September 7, 2024

ભરૂચ લોકસભા બેઠકના ૭ વિધાનસભા ક્ષેત્રના ૧૭,૨૩,૩૫૩ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે

Share to

ભરૂચ જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભા ચૂંટણી માટે સજ્જ જિલ્લા ચૂંટણીતંત્ર

આજે તા.૭મીએ સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન થશે
*


હિટવેવ સામે રક્ષણ માટે મતદાન મથકો પર વેઈટિંગ એરિયામાં છાંયડો તથા પાણીની વ્યવસ્થા

લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર જોડવા અને અચૂક મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરાની અપીલ

ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ પોલીસ સ્ટાફની સાથોસાથ પેરામિલીટરી ફોર્સ સહિતનો પૂરતો પોલીસ બંદોબસ્ત: જિલ્લા પોલીસ વડા
**
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ
***
         ભરૂચ- સોમવાર-  લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીમાં દરેક મતદાર પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીનું જતન કરવામાં સહભાગી બને તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે તા.૭મીએ ૨૨ – ભરૂચ સંસદીય બેઠકની ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ આજે કલેક્ટર કચેરી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભરૂચ સંસદીય મત વિસ્તારના ૭ વિધાનસભા વિસ્તારમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી માહોલમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 
          ૧૭,૨૩,૩૫૩ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આવતીકાલે ૭મી મેના રોજ સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી મતદાન થશે. તેમણે કહ્યું કે,  ભરૂચ બેઠકની ચૂંટણી પ્રક્રિયામાં ૮૩૭૫ અધિકારી-કર્મચારીઓ ફરજ માટે સજ્જ છે. અંદાજિત ૪૦૦૦ જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
          મતદાનના દિવસે મતદાન પ્રક્રિયા સરળ બને તે માટે જિલ્લામાં કુલ- ૮૩૭૫ મતદાન સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ૨૧૦૧ પ્રિસાઈડીંગ ઓફિસર,૨૧૧૬ મદદનીશ પ્રિસાઈડીંગ ઓફિસર, ૪૨૫પોલીંગ ઓફિસર તથા ૩૭૩૩ મહિલા પોલિંગ ઓફિસરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૪૫ જેટલા માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી લક્ષી વિવિધ કામગીરી માટે જિલ્લા કક્ષાના કુલ ૮ ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે.
              ભરૂચ સંસદીય મતવિસ્તારની ૭ વિધાનસભા બેઠકોમાં ૧૮૯૩ મતદાન મથકો ઉભા કરાયા છે. આ ઉપરાંત વિધાનસભાદીઠ ૪૯ મહિલા મતદાન મથકો તથા ૦૭ મોડેલ મતદાનમથકો ઉભા કરાયા છે. ૦૨ વિધાનસભામાં એક યુવા મતદાન મથક ઉભુ કરાયું છે. તેમજ દીવ્યાંગ દ્નારા જ સંચાલિત ૭ જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. વધુમાં હેરિટેજ, કલ્ચરલ વગેરે થીમને આધારે ૭ જેટલા આદર્શ મથકોનો પણ સમાવેશ થાય છે.

          મતદાન મથકો ખાતે મતદારોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ચૂંટણી તંત્રએ વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે તેમ જણાવતા તુષાર સુમેરાએ ઉમેર્યું હતું કે,  જિલ્લામાં આવેલ તમામ મતદાર મથકોએ પીવાનું પાણી, શૌચાલય, વિજળી, રેમ્પની સુવિધા સહીત ખાસ કરીને દિવ્યાંગ તથા સીનીયર સીટીઝન મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા તથા જરૂરીયાત મુજબના મતદાન મથકોએ વ્હીલચેર, વોલેન્ટીયર્સ,મફત વાહન સુવિધા, પ્રોપર સાઈન બોર્ડ પોસ્ટર વિગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત મતદારોને માર્ગદર્શિત કરવા માટે વોટર આસીસ્ટન્ટ બૂથ (VAB)  ઉભા કરી ત્યાં બીએલઓની નિમણૂંક કરવામાં આવી છે.
     ભરૂચ સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓને ઘર જેવું વાતાવરણ અને તેના જેવી સગવડ સ્થળ પર મળી રહે તે માટે અસાધ્ય વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.  સ્થળ પર પીવાનું શુધ્ધ પાણી, સ્વચ્છ વોશરૂમ, હેલ્પ ડેસ્ક, અલ્પાહાર અને ભોજન સહિતની વ્યવસ્થા કરી સારામાં સારો ચૂંટણીનો અનુભવ થાય તેવી મતદાન મથકો પર સુવિધા કરી યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ બન્યું છે.
        આ ઉપરાંત તંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં ૩૧૪૧ પૈકી ૬૭૨ મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરાશે એમ જણાવી તેમણે ભરૂચ શહેર-જિલ્લામાં ઔદ્યોગિક કારીગરો, શ્રમિકો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરવામાં આવી છે. જેથી વધુને વધુ મતદાન કરવા તમામ મતદારોને અનુરોધ કર્યો હતો.
           શ્રી સુમેરાએ ઉમેર્યું કે, મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર તેમજ મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની હદમાં મોબાઈલ ફોન જેવા ઉપકરણો લઈ જવાની મનાઈ છે. મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલા મતદારો મોબાઈલ ફોન સાથે તા.૦૭- ૦૫-૨૦૨૪ના રોજ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે નહીં.
           તેમણે કહ્યું હતું કે, હિટવેવની સંભાવના તેમજ ગરમીને જોતાં તમામ મતદાન મથકો પર પીવાના પાણી, શેડ-શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે. દરેક મતદાન મથકે ORS અને મેડિકલ કિટ, જરૂરી દવાઓ આપવામાં આવી છે. નજીકના આરોગ્ય કેન્દ્રનો ઈમરજન્સી નંબર ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત, ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ જરૂરી દવાઓ અને મેડિકલ સાધનો સાથે નિયત સ્થળો પર સ્ટેન્ડ બાય રહેશે. અશક્ત, દિવ્યાંગ, સિનીનર સિટીઝન, ગર્ભવતી મહિલા મતદારોને મતદાન કરવા માટે સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવશે
         મતદારોને મતદારયાદીમાં નામની ચકાસણી માટે જરૂરી માહિતી/માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર ૧૯૫૦ છે તેમજ મતદાર યાદીમાં પોતાના નામની વિગતો જાણી  શકે તે માટે VOTER HELPLINE એપનો ઉપયોગ કરી શકાય છે એમ તેમણે ઉમેરી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર જોડવા અને અચૂક મતદાન કરવા ભારપૂર્વક અપીલ કરી હતી.
              કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આલિયા બેટ ભરૂચ જિલ્લાનો અંતરિયાળ ટાપુ છે, જેમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણીલક્ષી મૂળભૂત સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, અને હજુ પણ જરૂરિયાત મુજબ વિસ્તારિત સુવિધાઓ પૂરી પાડવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. ચૂંટણી પંચના ધ્યેયસૂત્ર ‘No Voter to be left behind’ માંથી પ્રેરણા મેળવીને વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીથી આલિયા બેટમાં જ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કર્યું છે, જેના કારણે મતદારોને દૂર સુધી મત આપવામાં પડતી મુશ્કેલી-અસુવિધાઓ દૂર થઈ છે. 
              કાયદો અને વ્યવસ્થા અંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા એ જણાવ્યું કે, ભરૂચ બેઠકની ચૂંટણી માટેની માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તટસ્થ, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. ચૂંટણીના માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો વિરુદ્ધ અટકાયતી પગલાઓ તેમજ કાયદાકીય કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ પોલીસ સ્ટાફની સાથોસાથ પેરામિલીટરી ફોર્સ સહિતનો પૂરતો પોલીસ બંદોબસ્ત કરાયો છે.
         જિલ્લામાં મતગણતરી કેન્દ્રોની વિગતો જણાવતા કહ્યું કે,  જિલ્લામાં કે.જે. પોલિટેકનિક ભરૂચ ખાતે તા. ૪ જુન ૨૦૨૪ના રોજ મતગણતરી હાથ ધરાશે.


આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.આર.જોષી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા,  નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર.ધાધલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિયા ગાંગૂલી, સહીત જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed