November 22, 2024

રાજપીપલામાં શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે પ્રજાસત્તાકદિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણીજિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહના હસ્તે થનારૂં ધ્વજવંદન

Share to



પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે યોજાયેલી બેઠક

રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લામાં આગામી તા.૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપીપલા મુખ્યમથક ખાતે કરાશે. આ દિવસે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જીલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના હસ્તે ધ્વજવંદન થશે, જેમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડઝ દળ, એન.સી.સી, સ્કાઉટ-ગાઈડ્સ વગેરે પ્લાટુનોની પરેડ યોજાશે.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની થનારી ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે ગઇકાલે રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.યુ.પઠાણ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી એ.આઇ.હળપતિ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર અને શ્રી એસ.જે.મોદી સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં ઉજવણીના સુચારા આયોજન માટે સંબંધિત અધિકારીઓને સોંપાયેલી જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવાની સાથે આ કાર્યક્રમ કાળજીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની પણ સુચના અપાઇ હતી.
પ્રજાસત્તક પર્વની ઉજવણીનો જિલ્લાકક્ષાનો આ સમારોહ પ્રવર્તમાન કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને કોવિડ-૧૯ ના પ્રોટોકોલ મુજબ સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવા વગેરે જેવા ધારાધોરણના પાલન સાથે મર્યાદિત આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાશે. જિલ્લાકક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં પાંચ કોરોના વોરીયર્સને તેમજ તાલુકાકક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં બે કોરોના વોરીયર્સને કોરોના પ્રતિરોધક વેક્સીનના પ્રિકોશન ડોઝ અપાશે.


Share to