December 26, 2024

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતી પાકમાં થયેલા નુકશાનના સર્વે માટે ૫૬૫ ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરાઈઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

Share to



૧૫ જિલ્લાના ૧,૯૯,૯૫૧ હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ; વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં થયેલા નુકશાનના સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં
૪૨,૨૧૦ હેક્ટર જેટલો વિસ્તાર ૩૩ ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી?.બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે ૧૫ જિલ્લાનાં ૬૪ તાલુકાના ૨૭૮૫ ગામોમાં પાક નુકશાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા. પાક નુકશાની અહેવાલોના આધારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ ૫૬૫ સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકશાનીની રજૂઆતોને ધ્યાને લઇ જિલ્લા તંત્ર તરફથી અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકશાન સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.
પ્રવક્તા મંત્રીએ સર્વેની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ ૧૫ જિલ્લાના કુલ ૧,૯૯,૯૫૧ હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં, ખેતીપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર ૧,૮૩,૧૨૧ હેક્ટર અને બાગાયતી ફળપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર ૧૬,૮૩૦ હેક્ટર છે. સર્વેની વિગતો અનુસાર ૪૨,૨૧૦ હેક્ટર જેટલો વિસ્તાર ૩૩ ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત છે. જેમાં ૩૦,૮૯૫ હેક્ટર ખેતીપાકોનો વિસ્તાર અને બાગાયતી ફળપાકોનો નુકશાનગ્રસ્ત વિસ્તાર ૧૧,૩૧૫ હેક્ટર છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયામો પ્રમાણે રાજ્યમાં ૩૩ ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવવાની વિચારણા હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. ૪-૩-૨૦૨૩ થી ૨૪-૩-૨૦૨૩ સુધીમાં રાજ્યના ૩૦ જિલ્લાના ૧૯૮ તાલુકામાં ૧ મીલીમીટરથી ૪૭ મીલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાંના ૧૦ જિલ્લાના ૩૪ તાલુકામાં ૧૦ મિલીમીટરથી પણ વધારે વરસાદ નોંધાયો હતો.


Share to

You may have missed