November 22, 2024

ભરૂચમાં ૪ સ્થળોએ બંધ મકાનમાં ચોરો ત્રાટક્યા

Share to



(ડી.એન.એસ),ભરૂચ,તા.૩૧
ભરૂચ શહેરના કેસુરમામા ચકલા વિસ્તારમાં રહેતા દમયંતીબેન જાદવ પોતાનું મકાન બંધ કરી પુત્રીને ત્યાં ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૪૦ હજાર અને સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉપરાંત નવી વસાહતના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ નવી વસાહતમાં રહેતા હેમંત અરવિંદભાઈ ટેલરના મકાનને નિશાન બનાવી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા ૧૫ હજાર રોકડા અને સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી આકાશ દર્શન સોસાયટીના મકાન નંબર-ડી-૨૮માં રહેતા અનિલ ડાહ્યાભાઈ પટેલ પોતાનું મકાન બંધ કરી કલમ ગામ ખાતે પોતાના મામાના ઘરે ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનનો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા ૩ હજાર તેમજ ઉપરના માળેથી ઘરેણાં મળી અંદાજિત ૬૦ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ચોરી અંગે મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.ભરૂચ શહેરના કેસુરમામાના ચકલા, નવી વસાહત સહીત આકાશ દર્શન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળી અંદાજીત ૨ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.


Share to