November 22, 2024

ઇતિહાસની સેવા કરવી એ સૌ નાગરિકોનું કર્તવ્ય છેઃ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીગાંધીનગર

Share to


ગુજરાત ના પાટનગર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે પદ્મ શ્રી વિષ્ણુ પંડ્યા લિખિત ‘ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨’ પુસ્તકનું વિમોચન કરાયું
ગુજરાતના પ્રસિદ્ધ લેખક અને સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા રચિત અનેક પુસ્તકોનું ભાથું ગુજરાતી વાચકોને વાચકોને મળ્યું છે. આજે તેમના ૧૫૧ માં પુસ્તક ‘ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨’ નું વિમોચન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું.
આ પુસ્તક વિમોચન પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, ઇતિહાસની સેવા કરવી એ સૌ નાગરિકોનું કર્તવ્ય છે. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા આ કર્તવ્ય ખરા અર્થમાં નિભાવી રહ્યા છે. ભાવિ પેઢી ઇતિહાસને અનુભવે તેવી શૈલીમાં શ્રી વિષ્ણુ પંડ્યાએ અનેક પુસ્તકોનું સર્જન કર્યું છે. જેના કારણે ગુજરાતના અનેક લોકો ઐતિહાસીક ઘટનાઓ અને રાજકીય બાબતોને તેમની કલમે જાણતા થયા છે. આજે જ્યારે તેમના ૧૫૧ માં પુસ્તક ‘ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨’ નું વિમોચન થઈ રહ્યું છે ત્યારે આ પુસ્તક ૨૦૨૨ ની ચૂંટણીમાં થયેલી રસપ્રદ રાજકીય બાબતો જાણવા માટે મહત્વનું સાબિત થશે.
લેખક શ્રી વિષ્ણુ પંડ્યાએ પુસ્તક વિશે માહિતી આપતા કહ્યું કે, આ પુસ્તકમાં ‘ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨’ ની રસપ્રદ વાતો દર્શાવવામાં આવી છે. વર્ષ ૧૯૫૨ થી અત્યાર સુધીની ચૂંટણીઓ પૈકી ૨૦૨૨ ની સૌથી રસપ્રદ અને નિર્ણાયક ચૂંટણી રહી છે. આ ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો, ચૂંટણી ઢંઢેરો અને પ્રચાર પ્રસાર અલગ પ્રકારના હતા. તેનું વિશ્લેષણ, વિરોધ પક્ષોની સ્થિતિ તેમજ ભાવિ ગુજરાતની સંકલ્પનાનું નિરૂપણ કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુસ્તકમાં ગુજરાતની ૧૮૨ બેઠકો પરની ચૂંટણીલક્ષી મહત્વની બાબતો પણ દર્શાવવામાં આવી છે. ચૂંટણી પરિણામો પછીની મીડિયાની પ્રતિક્રિયાઓ પણ વિગતે રજૂ કરાઈ છે. પુસ્તકના અંતમાં ગુજરાત વિધાનસભાની તમામ બેઠકોમાં ઉમેદવારોની હાર જીતનો દસ્તાવેજ પણ આપવામાં આવ્યો છે. લેખક શ્રી વિષ્ણુ પંડ્યાનું આ ૧૫ મું રાજકીય વિશ્લેષણ ધરાવતું પુસ્તક છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ, ઇતિહાસકારો અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Share to