સાથે મુખ્યમંત્રીશ્રીએ છેવાડાના માનવીની જ દરકાર કરતા લગભગ ૨૦૦૦ જેટલી નવી બસો રાજ્યને ભેટ આપી છે. અને નવી ૩૦૦ જેટલી ટ્રીપ વધારી છે.
નવી બસોમાં હાલની જરૂરીયાત પ્રમાણે સુવિધાઓ આપવામાં આવી છે. ચાર્જિગ પોઈન્ટ, બસના સિટનું મટીરીયલ બદલી અગવડતાને સગવડતાના રૂપમાં રાખી ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે.રોજગારીનું સૌથી મોટું ગ્રોથ સેક્ટર ભરૂચ જિલ્લો બન્યો છે. આ બસ પોર્ટ હવે તમામ લોકો માટે સારી સુવિધાયુકત બન્યુ છે ત્યારે તેની દરકાર રાખવાની હિમાયત મંત્રીશ્રીએ કરી હતી.
બંદરો અને વાહન્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ .કે દાસે શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ ડેવલોપર્સ શ્રી દિનેશભાઈ અગ્રવાલ તથા કિરણભાઈ મજમુદાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ બસ પોર્ટની લોકોપયોગી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રંસંગે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી અરૂણસિંહ રાણા, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી ડી કે સ્વામી, શ્રી રીતેષભાઈ વસાવા, જિલ્લા અગ્રણી શ્રી મારૂતિસિંહ અટોદરિયા, વા.વ્ય.નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી એમ એ ગાંધી, , જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, સિટી સેન્ટરના અગ્રણી શ્રી કિરણ મજમુદાર અને શ્રી દિનેશચંદ્ર અગ્રવાલ તથા જિલ્લાના આગેવાન પદાધિકારીશ્રીઓ અને વહીવટીતંત્ર તથા એસ.ટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
…….


Share to

You may have missed