November 22, 2024

મજબૂત રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરારરાખવાની કટિબધ્ધતા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વધુ સાર્થક બની રહે તે માટેસૌને દિશામા સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહનું આહવાનસ્વતંત્રતા ચળવળની ઐતિહાસિક ઘટનાઓના સંસ્મરણોને વાગોળી “ મા ભોમ“ ની રક્ષા કાજે શહીદી વ્હોરનારા સ્વતંત્ર-અખંડ ભારતના નિર્માતા શહીદ સપૂતોને શ્રધ્ધા-સુમન સાથે હ્રદયપૂર્વકની અંજલી અર્પતા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ

Share to



રાજપીપલા મુખ્ય મથક ખાતે ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીને યોજાયલા ધ્વજારોહણ સમારોહમાં જિલ્લા કલેક્ટરશ્રી શાહે ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો

જિલ્લા કલેક્ટરશ્રી શાહના હસ્તે કોરોના વોરીયર્સ તબીબો-પેરામેડીકલ સ્ટાફ સહિત આરોગ્ય યોધ્ધાઓનું પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડી કરાયું સન્માન: કોરોનાની ગંભીર બિમારીને મ્હાત આપીને સાજા થયેલા દરદીઓનું પણ અભિવાદન

નાંદોદ તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક અર્પણ

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા રૂા. ૬ કરોડના ખર્ચે ૧૯૦ સ્કૂલમાં સ્માર્ટ ક્લાસનો પ્રોજેક્ટ મંજૂર : પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને હવે અદ્યતન ટેકનોલોજીના સહારે ઇ-લર્નિગના માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે

રાજપીપલા,રવિવાર :- રાષ્ટ્રના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. ત્યારબાદ શ્રી શાહે જિલ્લા પોલીસ અધિકારીશ્રી હિમકરસિંહની સાથે પોલીસની ખૂલ્લી જીપમાં દેશભક્તિના ગીતો અને પોલીસ બેન્ડની મધુર સૂરાવલીની ધૂન વચ્ચે પોલીસ, હોમગાર્ડ, એસ.આર.ડી અને જી.આર.ડી સહિત વિવિધ પ્લાટુનોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને ઉપપ્રમુખશ્રી કિરણભાઇ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, રાજવી પરિવારના યુવરાજશ્રી માનવેન્દ્રસિંહજી ગોહિલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઓલ.એમ.ડિંડોર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સહિત જિલ્લાના અગ્રણી મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ, જિલ્લાવાસીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી શાહે આજના સ્વાતંત્ર્ય પર્વના વધામણાં સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથોસાથ ઉપસ્થિત મહાનુભાવોનું તેમણે અભિવાદન પણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે “ મા ” ભારતીના ઇતિહાસના ગૌરવપૂર્ણ દિવસની આજની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત માનવ મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, દેશની આઝાદી અપાવવામાં રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીબાપુ, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક નામી-અનામી રાષ્ટ્રપુરૂષો સહિત “ માં ભોમ ” કાજે શહીદી વહોરનારા આઝાદીના લડવૈયાઓ અને “ માં ભોમ ” ની આન-બાન અને શાનને બરકરાર રાખવા અને “ મા ” ભારતીની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ. આ તમામ રાષ્ટ્રપુરૂષો તેમજ દેશના સ્વતંત્ર-અખંડ ભારતના નિર્માતા રાષ્ટ્રના શહીદ સપૂતોને શ્રધ્ધા સૂમન અર્પણ કરી હ્રદયપૂર્વક અંજલી અર્પી હતી.

“ આઝાદ – હિંદ “ નું શમણું સાકાર કરવામાં નવનિર્મિત નર્મદા જિલ્લાનું પણ મહત્વનું- અમૂલ્ય યોગદાન રહેલું છે તેમ જણાવી જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે ૧૮૫૭ થી સ્વતંત્રતાની લડતના પ્રારંભથી દેશ આઝાદ થયો ત્યાં સુધીની દેશની સ્વતંત્રતા ચળવળ અને દેશના બંધારણના ઘડતરની ઐતિહાસિક ઘટનાઓના ઉલ્લેખ સાથે આઝાદીની લડતના સંસ્મરણો વાગોળ્યાં હતાં. અનેક ક્રાતિકારીઓએ આ દેશ માટે પોતાની આહુતિ આપી હોવાને લીધે આજે આપણે મુક્ત હવામાં શ્વાસ લઇ રહ્યાં છીએ, તેમ પણ શ્રી શાહે વધુમાં ઉમેર્યું હતું.

શ્રી શાહે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબે ૫૬૨ જેટલા દેશી રજવાડાઓનું પોતાની આગવી સૂઝબૂઝ અને કુનેહપૂર્વક ભારતમાં વિલીનીકરણ કરાવીને અખંડ ભારતના નિર્માણની સાથે રાષ્ટ્રીય એકતાની બેનમૂન મિશાલ સમગ્ર વિશ્વમાં કાયમ કરી છે. જુદા જુદા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ બોલીઓ, ભાષાઓ, રહેણીકરણી, રિતરિવાજો અને આનંદ-ઉમંગ-ઉલ્લાસ સાથે કરાતી વિવિધ તહેવારોની ઉજવણી થકી પણ ભારતે સમગ્ર વિશ્વમાં “ વિવિધતામાં એકતા અને એકતામાં અનેકતા ” ની મિશાલ પ્રસ્થાપિત કરી છે.

ભારતની સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “ આઝાદીકા અમૃત મહોત્સવ “ ની થીમ સાથે આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે તેમ જણાવી જિલ્લા કલેક્ટરશ્રી શાહે ઉમેર્યુ હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળ પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સુશાસનના ૪ આધારસ્તંભના ધ્યેય સાથે ચાલી રહેલી રાજ્ય સરકાર ગુજરાતના વિકાસની ગતિને વધુને વધુ બળવત્તર બનાવવા માટે સક્રીયપણે સતત આગળ ધપી રહી છે, ત્યારે પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવવાના સહિયારા પ્રયાસો સાથે સહુ દેશવાસીઓને મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવાની કટિબધ્ધતા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વધુ સાર્થક બની રહે તે માટે સંકલ્પબધ્ધ થવાનું આ તકે શ્રી શાહે આહવાન કર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે ગત તા.૧ લી થી તા.૯ મી ઓગષ્ટ દરમિયાન રાજ્યવ્યાપી આદરેલા જનકલ્યાણ સેવાયજ્ઞના અભિયાન દરમિયાન નર્મદા જિલ્લામાં પણ વિવિધ ક્ષેત્રના કરોડો રૂપિયાના ખર્ચે સંખ્યાબંધ વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત સાથે આ જિલ્લાને અનેકવિધ વિકાસ કામોની ભેટ ધરાઇ છે. ખુદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ જનસેવાયજ્ઞ અનુષ્ઠાનના નવમા દિવસે રાજપીપલામાં આપણી વચ્ચે રહીને અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને સમર્પિત કર્યો હતો, જે આપણા માટે ગૌરવની બાબત છે.

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા રૂા. ૬ કરોડના ખર્ચે ૧૯૦ સ્કૂલમાં સ્માર્ટ ક્લાસના મંજૂર થયેલા પ્રોજેક્ટનો સવિશેષ ઉલ્લેખ કરી જિલ્લા કલેક્ટરશ્રી શાહે ઉમેર્યું હતું કે, હવે જિલ્લાની ઉક્ત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજીના સહારે ઇ-લર્નિગના માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. જિલ્લામાં “ સ્ટેચ્યુ ઓફ યુનિટી “ વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળની રચના સહિત કરોના મહામારીની સંભવત: ત્રીજી લહેર સામેના આગોતરા અયોજન સહિતની જિલ્લા વહિવટી-આરોગ્યતંત્રની સુસજ્જતા ઉપરાંત જિલ્લાના નાગરિકોની જનસુખાકારી અને કર્મયોગીઓની સુખાકારી સહિત વિવિધ ક્ષેત્રોના સર્વાગીણ વિકાસ સંદર્ભે હાસંલ કરાયેલ વિશિષ્ટ સિધ્ધિઓ સહિતના જિલ્લા પ્રસાશનના મહત્વના પ્રોજેકટસ અંતર્ગત થયેલી નોંધણીય કામગીરીની આંકડાકીય રૂપરેખા સાથેનો સવિસ્તાર ચિતાર આપ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલે્ટરશ્રી ડી.એ.શાહના હસ્તે નાંદોદ તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક મામલતદારશ્રી વિરલ વસાવાને અર્પણ કરાયો હતો. તદઉપરાંત કોરોના વોરીયર્સ તબીબો-પેરામેડીકલ સ્ટાફ સહિત આરોગ્ય યોધ્ધાઓનું પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. તેમજ કોરોનાની ગંભીર બિમારીને મ્હાત આપીને સાજા થયેલા દરદીઓનું પણ શ્રી શાહે અભિવાદન કર્યુ હતું. આ પ્રસંગે પોલીસ જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) રજૂ થઇ હતી. અંતમાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ અને અન્ય મહાનુભાવોના હસ્તે ઉક્ત સંકુલમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે રાજપીપલા નગરપાલીકા દ્વારા રાજવી પરિવારના શ્રી રઘુવિરસિંહજી ગોહિલ અને શ્રીમતી રૂક્ષ્મણી દેવીજી ગોહિલ નગરપાલીકાના પ્રમુખશ્રી કુલદીપસિંહ ગોહિલ અને અન્ય સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, શ્રી રમણસિંહ રાઠોડ સહિત શહેરના અગ્રણીશ્રીઓ, નગરજનો વગેરેની ઉપસ્થિતિમાં પોઇચા તરફથી આવતા રાજપીપલા શહેરના પ્રવેશ દ્વાર પાસે વિજય ચોક સર્કલ (કાલાઘોડા સર્કલ) ખાતે શહેરની શોભામાં વધારો કરતાં ૨૫ મીટર ઉંચા પોલ ઉપર ૧૪’ x ૨૧’ સાઇઝના રાષ્ટ્ર ધ્વજના યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.


Share to