જૂનાગઢ ગીર આવતા પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું: સાસણ નજીક ભાલછેલ હિલ ખાતે રૂ.૮.૫ કરોડના ખર્ચે વિકસિત કરાયેલ સનસેટ પોઈન્ટ ખુલ્લો મુકાયોરાજ્યના પ્રવાસન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પ્રવાસનને વેગ આપતા અંદાજે રૂ. ૨૨ કરોડના કામો લોકાર્પિત કર્યા

Share to

જૂનાગઢ સાસણ દેવળીયા સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે વધુ રૂ.૬.૫ કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ સુવિધાઓનું લોકાર્પણ સાસણ આસપાસ ભવિષ્યમાં ટેન્ટ સીટી વિકસાવવા સહિતની યોજનાઓ આયોજન હેઠળ છે : પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા ભારતમાં વિદેશથી આવતા પ્રવાસીઓમાં ગુજરાત પ્રથમ નંબરે છેભાલછેલ હીલ ખાતે યોજાયો લોકાર્પણ સમારોહ

જૂનાગઢ એશિયાટિક લાયન અને ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા આવતા પ્રવાસીઓને ગુજરાત સરકારે વધુ એક નવું નજરાણું આપ્યું છે. સાસણ નજીક ભાલછેલ હિલ ખાતે ૮.૫ કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ સનસેટ પોઇન્ટ ઉપરાંત દેવળીયા સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે વધુ રૂ.૬.૫ કરોડના વિકસિત કરવામાં આવેલ સુવિધા તથા સાસણ સિંહ સદન સહિતની જગ્યાએ અંદાજે રૂ.૭ કરોડના ખર્ચે આકર્ષક સ્કલપ્ચરને રાજ્યના પ્રવાસન કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ લોકાર્પિત કરી હતી.

પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ લોકાર્પિત કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સિંહના ઘર એવા ગીરમાં લાખો પ્રવાસીઓ આવે છે, રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ ગીરમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. ભવિષ્યમાં ટેન્ટ સીટી વિકસાવવા સહિતની યોજનાઓ આયોજન હેઠળ છે. ઉપરાંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગીરના સિંહોનો વસવાટ છે તેવા સ્થળો માટે પ્રોજેક્ટ લાયન હેઠળ જુદા જુદા પ્રવાસનલક્ષી અને સિંહોના સંરક્ષણ- સંવર્ધન માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.

ગીરનું જંગલ તેના વૈવિધ્યસભર પ્રાકૃતિક સૌંદર્ય, પશુ પક્ષીઓ નદી નાળા અને મંદિરોથી જાણીતું છે. આ સાથે પ્રકૃતિના ખોળે નિર્ભિક રીતે વિહરતા સિહોને જોવા તે પણ એક સાહસિક આનંદ છે. આમ, સ્થાનિકોને રોજગારી મળી રહેશે.

તેમણે જણાવ્યું કે, ભારતમાં વિદેશથી આવતા પ્રવાસીઓમાં ગુજરાત પ્રથમ નંબરે છે, અને દેશમાંથી ગુજરાતમાં પ્રવાસીઓ ની સંખ્યામાં ૧૪માંથી ૫ ક્રમે પહોંચ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ખૂબ ભાર આપી રહી છે. પ્રવાસન વિભાગનું એક સમયે ૧૨ કરોડનું બજેટ હતું જે આજે વધીને ૨૨૦૦ કરોડનું થયું છે.

રાજ્ય સરકાર પ્રાકૃતિક, ધાર્મિક વિકાસની સાથે કલા સંસ્કૃતિને સાંકળીને પર્યટન ને વેગ આપી રહી છે. ઉપરાંત ગુજરાતના વિશાળ દરિયા કિનારાને ધ્યાને રાખી પ્રવાસનના વિકાસ માટે આયોજનો હાથ ઉપર લીધા છે. રાજ્ય સરકારના પ્રયાસોથી કચ્છનું નાનું એવું ગામ ધોરડો વિશ્વના નકશામાં ઉચેરૂ સ્થાન પામ્યું છે.

પ્રવાસન મંત્રીશ્રીએ મુંબઈ, ગોવા જેવા શહેરોમાં યોજાતો ફિલ્મફેર ગુજરાતમાં યોજવા જઈ રહ્યો છે, ત્યારે બોલીવુડના નામાંકિત કલાકારો ગુજરાત આવશે અને પ્રવાસન સ્થળોની મુલાકાત સાથે શૂટિંગ પણ કરશે. જેથી પ્રવાસનને નવો વેગ પડશે.

આ પ્રસંગે તાલાળા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, સાસણમાં સિંહ દર્શન અને ગીરનુંસૌંદર્ય નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં દેશ વિદેશ પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા આજે અંદાજે રૂ.૨૨ કરોડના વિકાસના કામો લોકાર્પણ થતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનના સ્થળોનો વિકાસ થાય એ માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. આ સાથે તેમણે સ્થાનિકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો.

જિલ્લાના કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસીયાએ જણાવ્યું કે, સાસણ અને ગીરની નોંધ વિશ્વ ક્ષેત્રે લેવાઈ રહી છે. ગિરના લોકો સિંહ સાથે સદીઓથી સામંજસ્ય જાળવે છે, તેનો શ્રેય અહીંના સ્થાનિક લોકોને જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાલછેલ હિલ સનસેટ પોઇન્ટથી સાસણ આવતા પ્રવાસીઓને સનસેટ નિહાળવા માટે અને આનંદ માણવા માટે નવું નજરાણું મળશે.

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ભાલછેલ હિલને સનસેટ પોઇન્ટ તરીકે વિકસાવવા માટે ખાતે અંદાજે રૂ.૮.૫ કરોડના ખર્ચે એમ્ફીથીએટર, ફૂડ કોર્ટ, ટોયલેટ બ્લોક, હેંગ આઉટ એરીયા, ટિકિટ બિલ્ડીંગ, લાઇટિંગ વર્ક, પાર્કિંગ એરિયા સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

દેવડીયા સફારી પાર્ક ખાતે અંદાજે ૬.૫ કરોડના ખર્ચે બસ અને કાર માટેનું પાર્કિંગ, એન્ટ્રીગેટની રીડિઝાઇન, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ટીકીટ બુકિંગ ઓફિસ, કેન્ટીન ફૂડ કોર્ટ, સોવેનીયર શોપ,વોચ ટાવર, ટોયલેટ બ્લોક ,સીટીંગ એરેન્જમેન્ટ સહિત કામ આવરી લેવામાં આવ્યા છે.

ઉપરાંત અંદાજે રૂ.૭ કરોડના ખર્ચે આર્ટવર્ક તથા સ્કલ્પ્ચરની કામગીરી કરવામાં આવી છે. જેમાં ચેક પોસ્ટ ગેટ, ગેટ પર વિવિધ પ્રાણીઓના સ્કલ્પચર, ઇન્ટરપ્રિટેશન ઝોન, સિંહ સદન, નેચર પાર્ક, દેવળિયા, અર્બોરેટમ, સનસેટ પોઈન્ટ ખાતે વિવિધ સ્કલ્પચર તેમજ આર્ટ વર્ક, બેન્ચીસ, ડસ્ટબિન ઇન્ફોર્મેશન બોર્ડ, મુરલ આર્ટ વર્ક, સન થીમ એન્ટ્રી ગેટ, ફોગ પોલ, ફૂટ પ્રિન્ટ બ્લોક, કેમ્પસ મેપ, સન ડાયલ ગેટ, ૧૨ ફૂટ સાઈઝના બ્રાસના વિશાળ સિંહનુ સ્કલપચર સહિતના કામ કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્ર પિઠીયા, મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દીપકભાઈ મકવાણા, પ્રવાસન નિગમના જનરલ મેનેજર શ્રી હિરેન પંડિત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, નાયબ વન સરક્ષક શ્રી પ્રશાંત તોમર,મેંદરડા પ્રાંત અધિકારી શ્રી નિશાબા ચુડાસમા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શ્રી મીરા સોમપુરા, અગ્રણી સર્વ શ્રી ચિરાગભાઈ રાજાણી, શ્રી હિરેનભાઈ સોલંકી ઉપરાંત હોટલ એસોસિએશનના હોદ્દેદારો અને સ્થાનિક ગ્રામજનો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન જિલ્લા પ્રવાસન અને જન સેવા અધિકારી શ્રી આઈ.જી.ઝાલાએ અને આભાર વિધિ પ્રવાસન નિગમના ડેપ્યુટી એન્જિનિયર કુલદીપ પાઘડારે કરી હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to