આગામી વિશ્વ આદિવાસી દિવસ ૯મી ઓગસ્ટ,૨૦૨૩ સુધીમાં ટ્રાયબલ યુનિવર્સિટી સંકુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરતા શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર

Share to


———
ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર નર્મદા જિલ્લાની મુલાકાતે
———
શિક્ષણમંત્રીશ્રી ડીંડોરે નિર્માણાધીન ટ્રાયબલ યુનિવર્સિટી અને ટ્રાયબલ મ્યુઝિયમ સંકુલની મુલાકાત કરી જરૂરી જાણકારી મેળવી
———–
રાજપીપલા,શનિવાર :- ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર આજરોજ નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. મંત્રીશ્રીએ તેઓની આ મુલાકાત દરમિયાન દેશની એકમાત્ર ટ્રાઇબલ યુનિવર્સિટીની મુલાકાત કરી હતી.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીત નગર ખાતે નિર્માણ પામી રહેલી દેશની એકમાત્ર ટ્રાઇબલ યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચતા જ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરનું કુલપતિશ્રી ડૉ. મધુકર પાડવીએ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. સાથો સાથ મંત્રીશ્રીને વારલી પેઇન્ટિંગ વાળી ફ્રેમ તેમજ બિરસા મુંડાની કોતરણી વાળી લાકડાની ફ્રેમ ભેટ આપી હતી.

આ અવસરે કુલસચિવશ્રી ડૉ. વિજયસિંહ વાળાએ યુનિવર્સિટી કેમ્પસના પ્રોજેક્ટ મેપીંગ તથા થ્રીડી ઈમેજ થકી સંપૂર્ણ કેમ્પસની જાણકારી પૂરી પાડી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ તેમજ હાલમાં બાંધકામ સાથે જોડાયેલી એજન્સીના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને આગામી વિશ્વ આદિવાસી દિવસ એટલે કે ૯મી ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં યુનિવર્સિટી સંકુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા અને ઓગસ્ટ મહિનામાં યુનિવર્સિટી કેમ્પસનું લોકાર્પણ કરી સમગ્ર દેશમાં એક સારો સંદેશો આપી શકાય તે પ્રકારની કામગીરી હાથ ધરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ યુનિવર્સિટી સંકુલના નિર્માણ માટે પૂરતું બજેટ હોય આ કામગીરી પૂર્ણ કરવા માટે વધુ લોકોની જરૂર જણાય તો તેમને પણ કામે લગાડવા જણાવ્યું હતું. આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયાસ થકી કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કાર્યરત રહીએ તેમજ સંકુલને હરિયાળુ બનાવવા માટે વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિ અગાઉથી જ કરવા માટે સૂચન પણ કર્યું હતું.


વધુમાં યુનિવર્સિટી સંકુલ તૈયાર થયા બાદ તેમાં બિરસા મુંડાની પ્રતિમા મૂકવા માટે પણ મંત્રીશ્રીએ જણાવતા ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ મંત્રીશ્રીની વાતમાં સુર પુરાવી સમગ્ર સંકુલની કામગીરી ઝડપભેર કરવા સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ એજન્સીના પ્રતિનિધિશ્રીઓને જણાવ્યું હતું.

મંત્રીશ્રી ડીંડોરે ત્યારબાદ એકતા નગર નજીક ગરુડેશ્વર પાસે પાસે નિર્માણ પામી રહેલા વિશાળ ટ્રાઇબલ મ્યુઝિયમની પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ડિસેગના કન્સલ્ટન્ટ સુશ્રી માર્ગીબેન પટેલે મંત્રીશ્રીને સમગ્ર મ્યુઝિયમની નકશા થકી જરૂરી વિગતો પૂરી પાડી હતી. તેમજ બાંધકામ પૂર્ણ થયા બાદ કેવા પ્રકારની પ્રદર્શની અને કયા કયા પ્રદેશના પ્રદર્શનનો અહીં મૂકવામાં આવશે તે અંગેની પણ જાણકારી પૂરી પાડી હતી. સાથોસાથ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના ઇજનેરશ્રી હેમંતભાઈ વસાવાએ પણ આ પ્રોજેક્ટ વિશેની પૂરક માહિતી મંત્રીશ્રીને પૂરી પાડી હતી.

રાજ્યના આદિજાતિ અને શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેર ડીંડોરની નર્મદા જિલ્લાની આ મુલાકાત દરમિયાન ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, લાયઝન અધિકારીશ્રી તરીકે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ. સી. ભુસારાએ સાથે રહી મંત્રીશ્રીનો પ્રવાસ સફળ અને યાદગાર તાપૂર્વક પૂર્ણ બનાવ્યો હતો.


Share to