(ડી.એન.એસ)કર્ણાટક,તા.૧૩
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તમામ 224 બેઠકો માટેના વલણો જાહેર કર્યા છે. કોંગ્રેસે 113 બેઠકોના બહુમતી આંકડાને પાછળ છોડી દીધો છે અને તેના ઉમેદવારો 137 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ 62 અને જેડીએસ 21 વિધાનસભા સીટો પર આગળ છે. 4 બેઠકો પર અપક્ષો આગળ ચાલી રહ્યા છે. કાલે સવારે બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP)ની બેઠક બોલાવવામાં આવી છે.
બસવરાજ બોમ્માઈએ કહ્યું કે અમે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી. અંતિમ પરિણામો આવ્યા પછી અમે વિગતવાર વિશ્લેષણ કરીશું. એક રાષ્ટ્રીય પક્ષ તરીકે, અમે માત્ર વિશ્લેષણ જ નહીં પરંતુ વિવિધ સ્તરે શું ખામીઓ રહી હતી તે પણ જોઈશું. અમે આ ચૂંટણી પરિણામમાંથી શીખીશું અને ભવિષ્યમાં સારું કરીશું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જંગી જીત બદલ રાજ્યના લોકોને અભિનંદન અને આભાર માન્યો હતો. તેમણે રાજ્યમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને તેમની સખત મહેનત અને સમર્પણ માટે અભિનંદન પણ આપ્યા હતા.
કર્ણાટક ચૂંટણીમાં જોરદાર જીત બાદ બેંગલુરુ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો.
કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા. કોલકાતામાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું, ‘લોકોએ ઘમંડ, ગેરવર્તણૂક, એજન્સીની રાજનીતિ સામે ‘નો વોટ ટુ બીજેપી’નું આહ્વાન કર્યુ હતું. હું કર્ણાટકની જનતા અને મતદારોને સલામ કરું છું અને કોંગ્રેસ પાર્ટીને તેની જીત માટે અભિનંદન આપું છું. હવે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ચૂંટણી છે, અહીં પણ ભાજપની હાર થશે. 2024 ના અંતની શરૂઆત છે… હવે મને નથી લાગતું કે તેઓ (ભાજપ) 100 સીટોને પણ પાર કરી શકશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકના કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાને બેંગલુરુમાં મીઠાઈ ખવડાવીને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, કર્ણાટકની જનતાએ અમને ભારે બહુમતથી જીતાડ્યા છે. તેના માટે કર્ણાટકના લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. હાથ જોડીને તેમને નમસ્કાર કરીએ છીએ. અમારુ કામ તેમના વિશ્વાસ સાથે ન્યાય કરશે. અમે તમામ પાંચેય ગેરેન્ટી પુરી કરીશું.
