November 21, 2024

રાજપીપળા ની GMERS હોસ્પિટલમાં મુન્ના ભાઈ MBBS નો સીન ભજવાયો

Share to

ઇન્સ્પેક્શન પેહલાં 26 જેટલી વિદ્યાર્થીનીઓ અને 3 વિદ્યાર્થીઓ મળી કુલ 29 ને દર્દી બનાવી સુવડાવી દેવાયા

ડમી દર્દી ના હાથ ઉપર માત્ર દેખાવ પૂરતી પટ્ટી મારી હાથ મા બોટલ ચડાવવા માટે ની વેઈન હોવાનું તરકટ રચાયું, હોસ્પિટલ સુપ્રિટેનડેન્ટ જ્યોતિ ગુપ્તા ની ભૂમિકા ઇન્સ્પેકશન અધિકારી ઓ ની આંખ મા ધૂળ નાખવા નો પ્રયાસ??

ઈકરામ એમ મલેક: નર્મદા

હજી બે દિવસ અગાઉ જ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી 103 વર્ષ જૂની જનરલ સિવિલ હોસ્પિટલને સ્થળાંતર કરીને વડીયા પેલેસ ખાતે આવેલ આયુર્વેદિક કોલેજના નવા બિલ્ડિંગમાં લઈ જવામાં આવી હોવાના સમાચાર તંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યા હતા અને હવે થી જનરલ હોસ્પિટલ ને GMERS સાથે એટેચ કરી દેવાઈ હોવાથી આ હોસ્પિટલ “મેડિકલ કોલેજ સનલગ્ન GMERS હોસ્પિટલ તરીકે ઓળખાશે અને ત્યાં દર્દીઓ ને અધ્યતન સુવિધાઓ મળશે એવી જાહેરાત જનરલ હોસ્પિટલ ના સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આજે મેડિકલ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા GMERS હોસ્પિટલ સનલગ્ન મેડિકલ કોલેજ ને મંજૂરી આપવા બાબતે હોસ્પિટલમાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ અને આધારભૂત સૂત્રો તરફ થી એવી પણ માહિતી મળી હતી કે હોસ્પિટલમાં પૂરતા દર્દીઓ આવી રહ્યા છે અને એડમિટ થાય છે, એવું ચિત્ર ઉપસાવવા રાજપીપળા નજીક આવેલ સરકારી સ્કૂલ ઓફ નર્સિંગ જીતનગર ની 29 જેટલી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને પેશન્ટ બનાવી હોસ્પિટલ ના 4 અલગ-અલગ વોર્ડ મા સુવડાવી દેવામાં આવ્યા હોવાનું ઘટસ્ફોટ થયું છે.

રિપોર્ટર દ્વારા GMERS હોસ્પિટલ મા સત્યતા ની તપાસ કરવા જતા હોસ્પિટલ ના ત્રીજા માળે 2F મહિલા સર્જીકલ વોર્ડ મા એક સરખી વય ની 11 જેટલી યુવતીઓ હોસ્પિટલ ના બેડ ઉપર સુતેલી જોવા મળી હતી, તેઓ ને પૂછતાં તેમને પોતાની ઓળખ જીતનગર સરકારી નર્સિંગ ની વિદ્યાર્થીની તરીકે આપી હતી, તેઓ ને પૂછ્યું કે શા માટે દાખલ થયા છો? તો તેમના તરફ થી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો, હાથ ઉપર પટ્ટીઓ શેની મારી છે તેમ પૂછતાં તેમણે મૌન ધારણ કરી લીધું હતું ફરજ પર ની વોર્ડ નર્ષ ને બોલાવી પટ્ટી કાઢી બતાવવા કહેતા માત્ર શોભા ની પટ્ટી હોવાનું અને કોઈ વેઈન સોય ન હોવાનું ભાંડો ફૂટ્યો હતો.

એજ રીતે 2F 96 નં રૂમ ENT વોર્ડ મા પણ એક સરખી વય ની 10 જેટલી યુવતીઓ દર્દી ના બેડ ઉપર સુતેલી હોવાનું જણાયું હતું, તેમને પૂછતાં તેમણે પણ તેઓ જીતનગર નર્સિંગ કોલેજ ની વિદ્યાર્થીનીઓ હોવાનું જણાવ્યું હતું. એજ રીતે 2F 85 નમ્બર ના પુરુષ સર્જીકલ વોર્ડ મા 3 જેટલા યુવાનો દર્દી ના બેડ ઉપર સુતેલા જણાયા હતા, એ પૈકી એક ને બોટલ ચડી રહ્યું હતું તેમને પૂછતાં તેમણે પણ પોતે જીતનગર નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ હોવાનું કબુલ્યું હતું. એજ રીતે ઓર્થોપેડિક વોર્ડ મા પણ 5 જેટલી એક સરખી વય ની યુવતીઓ બેડ ઉપર સુતેલી હોવાનું જણાયું હતું એમણે પણ પોતે જીતનગર નર્સિંગ સ્કૂલ ની વિદ્યાર્થીની ઓ હોવાનું જણાવ્યું હતું.

2003 મા આવેલી ફિલ્મ મુન્નાભાઈ MBBS મા પણ આજ રીતે ફિલ્મ નો હીરો પોતાના પિતાના ડોકટર બનવાના સ્વપ્ન ને પૂરું કરવા આખી નકલી હોસ્પિટલ ની ઇમારત નકલી ડોકટર અને નકલી દર્દીઓ થી ભરેલો નકલી જનરલ હોસ્પિટલ નો વોર્ડ બનાવે છે. અહીંયા પણ કઈંક આવુજ દ્રશ્ય ખડું કરવામાં આવ્યું હતું, ફરક એટલો છે કે અહીંયા હોસ્પિટલ અને ડોક્ટરો સાચાં છે પણ દર્દીઓ નકલી છે.

હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આવું કેમ કરવું પડ્યું? અને આના પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે? તો આ સવાલો ના જવાબ મેળવવા માટે જનરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જ્યોતિ ગુપ્તા નો રૂબરૂ વારંવાર સંપર્ક કરાયો હોવા છતાં તેમના તરફ થી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. અને જીતનગર સરકારી નર્સિંગ સ્કૂલ ના મહિલા પ્રિન્સિપાલ નો ફોન દ્વારા સંપર્ક કરાતા તેમને પણ ફોન ઉઠાવ્યો નથી. ત્યારે આ મામલે કોઈ તપાસ થશે? અને આ તરકટ મામલે કોણ જવાબદાર? જો “મુન્ના ભાઈ MBBS સ્ટાઈલ થી નર્મદા જિલ્લા ની જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ચલાવવા મા આવશે? તો દર્દીઓ નું શું થશે?


Share to

You may have missed