October 17, 2024

રાજપીપલા બસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

Share to

નોકરી અર્થે અપડાઉન કરતા કર્મીઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પાઠવ્યો

ટીપે ટીપે સરોવર ભરાય : કર્મચારીઓનો વૃક્ષારોપણનો પરિણામલક્ષી પ્રયાસ પ્રસંશાપાત્ર

રાજપીપલા, બુધવાર :- ‘ટીપે ટીપે સરોવર ભરાય’ કહેવતને યાદ રાખીને પર્યાવરણની સુરક્ષા માટે નાગરિકો જાગૃત થઈ રહ્યાં છે. રાજ્ય સરકાર તમામ કાર્યક્રમોમાં વૃક્ષારોપણને મહત્વ આપીને લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષ વાવવાનો અનુરોધ કરે છે, ત્યારે આજરોજ નોકરી અર્થે દૈનિક ધોરણે મુસાફરી કરતા કર્મીઓએ મળીને રાજપીપલા બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણનું સુંદર આયોજન કર્યુ હતું.

વૃક્ષારોપણ કરીને પોતાની સામાજિક જવાબદારી અદા કરતા કર્મીઓએ પ્રકૃતિ પ્રતિ પોતાની જવાબદારી સમજીને આજે પોતાનું ઋણ અદા કર્યું છે. વૃક્ષારોપણ બાદ કર્મીઓએ વૃક્ષ વાવીને સૃષ્ટિસૌંદર્યમાં વધારાની સાથે પ્રદૂષણ નિયંત્રણ કરવાનો સામૂહિક સંકલ્પ લઈને લોકોને પ્રેરક સંદેશો આપ્યો હતો. વધુમાં દૈનિક ધોરણે અપડાઉન કરતા કર્મીઓએ પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવા તેમજ કચરો કચરા પેટીમાં નાખીને પર્યાવરણના જતન માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા લોકોને અનુરોધ કર્યો હતો.

આજે લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવા લાગ્યું છે. વૃક્ષારોપણને મહત્વ આપવામાં આવી રહ્યું છે. વૃક્ષોના પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષોના મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. સરકાર પણ વનમહોત્સવની ઉજવણી કરીને વૃક્ષો વાવીને તેના જતન માટે નાગરિકોને જાગૃત કરી રહી છે.


Share to

You may have missed