DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગ નજીક ત્રણ વાહનો વચ્ચે અકસ્માત-બસ ની ઓવરટેક કરતી મોટરસાયકલ અન્ય મોટરસાયકલ સાથે અથડાઇ

Share to



મોટરસાયકલ પરથી નીચે પડેલ  યુવતીના  માથા પર બસનું વ્હિલ ચઢી જતા યુવતીનું મોત-બન્ને મોટરસાયકલ ચાલકોને ઇજા

તા.૧૫-૦૩-૨૦૨૫ નેત્રંગ

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે બે મોટરસાયકલો અથડાતા નીચે પડેલ યુવતીના માથા પર બાજુમાં ચાલતી બસનું વ્હિલ ચઢી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવતીનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું,જ્યારે બન્ને મોટરસાયકલ ચાલકો પણ ઘવાયા હતા. નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ ત‍ાલુકાના વરખડી ગામે રહેતા રોહિતભાઇ છત્રસીંગ વસાવાની સગાઇ અંકલેશ્વર તાલુકાના અવાદર નજીકના  પારડી મોખા ગામે રહેતી નિશાબેન વસાવા નામની યુવતી સાથે થયેલ હતી. તા.૧૩ મીના રોજ હોળીનો તહેવાર હોઇ રોહિત તેની મંગેતર નિશાબેનને વરખડી લાવવા માટે સાસરીના ગામ પારડી ગયો હતો,અને ત્યારબાદ તે નિશાબેનને મોટરસાયકલ પર બેસાડીને વરખડી આવવા નીકળ્યો હતો. આ લોકો નેત્રંગથી આગળ ડેડીયાપાડા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન રોહિતે આગળ જતી એક  બસને ઓવરટેક કરતા સામેથી આવી રહેલ અન્ય મોટરસાયકલ સાથે તેની મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો,આ અકસ્માતમાં બન્ને મોટરસાયકલ સવારો મોટરસાયકલ સહિત  નીચે પડી ગયેલ,આ દરમિયાન નીચે પડી ગયેલ નિશાબેન બાજુમાં ચાલતી સરકારી બસના પાછળના વ્હિલ નીચે આવી જતા તેના માથા પર વ્હિલ ચઢી જતા તેનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ બસ ચાલક તેનું વાહન ઘટના સ્થળેથી લઇને નાશી ગયો હતો. બન્ને મોટરસાયકલ ચાલકો પણ ઇજાગ્રસ્ત થયા હતા,તેમને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઇ જવાયા હતા,ત્યારબાદ રોહિતભાઇને વધુ સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો,જ્યારે અન્ય મોટરસાયકલ ચાલક દિલિપભાઇ વસાવાને વધુ સારવાર માટે ભરૂચ ખાતે ખાનગી દવાખાને લઇ જવાયો હતો. ઘટના સંદર્ભે મરણ પામનાર યુવતીના પિતા અશોકભાઇ શંકરભાઇ વસાવા રહે.પારડી મોખા ગામ  તા.અંકલેશ્વર જિ.ભરૂચનાએ તેમના જમાઇ રોહિતભાઇ છત્રસીંગ વસાવા રહે.ગામ વરખડી તા.નેત્રંગ તેમજ સરકારી બસના ચાલક(જેનું નામ સરનામું જણાયેલ નથી) વિરુધ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed