November 20, 2024

પાવીજેતપુર તાલુકાના અનિયાદરી અને હિરપરી ગ્રામ પંચાયત ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ અંગે કાર્યક્રમ યોજાયો.

Share to

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ ગુરુવારે સવારે પાવી જેતપુર તાલુકાના અનિયાદરી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન ગોવિંદભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં અગ્રણી ગોવિંદભાઈ જી રાઠવા, ચુડેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. કુલદીપભાઈ વાળા તેમજ પ્રાથમિક શાળા અને આંગણવાડીના સ્ટાફ અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસગાથા દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધિત કરતા અગ્રણી ગોવિંદભાઈ જી રાઠવા એ જણાવ્યું હતું કે, આ બે દાયકાના સમયગાળામાં આખા ગુજરાતની કાયાપલટ કરી દીધી છે. લોકોને વિકાસ એટલે શું એ જ ખબર ન હતી જ્યારે આજે સરકારના પ્રયાસોથી અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં પણ વિકાસના મીઠા ફળો પહોંચી ચૂક્યા છે. બધા જ ક્ષેત્રોમાં ગુજરાત સરકારે ખુબ વિકાસ કર્યો છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ના ચાર અને મફત એસટી બસ પાસ ના બે લાભાર્થીઓને કીટ અને પાસ વિતરણ કરવામાં આવ્યા હતા.


વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ ગુરુવારે સાંજે પાવીજેતપુર તાલુકાના હિરપરિ જૂથ ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યો હતો. રથનું હાજર સૌ મહેમાનો અને ગ્રામજનોએ ભારે ઉત્સાહ સાથે સામૈયું કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત સરકારની ૨૦ વર્ષની ગાથાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન ગોવિંદભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય અને પોષણના મહત્વ અને તેના સંબંધી સરકારશ્રીની અનેક યોજનાઓ અંગે ચુડેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર કુલદીપ વાળાએ ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.
કાર્યક્રમને સંબોધિત કરતા અગ્રણી ગોવિંદભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે, સરકારે ગુજરાતની પ્રજા દરેક ક્ષેત્રમાં વિકાસના ફળો પ્રાપ્ત કરી રહી છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આપણા આદિવાસી સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. આજે ૧૫૦૦૦ કરોડના ખર્ચથી શરૂ થયેલી આ વનબંધુ કલ્યાણ યોજના એક લાખ કરોડના બજેટ ને આંબી ચૂકી છે. ગુજરાતની અંતરિયાળ વિસ્તારની પ્રજા માટે આપણી સરકાર સતત ચિંતિત અને કાર્યશીલ રહે છે.
કાર્યક્રમને સંબોધતા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યોગેશભાઈ ડી રાઠવાએ સરકારની વિવિધ યોજનાઓનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં એમજીવીસીએલ પાવી જેતપુરના નાયબ ઇજનેર કિરણભાઈ જગતાપ, ડેપ્યુટી સરપંચ શ્રીમનોજભાઈ પી. રાઠવા સહિત ગ્રામ પંચાયતના સૌ સદસ્યો, પ્રાથમિક શાળાના શિક્ષકો અને આંગણવાડીના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર / ઈમરાન મન્સૂરી,બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed