September 7, 2024

નર્મદા જિલ્લામાં ‘ફોર્ચ્યુન સુપોષણ’ કાર્યક્રમ હેઠળ સ્તનપાન સપ્તાહની ઉજવણી

Share to



*મહિલાઓને વિના મૂલ્યે અપાતી સેવાઓનો લાભ લેવા આગ્રહ*

નર્મદા: અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલ્મરના સંયુક્ત પ્રયાસોથી નર્મદા જિલ્લામાં ફોર્ચ્યુન સુપોષણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ દરમિયાન 20,000 જેટલા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તંદુરસ્ત મા અને નવજાત બાળક સ્વસ્થ સમાજ માટે પાયાની જરૂરિયાત છે. સ્તનપાન સપ્તાહ દરમિયાન લાભાર્થીઓને આંગણવાડીઓ માંથી મળતી સેવાઓ તેમજ મમતા દિવસમાં અપાતી સેવાઓનો લાભ લેવા પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

નર્મદા જિલ્લાના 420 ગામોમાં ફોર્ચ્યુન સુપોષણ કાર્યક્રમના અમલીકરણમાં 16 ટીમો અને 215 જેટલી સુપોષણ સંગીનીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. આ વર્ષની થીમ મુજબ સ્તનપાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સમુદાયોમાં લોક જાગૃતિ અને લોક ભાગીદારી થકી જ કુપોષણ જેવી સમસ્યાને જડમૂળથી નાથી શકાશે. મહિલા બાળ વિકાસ, આઈસીડીએસ – નર્મદા તથા અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુપોષણ જેવી સમસ્યાને લાઈફ સાઈકલ એપ્રોચથી કામ કરવા વિવિધ તબક્કે મુહિમ ચલાવાઈ રહી છે. કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવાથી તે ગર્ભાવસ્થા બાદ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. વળી ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક આહાર અને ત્યારબાદ ધાત્રી બહેનોએ શુ-શું કાળજી લેવી તે અંગે માહિતી આપવામાં આવે છે. નવજાત બાળકના તંદુરસ્ત વિકાસ માટે 0-2 વર્ષનો સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ છે. માતાને સ્વચ્છતા અને સ્વસ્થ આહાર જેવી યોગ્ય તજવીજના કારણે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે.

બાળકોને કુપોષણથી બચાવવા સુપોષણ સંગીનીઓ ઘરે-ઘરે જઈને મહિલાઓને પોષ્ટિક આહાર અને જરૂરી દવાઓ લેવાની યોગ્ય સમજ આપે છે. જેમાં સામુદાયિક કાર્યક્રમો, જાગૃતિ રેલી, પોષણયુક્ત વાનગી નિદર્શન, ભીંતસૂત્રો, જૂથ બેઠક દ્વારા ઉપરી આહારનું મહત્વ સમજાવવું, વિડીયોથી કોઉન્સેલીંગ આપવું, વર્કીંગ વુમન માટે ધાવણ સંગ્રહ કરવાની સમજ વગેરેનો સમાવેશ થાય છે.

નવજાત શીશુના પોષણ માટે પોષકતત્વોથી ભરપૂર માતાનું ધાવણ અમૃત સમાન છે. બાળકને વિવિધ ઇન્ફેક્શનથી બચાવવા પ્રસૂતિના પહેલા એક કલાકમાં જ માતાનું દૂધ મળી રહી તે જરૂરી હોય છે. વળી પ્રથમ છ મહિના સુધી પણ બાળકને માત્ર માતાનું દૂધ જ આપવું અત્યંત આવશ્ય છે.

સુપોષણ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં પોષણ વિશેની જાગૃતિ ફેલાવવા સમુદાયોમાં સરકારી સેવાઓ પહોંચાડતા સેતુ બનવાનો છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to