September 18, 2024

રૂા.૮૦ લાખના ખર્ચે આધુનિકરણ થયેલા પાંડેસરા પોલીસ ભવનનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા

Share to



——-
પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની સાત લાખની વસ્તીને સીધો ફાયદો થશેઃ
——
પી.પી.પી.ધોરણે સૌથી વધુ પોલીસ સ્ટેશનના ભવનોનું નિર્માણ સુરત શહેરમાં થયું છેઃ
સાંસદ સી.આર.પાટીલ
—–
સુરતઃરવિવારઃ- ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ સુરત શહેરમાં રૂા.૮૦ લાખના ખર્ચે પાંડેસરા જી.આઈ.ડી.સી.ના સહયોગથી આધુનિકરણ થયેલા પાંડેસરા પોલીસ સ્ટેશનનુ લોકાર્પણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ શહેરના ચાર પોલીસ સહાયતા કેન્દ્રોની તકિતઓનું પણ અનાવરણ કર્યુ હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, પાંડેસરા પોલીસ સ્ટેશન માટે વર્ષો પહેલા તત્કાલિન જી.આઈ.ડી.સી.ના ચેરમેન તરીકે સી.આર.પાટીલે જગ્યાની ફાળવણી કરી હતી. સરકાર સાથે સમાજ પણ સહયોગી બને તેનું ઉત્તમ ઉદાહરણ સુરત શહેરે પુરૂ પાડયું છે. આ વિસ્તારની સાત લાખથી વધુ વસ્તીને તેમનાથી સીધો ફાયદો થશે. સમગ્ર ભારતના લોકો સુરતમાં વસવાટ કરે છે ત્યારે આ કોસ્મો કલ્ચર વચ્ચે પોલીસ માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની જવાબદારી વિશેષ હોય છે. ઔદ્યોગિક વિકાસની સાથે સાથે શાંતિનું જતનએ આપણી પ્રાથમિકતા રહી છે તેમ જણાવીને પોલીસ સ્ટેશનના નિર્માણ માટે સહયોગ આપનારા પાંડેસરા જી.આઈ.ડી.સી.ના પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે મંત્રીશ્રીના હસ્તે શહેરના પાંચ પોલીસ સ્ટેશનના સહાયતા કેન્દ્રોનું લોકાર્પણ કર્યું હતું.
આ વેળાએ સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા અદ્યતન સુવિધા સાથેના પોલીસ ભવનોનું સમગ્ર રાજયમાં નિર્માણ થઈ રહ્યું છે. રાજયમાં સૌથી વધુ પી.પી.પી.ધોરણે નવા પોલીસ સ્ટેશનોના ભવનોનું નિર્માણ સુરત શહેરમાં થયું છે. આગામી સમયમાં ટી.પી.સ્કીમોમાં પોલીસ સ્ટેશન માટે અલગથી જગ્યાની ફાળવણી કરવામાં આવે તે અંગેની રજુઆત કરવામાં આવી છે.
આ અવસરે પોલીસ કમિશનરશ્રી અજય તોમરે જણાવ્યું કે, પાંડેસરા વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમિકોની વસ્તી વધુ છે. પોલીસ તંત્રએ છેલ્લા છ મહિના દરમિયાન ૩૫ જેટલા ગુમ બાળકોને શોધવામાં સફળતા મેળવી છે. આગામી સમયમાં પણ શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટે પોલીસ સક્રિયતાથી પ્રયાસો કરતી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ વેળાએ મેયરશ્રીમતિ હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્યશ્રીઓ, પાંડેસરા જી.આઈ.ડી.સી.વિસ્તારના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-


Share to

You may have missed