ગતરોજ મળેલ મૃતદેહ પોલીસ તપાસ દરમિયાન નવસારી જિલ્લાના દાંતી ગામના ૫૫ વર્ષીય પુરૂષનો હોવાનું બહાર આવ્યું…

Share to

ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામની સીમમાંથી ગતરોજ એક આધેડ પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો…

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામની સીમમાં એક ફાર્મ હાઉસની બાજુમાં આવેલ ખેતરમાંથી એક અજાણ્યા આધેડ પુરૂષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ખેતર માલિક બાલુભાઇ ખુશાલભાઇ પટેલ રહે.ફુલવાડી તા.ઝઘડિયાનાએ આ અંગે ઝઘડિયા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો. ઝઘડિયા પીઆઇ વાળાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે પોલીસ તપાસ દરમિયાન આ મૃતદેહ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંતી ગામના ૫૫ વર્ષીય અનિલભાઇ રામાભાઈ પટેલનો હોવાની જાણ થઇ હતી.

પોલીસ દ્વારા મૃતકના સંબંધીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ બાબતે વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક અનિલભાઇ ગત તા.૧૫ મીના રોજ મરોલી ખાતેથી ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા તેમને શોધવા છતાં કોઇ ભાળ મળી નહતી. વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળ્યો હોઇ ચાર પાંચ દિવસ અગાઉ તેમનુ મોત થયું હોવાનું મનાય છે. તેઓ કયા સંજોગોમાં ગુમ થયા,તેમનું મોત કયા કારણસર થયું તેમજ છેક નવસારી જિલ્લાના આ ઇસમનો મૃતદેહ ભરૂચના ઝઘડિયા તાલુકામાં કેવી રીતે મળ્યો તે બાબતે હાલ તો રહસ્ય સર્જાયું છે,અને પોલીસ તપાસ બાદ ઘટના અંગેની વિગતો બહાર આવશે એમ માનવામાં આવી રહ્યું છે….


Share to