રાજપીપલા,સોમવાર :- તા.૦૫ મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ રાજપીપલા સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ગુજરાતના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકાયો હતો.
નર્મદા જિલ્લમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવાનો તેમજ નિવૃત્ત થયેલા પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચત્તરમાધ્યમિક વિભાગના સારસ્વતશ્રીઓને તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લ કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, ધારીખેડા સુગરના ચેરમેન અને દૂધધારા ડેરી-ભરૂચના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઇ વસાવા, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી નિલેષભાઇ વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સુરેશભાઇ ભગત સહિત શિક્ષણ જગતના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કર્મનિષ્ઠ શિક્ષકો દેશનું અને બાળકોના ભવિષ્યનું ઘડતર કરે છે. શિક્ષિત પેઢી દેશને પુરુ પાડવાનું કામ શિક્ષકો કરી રહ્યાં છે. વાલીઓએ માટી સ્વરૂપે શિક્ષકોને સોંપેલા બાળકનું કોડિંયુ બનાવી તેમાં શિક્ષણરૂપી જ્યોત પ્રગટાવવાનું ભાગીરથ કાર્ય શિક્ષકોએ કરવાનું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક શાળામાં દાખલ થતું બાળક તેના શિક્ષકને આજીવન યાદ કરે છે, ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકો પાયાનું શિક્ષણ બાળકોને આપવામાં ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યાં છે. તેના કારણે જ આદિવાસી વિસ્તારોમાં પણ શિક્ષણનું પ્રમાણ ખૂબ ઉચું આવ્યું છે અને તેમને લીધે જેના કારણે આજે ડ્રોપ આઉટ રેસિયો ઘટ્યો છે, જેનો સમગ્ર શ્રેય પ્રાથમિક શાળાના શિક્ષકોને જાય છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને નર્મદા સુગરના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કરી જિલ્લાના શિક્ષકોને બિરદાવ્યાં હતાં.
માધ્યમો સાથેના સંવાદમાં મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આજે જ્યારે શિક્ષક દિવસ ઉજવાઇ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકોને/બાળકોને સન્માનિત કરવાનો મને અવસર મળ્યો છે. મને ખુશી એ વાતની છે કે શિક્ષણમાં જેમણે મહામુલું યોગદાન આપ્યું છે અને વયનિવૃત્ત થઇ રહ્યાં છે તેવા ૪૦ જેટલાં શિક્ષકોને સન્માનિત કરવાનો આ અવસર મળ્યો છે, શિક્ષકો જ દેશનું શ્રેષ્ઠ ભાવિ ઘડી શકે છે તેમ જણાવી નર્મદા જિલ્લામાં શિક્ષકો ખૂબ જ સારી કામગીરી કરી રહ્યાં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
આ પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના-૧, તાલુકા કક્ષાના-૩ શ્રેષ્ઠ શિક્ષકો, જિલ્લાના ૧૫ જેટલાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરાયા હતાં, જ્યારે ૪૦ જેટલા વયનિવૃત્ત થઇ રહેલા સારસ્વતશ્રીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી તેમને શુભેચ્છા પાઠવાઇ હતી. આ અવસરે જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે અને શિક્ષણ વિભાગમાં સર્વગ્રાહી કામગીરી કરવા બદલ જિલ્લાના શિક્ષકો વતી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશભાઇ પટેલનું શ્રી ઘનશ્યામભાઇ પટેલ, શ્રી શંકરભાઇ વસાવા અને શ્રી નિલેષભાઇ વસાવા દ્વારા સન્માન કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પારિતોષિક મેળવનાર નાંદોદ તાલુકાના હજરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા સુશ્રી રૂચિતાબેન ત્રિવેદીએ તેમને મળેલા રૂા. ૧૫ હજારના પુરસ્કારની ધનરાશી પોતાની શાળાને સમર્પિત કરી તેનો શાળાના બાળકો અને શાળાના વિકાસમાં ઉપયોગ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશભાઇ પટેલે કર્યું હતું. અને શ્રી અરવિંદભાઇ રાઠવાએ આભાર દર્શન કર્યું હતું.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.