ખેલ મહાકુંભ કાર્યક્રમમાં લોકોને ગાડી દૂર પાર્ક કરવી પડશે

Share to


(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ અને ૧૨ માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર છે. ૧૨ માર્ચના રોજ સાંજે નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ ૨૦૨૨નું ઉદ્‌ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જેના પગલે સ્ટેડિયમની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે. કાર્યક્રમમાં આવનાર લોકોએ સ્ટેડિયમથી અડધા કિલોમીટરથી લઇ અને એક થીબે કિલોમીટર ચાલીને આવવું પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યક્રમમાં આવનારા વીવીઆઈપી અને બસોના પાર્કિગ માટેના સ્થળ નક્કી કરી દેવામાં આવ્યા છે. નક્કી કરવામાં આવેલા ડ્રોપ સ્થળેથી લોકોએ ચાલીને સ્ટેડિયમમાં પહોંચવાનું રહેશે. ખેલ મહાકુંભના કાર્યક્રમમાં આશરે ૫૦ હજારથી વધુ લોકો હાજરી આપવાના છે. શહેરના વિવિધ વોર્ડમાંથી હજારો લોકો અને અન્ય શહેરોમાંથી પણ લોકો આવનાર છે. ૩૦૦થી વધુ એએમટીએસ બસોમાં વિવિધ વોર્ડમાંથી આવનારા લોકોને ક્યાં સ્થળે ઉતારવા અને તેઓની બસના પાર્કિગ સ્થળો નક્કી કરી દેવામાં આવ્યા છે. સરદાર પટેલ સ્ટેડિયમથી બે કિલોમીટર દૂર વાહન પાર્કિંગ સ્થળ નક્કી કરાયા છે. હેલ્મેટ ગ્રાઉન્ડ, રિવરફ્રન્ટ અને વીવીઆઈપી માટે નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગ સહિતની જગ્યાઓ પર વાહન પાર્કિંગના સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. સ્ટેડિયમથી બંને તરફ અડધા કિલોમીટર સુધીનો રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે. કોમર્સ છ રસ્તા, મેમનગર ફાયર સ્ટેશન અને નવરંગ સ્કૂલ આ તમામ ડ્રોપ સ્થળેથી લોકોએ ચાલીને સ્ટેડિયમ સુધી પહોંચવાનું રહેશે. એરપોર્ટથી કમલમ સુધી કાર્યકર્તાઓ વડાપ્રધાનને આવકાર આપશે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે ભાજપના યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચા દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવી શકે છે. અંદાજે પાંચ હજાર યુવાનો બાઇક રેલીમાં જાેડાશે. ગાંધીનગર કમલમ ખાતે વડાપ્રધાન ૧૧ વાગ્યાની આસપાસ પહોંચશે, જ્યાં તેઓ ભાજપના નેતાઓ અને તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે. કમલમ ખાતે નક્કી કરેલા ૪૩૦ લોકો જ હાજર રહી શકશે. કમલમ ખાતે બેઠક કર્યા બાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન હાજરી આપશે. સરપંચ સંમેલનમાં રાજ્યમાં જિલ્લા તાલુકા તમામ લેવલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે. સરપંચ સંમેલનમાં કુલ બે લાખ લોકોને ભેગા કરવા માટે ભાજપના નેતાઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. ૧.૭૫ લાખ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બાકીના ૭૫ હજાર જેટલા કાર્યકર્તાઓએ એમ કુલ બે લાખ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ ભાજપ શહેર સંગઠન, તમામ કોર્પોરેટરો, તમામ ધારાસભ્યોને તેમજ કાર્યકર્તાઓને કામગીરીમાં લાગી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.


Share to

You may have missed