જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા ’’ સ્વચ્છતા અભિયાનને કાયમ કાર્યાન્વીત કરીએ અને સૌ સાથે મળી જન આંદોલિત કરીએ – આદિજાતિ અને શિક્ષણ મંત્રીશ્રી, ડૉ. કુબેરબાઈ ડીંડોરસાંસદ –ધારાસભ્યોની ઉપસ્થિતિમાં રાજ્યના તીર્થધામોમાં સફાઈ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા આસ્થા- શ્રધ્ધાના કેન્દ્ર એવા દેવમોગરા પાંડોરી માતાના મંદિર પરિસરમાં શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ મંદિર પરિસમાં જાતે ઝાડું લગાવી સાફસફાઈ કરી

Share to

‘‘
———-
સ્વચ્છતા અભિયાન બાદ મંદિર પરિસરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુશોભન અપાવે તેવા છોડનું મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું
———-
રાજપીપલા,શનિવાર :- રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સુપ્રસિધ્ધ યાત્રાધામોમાં સફાઈ અભિયાન યોજવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે તા.૨૨/૦૪/૨૦૨૩ ના રોજ સવારે- ૮ થી ૧૦ કલાક સુધી આ અભિયાનમાં સ્થાનિક અગ્રણીઓ, આગેવાનો સહભાગી થઈ સ્વચ્છતા અભિયાન થકી આસ્થા- શ્રધ્ધાના મહત્વના કેન્દ્રો એવા યાત્રાધામોમાં સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આવેલા આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરની આગેવાનીમાં અને ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા સંગઠનના અગ્રણીઓની હાજરીમાં સાફ-સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રી દ્વારા જાતે જ કચરો ઉપાડી, હાથમાં ઝાડુ લઇને પરિસરની સફાઈ તેમજ મંદિરની દીવાલોની સફાઈ કરવામાં આવી હતી.
દેવમોગરા ગામમાં પ્રવેશતાંની સાથે જ શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરનું મોગરામાઈ આશ્રમ શાળાના ભુલકાઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. જ્યારે મંત્રીશ્રીનું મંદિર પરિસરમાં આગમન થતાં જ પરંપરાગત વાધ્ય ઢોલ વગાડી સાથે આદિવાસી પરિવેશમાં સજ્જ બાળાઓએ તિલક કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંદિરના ટ્રષ્ટીશ્રીઓ અને જિલ્લા સંગઠનના આગેવાનોએ પરંપરાગત પાઘડી, પાંડોરી માતાની તસવીર આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પરંપરાગત ‘હીજારી’(ફૂલોથી સજાવેલી ટોપલી) સાથે મંદિર પરિસરમાં પ્રવેશ કરી પાંડોરી માતાના ચરણોમાં વંદન કરી શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. માતાજીને ચૂંદડી, શ્રીફળ અને પ્રસાદ સ્વીકારી મંદિરમાં યાહા મોગી માતાજીનો જયઘોષ બોલાવ્યો હતો. બાદમાં તેઓની સાથે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા પણ જોડાયા હતા. દર્શન બાદ મંદિર પરિસરમાં મંત્રીશ્રી, સાંસદશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી સહિત આગેવાનો અને અધિકારીશ્રીઓ સ્વચ્છતા અભિયાનમાં સામેલ થયા હતા. સ્વચ્છતા અભિયાન મંદિર પરિસરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુશોભન અપાવે તેવા છોડ મહાનુભાવોના હસ્તે રોપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા અભિયાનને જીવનમાં કાયમ કાર્યાન્વિત કરીએ અને સૌ સાથે મળી તેને જન આંદોલન બનાવીએ. આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના અભિયાન અને આહવાનને ઉપાડી જન આંદોલન કરીએ. રાજ્યના પ્રત્યેક પવિત્ર યાત્રાધામો ચોખ્ખા ચણાક રાખીએ તો પ્રવાસીઓનું આકર્ષણ અને રોજગારી સર્જન કરવામાં સહાયરૂપ બનશે. સમાજ, સંગઠન અને વહીવટી તંત્ર સાથે મળીને આ કાર્ય ઉપાડીએ તો સુંદરતામાં ઓર વધારો થશે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિભાવના સાકાર થશે. જન જનનું કલ્યાણ થાય તેવી માતાજીને પ્રાર્થના કરૂં છું. સાથે સાથે લોકોમાં શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે અને સૌ પ્રગતિના પથપર આગળ વધે. આવનારા દિવસોમાં ટેટ-2ની પરીક્ષા લેવામાં આવશે. અંદાજે અઢી લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે અને તેમાંથી ગુણવત્તાયુક્ત શિક્ષકો મળશે અને 852 જેટલા શિક્ષકોની ભરતી માટે મંજૂરી આપી દેવામાં આવી છે તેમ જણાવ્યું હતું. આશ્રમ શાળાઓ અને હાઈસ્કૂલોને પણ શિક્ષકો મળશે. શિક્ષણ એ માનવીની પ્રગતિનું પ્રથમ ચરણ છે, મંત્રીશ્રીએ પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ અને પડીયા-પતરાળાના ઉપયોગની હિમાયત કરી હતી અને અહીં આવો ગૃહઉદ્યોગ અહીં વિકસે તે જોવા પણ જણાવ્યું હતું. મંદિરની વિઝિટ બુકમાં પોતાનો અભિપ્રાય પણ મંત્રીશ્રીએ લખ્યો હતો. અને મંત્રીશ્રીએ ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલી સૈનિક સ્કૂલની મુલાકાત પણ કરી હતી.

આ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, જંગલ બચાવો, વધુને વધુ વૃક્ષો વાવો, જંગલ સાચવવા એ પણ આપણી જવાબદારી છે. જેનાથી પશુઓને ઘાંસ ચારો મળશે સાથે સાથે પર્યાવરણનું પણ જતન થશે. અને પ્રવાસીઓ અહીં જે આવે છે તેઓ પણ કચરાનો યોગ્ય નિકાલ કરે તેના ઉપર ભાર મૂક્યો હતો.

યાહા મોગી પાંડોરી માતાના મંદિરનું મહાત્મ્ય

વિંધ્યાચળ અને સાતપુડાની ગીરીમાળાઓનું અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજના કુળદેવી આસ્થાના કેન્દ્ર પાંડોરી માતા મંદિરે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી લોકો અપાર શ્રદ્ધા સાથે દર્શનાર્થે આવે છે. નર્મદા જિલ્લાની આ ભૂમિ અદભૂત અને અલૌકિક તો છે જ પરંતુ લોકોની આસ્થા સાથે પણ જોડાયેલી છે. કંસરી દેવી તરીકે ઓળખાયેલા કૂળદેવીના ચરણોમાં સમગ્ર આદિવાસી સમાજ પોતાના ખેતરમાં તૈયાર થયેલું નવું ધાન્ય અર્પણ કરવા માટે આવે છે. જેને ‘હીજારી’ (નવા વાંસમાંથી બનાવેલી ટોપલીને વિવિધ ધાન્યોથી ભરી ચૂંદડી અથવા સફેદ વસ્ત્રથી બાંધવામાં આવે)માં લઈને આવે છે. આ ધાન્ય માતાજીને અર્પણ કર્યા પછી જ તેનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરે છે. સાથોસાથ દેવમોગરા એક પવિત્ર યાત્રાધામ હોય અહીં શ્રદ્ધાળુઓ -ભક્તો પોતાના દુ:ખ, સમસ્યા દૂર કરવા પાંડોરી માતાની બાધા રાખે છે. માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે તેવી માન્યતા રહેલી છે.

ઉક્ત સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી, દેડિયાપાડા મામલતદાર અને સાગબારાના ઈન્ચાર્જ મામલતદારશ્રી એસ.વી.વિરોલા, દેવમોગરા મંદિર ટ્રષ્ટના પ્રમુખશ્રી ધીરસિંગ વસાવા, ઉપપ્રમુખશ્રી નાનસિંગભાઈ વસાવા, ટ્રષ્ટી સર્વશ્રી વિજયસિંહ વસાવા, કાંતિભાઈ કોઠારી, દુષ્યંત વસાવા સહિત જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, આગેવાનો અને ભાવિક ભક્તો પણ સ્વયંભુ રીતે આ અભિયાનમાં જોડાયા હતા અને આ અભિયાનની સરાહના કરી હતી.

૦૦૦૦


Share to