અમદાવાદમાં જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવીઅમદાવાદમાં જુનિયર ક્લાર્કના લીક પેપર ખરીદનાર મહિલા આરોપીઓ સહિત ૩૦ની ધરપકડ કરાઈ

Share to


(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૬
જુનિયર ક્લાર્ક પેપર કાંડમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં ૧૫ જેટલા આરોપીઓ ઝડપાયા હતા, જેમાં તેલંગાણાથી પેપર ચોરી કરવાથી લઈને તેને કઈ રીતે ગુજરાત બહારથી વિવિધ રાજ્યોમાં ફેરવીને પેપર રાજ્યમાં પહોંચાડાયું હતું તેનો ભેદ ખુલ્યો હતો. હવે આ કેસમાં વધુ ૩૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાતનું જુનિયર ક્લાર્કનું પેપર તેલંગાણામાંથી લીક કરવામાં આવ્યું હતું અને તે પછી તેને બિહાર, ઓડિશા સહિતના રાજ્યોમાં ફેરવીને ગુજરાતમાં પહોંચાડવામાં આવ્યું હતું. આ કેસમાં ઓડિશાના બે શખ્સો દ્વારા પેપર લીક કરવામાં આવ્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા વધુ ૩૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પકડાયેલા લોકો પર લીક થયેલું પેપર ખરીદવાનો આરોપ છે. આરોપીઓએ ૧૨થી ૧૩ લાખ રૂપિયામાં લીક થયેલું પેપર ખરીદ્યું હતું. પકડાયેલા આરોપીઓ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગરના રહેવાસી છે. પકડાયેલા આરોપીઓમાં મહિલા આરોપીઓનો પણ સમાવેશ થાય છે જેમના દ્વારા લાખો રૂપિયા આપીને પેપર ખરીદવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પેપર ખરીદનારા વડોદરાના ભાસ્કર ચૌધરી અને તેની ગેંગના સંપર્કમાં હતા. આ પેપર વડોદરાની સ્ટેક ઈન્સ્ટિટ્યુટ સેન્ટરમાં આ સોલ્વ કરવાનું હતું. જાેકે, આમ થાય તે પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડીને જીત નાયક, પ્રદીપ નાયક, ભાસ્કર ચૌધરી, ચેતન બારોટ સહિતના ૧૮ આરોપી માસ્ટર માઈન્ડની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પેપર લીક કાંડના તાર ગુજરાત બહાર સુધી જાેડાયેલા હોવાનું બહાર આવતા રાજ્ય બહારથી પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના દિવસે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી પરંતુ અણીના સમયે એટીએસ દ્વારા પેપર ફૂટ્યાનો ભાંડો ફોડીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે બાદ આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી. કઈ રીતે આરોપીઓનો પેપર કાંડના માસ્ટર માઈન્ડ સાથે સંપર્ક થયો હતો અને કઈ રીતે રૂપિયા લેવડદેવડ થઈ હતી તે મામલે મોટા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share to