December 26, 2024

ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

Share to

ઝગડીયા

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

ઝઘડિયા તાલુકામાં ગુરુ મહિમા દર્શાવતા ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી

આજરોજ ગુરુપૂર્ણિમા હોઇ ઠેરઠેર ગુરુનો મહિમા દર્શાવતું આ પર્વ પરંપરાગત ભક્તિભાવના માહોલ વચ્ચે ઉજવાયું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના પર્વની શ્રદ્ધાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ વંદનાના પર્વ ગુરુપૂર્ણિમાની ઉજવણી ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ખાતે આ જગ્યાના ગાદીપતિ મનમોહનદાસજીના સાનિધ્યમાં ભક્તજનો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટીસંખ્યામાં ગુરુ ભક્તો ઉમટી પડ્યા હતા. ગુરુપૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ભક્તિ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભકતજનો દ્વારા આરતી તેમજ ભજનકિર્તનની રમઝટ બોલાવીને ગુરુનો મહિમા દર્શાવતું ગુરુપૂર્ણિમાનું પર્વ મનાવાયું. આ પ્રસંગે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેનો ઉપસ્થિત ગુરુ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.ગુરુ પૂર્ણિમાનું પર્વ એટલે ગુરુને આદર અને સમ્માન સમર્પિત કરવાનું પર્વ. આ દિવસનું હિન્દુ ધર્મમાં મોટું મહત્વ રહેલું છે. વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ હોવાથી આજના દિવસને ગુરુપૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુના આદર સમ્માન માટેનો સમર્પિત દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનું પર્વ. હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે શ્રધ્ધાળુઓ દ્વારા યજ્ઞ પણ કરાતા હોય છે. ગુરુ પૂર્ણિમા એક ધાર્મિક તહેવાર છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ શિષ્યો માટે આધ્યાત્મિક તેમજ શૈક્ષણિક ગુરુઓને આદર આપવાનું પર્વ મનાય છે. માનવજીવનમાં ગુરુનું મહત્વ ખુબ મોટું મનાય છે. ગુરુ પોતાના શિષ્યોને સાચી દિશા બતાડે છે,જે શિષ્યોને નિતી નિયમથી જીવન વ્યતીત કરવામાં સહાયરૂપ બને છે. ગુરુ પૂર્ણિમાનું પર્વ હિન્દુ ધર્મ ઉપરાંત જૈન અને બૌદ્ધો દ્વારા પણ મનાવાય છે. ભારત સહિત નેપાળ અને ભૂતાનમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ શિષ્ય વચ્ચેના આધ્યાત્મિક અને આત્મીય સંબંધોનું પર્વ,તેથીજ ગુરુ પૂર્ણિમાનું પર્વ શિષ્યો માટે ગુરુને આદર આપવાનું પર્વ ગણાય છે. આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ ઝઘડિયા તાલુકામાં ઠેરઠેર પરંપરાગત ભક્તિભાવથી મનાવાયું હતું.


Share to

You may have missed