ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને શ્રી રાજેન્દ્રસિંહ દીક્ષિતના પુત્ર શ્રી ઓગષ્ટીન દીક્ષિત(UAS)ની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ
રાજપીપલા, સોમવાર :- નાંદોદ તાલુકાના તરોપા ગામે આવેલી અને રાજપીપલા વિભાગ ગ્રામ કેળવણી મંડળ-તરોપા સંચાલિત શ્રી આર.એન.દીક્ષિત હાઈસ્કૂલના સ્થાપક શ્રી રાજેન્દ્રસિંહ એન. દીક્ષિત (બાપા) ના શતાબ્દિ મહોત્સવ સાથે હાઈસ્કૂલની સ્થાપનાના ૬૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ષષ્ટીપૂર્તિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનના ત્રિવિધ કાર્યક્રમો ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા અને UASમાં સ્થાયી થયેલા અને શ્રી રાજેન્દ્રસિંહ દીક્ષિતના પુત્ર શ્રી ઓગષ્ટીન દીક્ષિતની ઉપસ્થિતિમાં આજે શાળાના પટાંગણમાં યોજાયા હતા.
આ પ્રસંગે સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો હંમેશાં અન્ય લોકોનું ભલું થાય તેવી રીતે પરોપકારની ભાવના સાથે આગળ વધતા હોય છે. માણસ જેટલો શિક્ષિત હશે તેટલો જ જીવનમાં પ્રગતિ કરશે. આ સંસ્થાના સ્થાપક એવા શ્રી દીક્ષિત બાપા શિક્ષણ સાથે ક્રાંતિકારી વિચારો ધરાવનારા હતા. તેમણે સ્થાપેલી સંસ્થા આજે અનેક પરિવારોમાં અજવાળું પાથરી રહી છે. ૬૦ વર્ષ પહેલાં રાજેન્દ્રસિંહ બાપાએ શિક્ષણ સંસ્થા રૂપી વાવેલાં બીજ આજે વટવૃક્ષ બન્યું છે. પ્રત્યેક સમાજના ઝડપી વિકાસ માટે શિક્ષણ અતિ આવશ્યક છે. શિક્ષણમાં ઘણી તાકાત રહેલી છે, જે તે સમયે મેળવેલું યોગ્ય અને ગુણવત્તાવાળું શિક્ષણ વ્યક્તિ અને સમાજમાં પરિવર્તન લાવી શકે છે.
વધુમાં સાંસદશ્રીએ જણાવ્યું કે, ભારત દેશને મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે અને દરેક નાગરિકને રોજગાર મળે તે માટે શિક્ષણ પર ખૂબ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેના કારણે જ ગુજરાત અને સમગ્ર ભારત વિકાસના પંથે ખૂબ આગળ વધી રહ્યાં છે. વિકાસમાં નર્મદા જિલ્લો પાછળ રહી ન જાય તે માટે આપણે સૌએ સાથે મળીને ચિંતા કરવાની છે. ભણેલી વ્યક્તિ પોતાના પરિવાર સાથે સમાજમાં અનેક પ્રકારના પરિવર્તન લાવી શકે છે તે શિક્ષણની તાકાત છે. શિક્ષણનું મહત્વ આપણે સૌએ સમજવું પડશે. વિકાસ માટે સરકારશ્રીએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેનો યોગ્ય વ્યક્તિઓને લાભ અપાવી વિકાસની હરળફાળ સાથે કદમ મીલાવી શકીએ છીએ તેમ સાંસદશ્રીએ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને નાંદોદના પૂર્વ ધારાસભ્ય શ્રી પી.ડી.વસાવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શ્રી આર.એન.દીક્ષિત હાઈસ્કૂલના આચાર્ય શ્રી નીલેશભાઈ વસાવાએ શાળા સ્થાપનાથી લઈને ૬૦ વર્ષ પૂર્ણ થવા સુધીની સફરની ઝાંખી કરાવી ઋણ સ્વીકાર કર્યું હતું. જ્યારે શાળાના સ્થાપક શ્રી રાજેન્દ્રસિંહ દીક્ષિતના પુત્ર અને કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ઓગષ્ટીન દીક્ષિતે પોતાના પિતાના જીવન-કવન ઉપર પ્રકાશ પાડ્યો હતો.
હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં આ શાળામાંથી અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રોમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કર્યા હતા. જ્યારે શાળાના પૂર્વ શિક્ષક શ્રી ભાઈલાલ પરમારે અંગ્રેજી ભાષામાં લખેલા ત્રણ પુસ્તકોનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડપ્રેશર-ડાયાબિટીશ કેમ્પ પણ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય સુશ્રી રશ્મિબેન વસાવા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી હિતેશભાઈ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી. ભૂસારા, રાજપીપલા વિભાગ ગ્રામ કેળવણી મંડળ- તરોપાના મંત્રી શ્રીમતી મીનાક્ષીબેન ભણાત, ડો. ટોમસન ભણાત, ડો. શેરોન ભણાત, શ્રી અમિતભાઈ ગામીત, નર્મદા જિલ્લાની વિવિધ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષણ જગત સાથે સંકળાયેલા અન્ય મહાનુભાવો, અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો, શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ અને હાલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો