November 22, 2024

૨૬ મી મેં ના રોજ દેડીયાપાડા ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરકઉપસ્થિતિમાં વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ સહિત વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રો (રૂરલ મોલ) ના લોકાર્પણનો યોજાનારો કાર્યક્રમ

Share to




ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૬ મી મે,૨૦૨૨ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડા તાલુકા મથકે વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રો (રૂરલ મોલ) ના યોજાનારા લોકાર્પણ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી પૂર્વ તૈયારીઓની ગઇકાલે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અંકિત પન્નુના અધ્યક્ષપદે દેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી અંકિત પન્નુએ ઉક્ત કાર્યક્રમ સંદર્ભે જુદા જુદા વિભાગો ધ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એચ.પી.મોદી અને સુશ્રી વાણી દૂધાત, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે. પટેલ, દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાની, રાજપીપલાના પ્રાંત અધિકારીશ્રી હિતેશ પટેલ, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ અને વિવિધ સમિતિઓ સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અંકિત પન્નુએ સંબંધિત સમિતિઓને સોંપાયેલી કામગીરી અને ફરજ સુપેરે પાર પડે તે માટે પૂરતી કાળજી અને ચોકસાઇ રાખવા ખાસ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન અને રાહબરી હેઠળ મુખ્યમંત્રીશ્રીના ઉક્ત કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે વિવિધ ૨૪ જેટલી સમિતીઓની રચના કરવામાં આવી છે અને આ સમિતિઓમાં સમાવિષ્ટ વિવિધ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને એકબીજા વચ્ચે સુસંકલન સાધીને તેમને સોંપયેલી કામગીરી વધુ સઘન અને અસરકારક રીતે પરિપૂર્ણ થાય તે જોવાની પણ તેમને ખાસ સૂચના આપી હતી. ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અંકિત પન્નુએ દેડીયાપાડા ખાતે મુખ્યમંત્રીશ્રીના ઉક્ત કાર્યક્રમના આયોજન સંદર્ભે કાર્યક્રમના સ્થળે થઇ રહેલી પૂર્વ તૈયારીઓ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રના સ્થળની પણ રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા પ્રશાસનના અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ તેમની સાથે જોડાયાં હતા.

રિપોર્ટ. દિનેશ વસાવા. દૂરદર્શી ન્યૂઝ. ડેડીયાપાડા. 9909355809


Share to