September 7, 2024

સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાના અધ્યક્ષપદે ભરૂચ જિલ્લાની વિકાસકીય યોજનાઓ અંગેની “દિશા” ની મળેલી સમીક્ષા બેઠક

Share to

વિકાસ કામોના સુચારૂ અમલીકરણ માટે આંતર વિભાગીય સંકલન વધુ સુદ્દઢ બનાવવાની સાથોસાથ મંજૂર થયેલા વિકાસકામો ઝડપથી હાથ ધરાય તે જોવાની હિમાયત કરતાં સાંસદશ્રી મનસુખભાઈ વસાવા
0 0 0
ભરૂચઃ ગુરૂવાર :- સંસદસભ્ય અને ભરૂચ જિલ્લાકક્ષાની દિશા કમિટિના અધ્યક્ષશ્રી મનસુખભાઇ વસાવાએ ભરૂચ જિલ્લામાં અમલી સરકારશ્રીની પ્રજાકીય વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘનિષ્ટ અમલીકરણ થકી લક્ષિત લાભાર્થી/જનસમુદાયને તેનો મહત્તમ ફાયદો થાય અને લોકોની સુખાકારી વધે તે દિશામાં સૌને સહિયારા પ્રયાસો કરવા ભારપૂર્વકનો ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લાની પ્રજાને પીવાના પાણી, રસ્તા, વિજળી જેવી પ્રાથમિક સવલતોને અગ્રીમતા આપવી જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતી અલ્પાબેન પટેલ, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, પ્રાયોજના વહીવટદારશ્રી સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ, સમિતિના અન્ય સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આજે ભરૂચ આયોજન ભવનના સભાખંડમાં યોજાયેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા (ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો.ઓડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટિ)ની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં તમામ વિભાગના વિકાસકામોના સુચારૂ અમલીકરણ માટે આંતરવિભાગીય સંકલન વધુ સુદૃઢ બનાવવાની સાથોસાથ મંજૂર થયેલા વિકાસ કામો સંદર્ભે જે તે બાબતમાં હકારાત્મક અભિગમ સહિત તેના યોગ્ય ઉકેલ સાથે ઝડપથી હાથ ધરાય અને પ્રજાજનોને ગુણવત્તાયુક્ત વિકાસ કામોનો શક્ય તેટલો વેળાસર લાભ મળી રહે તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી.
સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગારંટી યોજના, દિનદયાળ અંત્યોદય યોજના, દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ વિકાસ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી-ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન(શહેરી-ગ્રામીણ), રાષ્ટ્રીય ગ્રામીણ પેય જળ કાર્યક્રમ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ડીજીટલ ભારતીય જમીન દફતર અધ્યતીકરણ કાર્યક્રમ, દિન દયાળ ગ્રામ જ્યોતિ કાર્યક્રમ, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મીશન, અટલ મીશન ફોર રેજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, પ્રધાનમંત્રીસ ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મીશન, સર્વ શિક્ષા અભિયાન, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ, મધ્યાહન ભોજન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ડીજીટલ ભારત, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના, સંકલિત ઉર્જા વિકાસ યોજના, કૃષિ વિકાસ, સોઈલ હેલ્થ કાર્ડ, કૃષિ સિંચાઈ યોજના, ત્વરીત સિંચાઈ, જળસ્ત્રાવ વિસ્તાર વિકાસ, રોજગારી સર્જન કાર્યક્રમ, બેટી બચાઓ – બેટે પઢાઓ, સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના, એટીવીટી યોજના, ન્યુ ગુજરાત પેટર્ન યોજના, નાણાંકીય કામગીરીની સમીક્ષા વિગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
સંસદસભ્ય અને અધ્યક્ષશ્રીએ ભરૂચ જિલ્લાના છેવાડાના માનવીઓ સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે તેના ધ્વારા તેઓના સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે તેમ જણાવી સરકારશ્રીની યોજનાઓની જાણકારી ગ્રામિણ વિસ્તારના લોકોને આપવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, આગેવાન પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed