November 21, 2024

આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે રાજપીપલા શહેરમાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં સવારના ૭:૦૦ વાગ્યાથી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી કરફ્યુના અમલ સહિત રૂટ ડાયવર્ઝન અંગે પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું

Share to


રાજપીપલા, રવિવાર:- તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ અષાઢી બીજના તહેવાર નિમિત્તે રાજપીપલા શહેર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. ગુજરાત સરકારશ્રીના આમુખ-૧ ના હુકમથી કોરોના સંક્રમણની પરિસ્થિતિની સમીક્ષા કરી, રાજ્યમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા/શોભાયાત્રાને લગતી સૂચનાઓ આપવામાં આવેલ છે. જેને અનુલક્ષીને નર્મદા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા રાજપીપલા શહેરમાં આગામી તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અન્વયે રાધાકૃષ્ણ મંદિર, સ્ટેશન રોડ, કોર્ટ ત્રણ રસ્તા, લાલ ટાવર, દરબાર રોડ, જુની પોષ્ટ ઓફિસ, કાછીયાવાડ, માછીવાડ ગેટ અને સફેદ ટાવર વિસ્તારોમાં તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ સવારના ૦૭.૦૦ કલાકથી બપોરના ૦૧.૦૦ કલાક સુધી કરફ્યુ (Curfew) નો અમલ જાહેર કરેલ છે. કરફ્યુના આ સમયગાળા દરમ્યાન માછીવાડ ગેટથી સ્ટેશન રોડ તરફ આવતા વાહનોએ હરસિધ્ધિ ભવાની મંદિર, સંતોષ ચોકડી, કાળીયા ભૂતથી વડીયા જકાતનાકા તરફ તથા કોર્ટ ત્રણ રસ્તાથી કાળાઘોડા તરફ જતા વાહનોએ કોલેજ રોડ થઈ કાળીયા ભૂતથી હરસિધ્ધિ ભવાની મંદિર થઈ કાળાઘોડા અને વડીયા જકાતનાકા તરફ જવાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે, તેમ પણ ઉક્ત જાહેરનામામાં રૂટ ડાયવર્ઝનનો હુકમ કરેલ છે.
આ જાહેરનામાના ભંગ બદલ ‘THE INDIAN PENAL CODE’ની કલમ ૧૮૮ ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.


Share to

You may have missed