શિક્ષક તરીકેનો વ્યવસાય પોતે ગર્વ લઈ શકાય તેવો અને આવનારી પેઢી પણ ગર્વ લઈ શકે તેવો છે. – જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા

Share to

*તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-૨૦૨૩*
***
*શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અલ્પાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો*

*ભરૂચ જિલ્લા માટે નવી ઓળખ બની રહેશે પ્લેનેટોરિયમ પ્રોજેક્ટ- જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જોશી*
***
– તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરાયા
– નવનિર્મિત શાળાના મકાનનું ઈ- લોકાર્પણ કલેકટરશ્રીના હસ્તે કરવામાં આવ્યું
– ભરૂચ જિલ્લાને સ્માર્ટ ક્લાસરૂમ અને ફયુચર ક્લાસરૂમ આવનારા સમયમાં મળશે.
– ધોરણ ૯ અને ૧૦ ના વિધાર્થી માટે કઠિન લાગતા મુદ્દાઓની પ્રશ્નબેંકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરાયું.

*****


ભરૂચ- મંગળવાર- ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજ્યંતિ શિક્ષક દિન નિમિત્તે સર્વનમન વિદ્યામંદિર ઝાડેશ્વર ખાતે ભરૂચ તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-૨૦૨૩ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરી શુભ પ્રસંગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કિશન વસાવાએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્ર્મની રૂપરેખા રજૂ કરી તમામને આવકાર્યા હતાં. ત્યારબાદ મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા એ કહ્યું હતું કે, શિક્ષણ કાર્ય અને તેની ફરજને ખૂબ નજીકથી જોયા અને જાણ્યાનો અનુભવ છે. ત્યારે અનુભવ અને પ્રેક્ટીકલ જ્ઞાન થકી અધરામાં અધરો વિષય ખૂબ સહેલાઈથી બાળકોને શિક્ષક શિખવી શકે છે. શિક્ષક તરીકેનો વ્યવસાય પોતે ગર્વ લઈ શકાય તેવો અને આવનારી પેઢી પણ ગર્વ લઈ શકે તેવું છે. શિક્ષણ દિનપ્રતિદીન બદલાતું આવ્યું છે અને આવનારા સમયમાં હજુ બદલાશે. એટલે જ શિક્ષક તરીકેની વ્યવસાય નોબેલ વ્યવસાય છે. આથી જે પણ વ્યવસાય હોઈ, જે પણ કામ કરો એમાં પોતાનું શ્રેષ્ઠતમ આપવાનો પ્રયાસ કરવો જોઈએ.
વધુમાં, પોતાના બાળપણ અને શિક્ષક તરીકેના અનુભવો અને પ્રસંગો તેમણે વાગોળ્યા હતા. અને છેલ્લે કહ્યું હતું કે, શિક્ષકના પ્રેમભર્યો શબ્દ IAS બનાવી શકવાની તાકાત ધરાવે છે એ તાકાતનું ઉદાહણ તમારા સમક્ષ છે.
આ વેળાએ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જોશીએ પણ પ્રસંગને અનુરૂપ વાતો કરતા જણાવ્યું જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓને સ્માર્ટ શાળા બનાવવા માટે નવા પ્રકલ્પોની વાત તેમણે કરી આવનારા સમયમાં સ્માર્ટ ક્લાસરૂમ અને ફયુચર ક્લાસરૂમ ભરૂચમાં જોવા મળશે તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
ભરૂચ જિલ્લાના ગામડાંઓમાં સરકારી બિનઉપયોગી મકાનોને લાઈબ્રેરીમાં રૂપાંતરિત કરવાની તજવીજ પણ હાથ ધરી લોકોમાં વાંચનનો રસ ઉભો થાય તેવા પ્રયાસો આવનાર સમયમાં કરવામાં આવશે.
વધુમાં, વિજ્ઞાનમાં રસ ધરાવતા બાળકો માટે પ્લેનેટોરિયમનો પ્રોજેક્ટ પણ હાથ ઘરવામાં આવનાર છે. જે ભરૂચ જિલ્લા માટે નવી ઓળખ બની રહેશે.
આ પ્રસંગે, તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરવામાં આવ્યા હતા. જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ટી.એમ.શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યા મંદિર અંકલેશ્વરના શિક્ષક શ્રી મહેશભાઈ વસાવા અને પ્રાથમિક શાળા માતરના શિક્ષક શ્રી પટેલ સંજયકુમાર જામાભાઈ HTAT આચાર્યને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, તાલુકા કક્ષાના એવોર્ડમાં પ્રાથમિક શાળા દહેગામના સુ.શ્રી અસ્મિતાબેન ચૌહાણ, પ્રાથમિક શાળા વાગરા સુ.શ્રી નેહાબેન કડીયા, પ્રાથમિક શાળા રઝલવાડાના શ્રી રીતેશભાઈ પરમાર અને પ્રાથમિક શાળા સુરવાડીના સુ.શ્રી હેમલત્તાબેન પટેલનું સાલ ઓઢાડીને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પારિતોષિક આપવામા આવ્યા હતા.
આ કાર્યક્રમની સાથે – સાથે રાજ્ય સરકાર દ્વારા યોજાતી જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ કસોટીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અને ૧૦૦% પરિણામ ધરાવતી ધોરણ ૧૦ અને ધો ૧૨માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
તે ઉપરાંત, ભરૂચ જિલ્લાની અંકલેશ્વર તાલુકાની જૂના શક્કરપોર ખાતે અંદાજિત ૧ કરોડ ૮૨ લાખના ખર્ચે અને વાગરા તાલુકાની સુવા ગામ ખાતે અંદાજિત ૨.૩૩ લાખના ખર્ચે સરકારી માધ્યમિક શાળાના નવનિર્મિત મકાનનું ઈ- લોકાર્પણ કલેકટરશ્રીના તેમજ તમામ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ધોરણ ૯ અને ૧૦ ના વિધાર્થી માટે કઠિન લગતા મુદ્દાઓની પ્રશ્નબેંકનું વિમોચન મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે, નગર પાલિકા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, અને મોટી સંખ્યામાં શિક્ષકો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેનો, વિવિધ શિક્ષણ સમિતીઓના પ્રમુખશ્રીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ, CRC અને BRC, ડાયેટના પ્રતિનિધિઓ, બી.એડ કોલેજના તાલીમાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.


Share to