સ્વસ્થ ભારતના નિર્માણ માટે ઇશ્વરે આપેલી તંદુરસ્તીની અણમોલ ભેટની પ્રત્યેક નાગરિકે પૂરતી કાળજી સાથે પોતાના સ્વાસ્થ્યની સુરક્ષાનો નાગરિક ધર્મ નિભાવવો જોઇએ – શ્રી મિલિંદ સોમન
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ શ્રી મિલિંદ સોમને કરી ભાવવંદના
રાજપીપલા,રવિવાર :- ભારતીય ફિલ્મ જગતના-બોલિવુડના જાણીતા અદાકારશ્રી મિલિંદ સોમનની મુંબઇથી સ્વાતંત્ર્યદિને તા.૧૫ મી ઓગષ્ટ,૨૦૨૧ ના રોજ મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોક ખાતેથી પ્રારંભાયેલી રાષ્ટ્રીય એકતા દોડ “રન ફોર યુનિટી” નું આજે સાંજે ૪:૦૦ કલાકે કેવડીયા કોલોની નજીક ગોરા ગામ પુલ ખાતે આગમન થતાં SOUADATGA ના નાયબ કલેક્ટરશ્રી નિલેશ દુબે, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુરજીત મહેડુ અને CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી જીતેન્દ્રસિંહ રાઠોરે શ્રી સોમનને પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે તેમણે ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. માથે કળશ સાથે દિકરીઓએ શ્રી સોમનનુ સ્વાગત કર્યુ હતું અને ભાઇ બહેનના રક્ષા બંધનના આજના પવિત્ર પર્વે શ્રી સોમનને રાખડીનુ રક્ષા કવચ બાધ્યું હતુ.
ત્યારબાદ ગોરા ખાતેથી શ્રી મિલિંદ સોમનની આ એકતા દોડયાત્રા સીધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી હતી. જયાં સ્ટેચ્યુના પરિસરમાં દેશભક્તિના ગીતોની ધૂન વચ્ચે મુલાકાતી પ્રવાસીઓએ પણ ઉમળકાભર્યા આવકાર સાથે શ્રી સોમનનું ભાવપૂર્વક અભિવાદન કર્યુ હતું. અને આ એક્તા દોડનું અહીં સમાપન થયું હતું.
ત્યારબાદ શ્રી મિલિંદ સોમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત દરમિયાન ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુંઇંગ ગેલેરી પ્રતિમાના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમનો નજારો માણ્યો હતો. તદ્ઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌદર્ય નિહાળવાની સાથે “ મા નર્મદા “ ના પવિત્ર દર્શનથી અલૌકિક ઉંચાઇએ પ્હોંચવાની અનુભૂતિ કરી હતી. આ પ્રસંગે SOUADATGA ના નાયબ કલેક્ટરશ્રી નિલેશ દુબે, જનસંપર્ક અધિકારીશ્રી રાહુલ પટેલ, ટુરીઝમ અધિકારીશ્રી મોહિત દિવાન વગેરે શ્રી સોમનની આ મુલાકાતમાં જોડાયાં હતાં. જ્યારે ગાઇડ શ્રી હિતેશ કુંવરે મરાઠી ભાષામાં શ્રી સોમનને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને આવરી લેતી ટેકનીકલ બાબતો સહિતની તમામ પ્રકારની સઘળી જાણકારી પુરી પાડીને તેમણે વાકેફ કર્યા હતાં. આ પ્રસંગે નાયબ કલેક્ટરશ્રી નિલેશ દુબે એ SOUADATGA તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે શ્રી સોમનને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી.
ત્યારબાદ કેવડીયા ટેન્ટસીટી નં-૨ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં માધ્યમો સાથેના સંવાદમાં શ્રી મિલિંદ સોમને જણાવ્યું હતું કે. તેઓ દર વર્ષે દેશના સ્વાતંત્ર્ય પર્વે આ પ્રકારની દોડ યોજે છે. પરંતુ ચાલુ વર્ષે દેશની આઝાદીના અમૃત મહોત્સવ (૭૫ મી સાલગીરાહ) ને અનુલક્ષીને આવા એક્તા દોડના કાર્યક્રમને વિશેષ રીતે ઉજવવાના વિચાર-મંથન થકી મુંબઇથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રાષ્ટ્રીય એક્તા દોડ યોજવાનો વિચાર અમલમાં મુકીને આજે તેને સાકાર કર્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોઇપણ ક્ષેત્રની કામગીરીમાં એક્તાની જબરદસ્ત તાકાત રહેલી હોય છે, ત્યારે કોરોના જેવી મહામારીમાંથી પણ સમગ્ર દેશવાસીઓના સહિયારા પ્રયાસોથી આપણે સૌ ચોક્કસપણે તેમાંથી બહાર આવી શકીશું તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શ્રી મિલિંદ સોમને વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના “ફીટ ઇન્ડિયા” ના સંકલ્પને સાકાર કરવા પ્રત્યેક દેશવાસીઓને સૌ પ્રથમ પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવાની સાથે તેમના સ્વાસ્થ્યની જાળવણી માટે દિવસભરમાં થોડો સમય ફાળવે તે ખૂબજ જરૂરી છે. સ્વસ્થ ભારતના નિમાર્ણ માટે ઇશ્વરે આપેલી તંદુરસ્તીની અણમોલ ભેટની પ્રત્યેક નાગરિકે પૂરતી કાળજી સાથે પોતાના સ્વાસ્થ્યની સુરક્ષાનો નાગરિક ધર્મ નિભાવવો જોઇએ.
શ્રી મિલિંદ સોમને વધુમાં જણાવ્યુ હતું કે, આજે સૌ પ્રથમવાર મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને ખૂબજ અભિભૂત થયેલ છું અહીં આવીને ખરેખર એક જુદા પ્રકારની અકલ્પનિય અનુભૂતિ થઇ છે, જેના પ્રતિભાવ માટે કોઇ શબ્દો નથી. પ્રધાનમંત્રીશ્રીની પરિકલ્પના અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભાવવંદના કરતાં તેમણે ઉમેર્યુ હતું કે, પ્રત્યેક વ્યક્તિએ આ ઐતિહાસિક પ્રતિમાની મુલાકાત લેવી જોઇએ અને સરદાર સાહેબના જીવનના મુલ્યો – આદર્શો જીવનમાં ઉતારીને આપણા જીવનને સાચા અર્થમાં સાર્થક કરવું જોઇએ.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો