October 15, 2024

વહેલી સવારે પાંચ વાગ્યે નર્મદા નદીના જળસ્તરની જાત નિરિક્ષણ કરી વાસ્તવિક પરિસ્થિતિનો જાયજો લેવાયો

Share to



નર્મદા નદીમાં પાણી છોડાતા શહેરાવ ઘાટ પર બનાવેલો કામચલાઉ કાચો બ્રિજ પાણીમાં ધોવાઈને સંપૂર્ણ ડૂબી ગયો : કિનારાના બેરિકેડ સુધી પાણી ફરી વળ્યા

હજારો પરિક્રમાવાસીઓ-ભક્તોની સલામતી માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ ડિઝાસ્ટર ન થાય તે માટે અગમચેતી અંગે હાલ પુરતી પરિક્રમા રૂટ પર ઉદભવેલી પરિસ્થિતિ સલામતીના કારણોસર અટકાવાઈ : જેટી અને કિનારા પર પાણી ફરી વળતા નાવ ચલાવવી પણ જોખમી

ઉદભવેલી પરિસ્થિતિ અંગે DDOશ્રી અને પ્રાયોજના વહીવટદાર અને નોડલ અધિકારીશ્રી દ્વારા સમીક્ષા કરી : વૈકલ્પિક વ્યવસ્થા અંગે નર્મદા પુત્ર અને આયોજક શ્રી સાંવરિયા મહારાજે પણ પરિસ્થિતિ જોઈને તંત્રના નિર્ણયને આવકાર્યો
——
પરિક્રમા કરવી હોય તો પગે ચાલી-મોટર માર્ગે વૈકલ્પિક માર્ગે કરી શકે તેવી શ્રદ્ધાળુઓને અપીલ કરતા શ્રી સાંવરિયા મહારાજ
——
   રાજપીપલા, શુક્રવાર :- ઈન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે તા.૨૯/૦૪/૨૦૨૪ના શિડ્યુલ મુજબ ગત તા.૨૯/૦૪/૨૦૨૪ના રોજ સરદાર સરોવર નર્મદા ખાતેથી રિવરબેડ પાવર હાઉસ શરૂ કરાતા ૩૦ હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવા અંગેનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો આવરો થયો છે. શહેરાવ ઘાટ ખાતે બનાવેલો કાચો બ્રિજ પાણીમાં સંપૂર્ણ ધોવાઈને ગરકાવ થયો છે. તેના પગલે પરિક્રમા ઉપર ટેમ્પરરી રોક લગાવવામાં આવી છે. વૈકલ્પિક આયોજન માટે સાધુ સંતો અને અગ્રણીઓ દ્વારા સમૂહ ચિંતન-મંથન કરી ગુરૂવારે વહેલી સવારે પાણીના પ્રવાહનો જાયજો લેવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને નોડલ અધિકારીશ્રી જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર સહિતનાઓની ટીમ સાથે પાણીના પ્રવાહની રિયલ પરિસ્થિતિના ફોટો -વીડિયો દ્વારા નર્મદા નદીના દ્રશ્યો કેદ કર્યા હતા. NDRF ની બોટ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં સ્થિરતાથી સંચાલન થઈ શખે તેવી સ્થિતિમાં નથી તેવું NDRFની ટીમોનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. બોટ સંચાલન માટેની જેટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. નદી કિનારે ઊભા કરાયેલા પેગોડામાં પણ પાણી ભરાઈ ગયા છે. બેરિકેડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

   નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા પરિક્રમા રૂટ ઉપર શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચેના કામચલાઉ કાચા પુલને અસર થતા ગત મોડી રાત્રે અને વહેલી સવારે કામચલાઉ પુલ ક્ષતિગ્રસ્ત થઈને પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રાત્રે પણ ત્રણ ટર્બાઇનમાંથી ૨૧ હજાર ક્યુસેક પાણી બહાર આવતા પાણીનો ફ્લો વધ્યો છે. પરિક્રમા કરવા આવતા પરિક્રમાવાસીઓની સલામતી-સાવધાની માટે પરિક્રમાને સલામતીના પગલે રૂકાવટ કરવાની વહીવટી તંત્રને ફરજ પડી છે. આ નિર્ણયથી હજારો યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે અંગે સુચારુ આયોજન કરવાના તંત્રના પ્રયત્ન લગાતાર ચાલુ છે. ઉદભવેલી પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવી છે. મીડિયાના માધ્યમ થકી પરિક્રમાવાસીઓને પણ મેસેજ આપવામાં આવી રહ્યો છે. પરિક્રમા પૂર્ણ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. 

   પરિક્રમા દરમિયાન કોઈ ડિઝાસ્ટરની ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા હાલ પુરતી સલામતી કારણોસર અટકાવવામાં આવી છે. જેને લોકોએ પણ સરાહનીય ગણાવ્યો છે. જે કોઈ પરિક્રમાવાસીઓ પરિક્રમા કરવા માંગે છે તે વૈકલ્પિક રૂટ પરથી પરિક્રમા કરી શકે છે. હવે પછી નર્મદા નદીના પટમાં કોઈપણ અવર-જવર ન કરે તે માટેની તકેદારી લેવા માટે સંબંધિત તલાટીશ્રી અને પોલીસ કર્મીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. લોકોની સલામતીને પ્રાથમિકતા આપવા આ મહત્વનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

   જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા દ્વારા સાધુ સંતો, અગ્રણીઓ સાથે એક મહત્વની બેઠક પણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવની ઉપસ્થિતિમાં આ અંગે સમીક્ષા કરી છે. વચગાળાના રસ્તા માટે વૈકલ્પિક રૂટ રામપુરા ઘાટ, રણછોડજી મંદિર, જુના રામપુરા, માંગરોળ, ગુવાર, શહેરાવ, સોઢલીયા-પાટી, જિઓર, રૂંઢ ચોકડી-પોઈચા, નિલકંઠ હોટલ થઈ પોઈચા બ્રિજ, દરિયાપુરા, ચાણોદ, કરનાળી, તિલકવાડા થઈ રેંગણથી વાસણ, અકતેશ્વર બ્રિજ પાર કરી હાઈવે ઉપરથી પસાર થઈ ભાણદ્રા ચોકડીથી સુરજવડ એટલે કે સમારિયા પાટીયા પાસેથી ગંભીરપુરા તરફના પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા ખાતે શ્રદ્ધાળુઓ વાહન-પગે ચાલીને પરિક્રમા કરી શકાય તેવો સૂચિત પ્લાન બનાવવામાં આવ્યો છે. લોકોએ પણ તેમાં સહકાર આપે તે રીતે પરિક્રમા કરવા હાલપુરતો અનુરોધ કરવામાં આવ્યો છે.

   ગત ગુરૂવારે વહેલી સવારે પાંચ કલાકે પરિક્રમા રૂટના અને શહેરાવ ઘાટ ખાતે ઉદભવેલી પરિસ્થિતિ અંગે રૂબરૂ મુલાકાત લઈ નર્મદા પુત્રશ્રી સાંવરિયા મહારાજ દ્વારા NDRFની બોટમાં બેસીને જાયજો સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન પુરું પડાયું હતું. આ અંતિમ તબક્કાની પરિક્રમાને માત્ર ગણતરીના દિવસો બાકી છે જે અંગે વિચારણા કરવામાં આવી અને શનિ – રવિવારના ક્રાઉડને વાહન મારફત યાત્રા વ્યવસ્થાપન કરવી તે અંગે પણ પરામર્શ કર્યો હતો. નાવડી સંચાલન અંગે NDRF ટીમ સાથે પણ અભિપ્રાય મેળવ્યો હતો. આ તબક્કે નર્મદા પરિક્રમા સાથે સંકળાયેલા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ જોડાયા હતા.

નર્મદા પુત્ર શ્રી સાંવરિયા મહારાજની પરિક્રમાવાસીઓને હાર્દિક અપીલ

   ગત તા.8મી એપ્રિલ-2024થી ઉત્તરવાહિની પરિક્રમા પગપાળા તેમજ મોટર માર્ગે શરૂ થઈ હતી. ગત ગુરૂવારના રોજ વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે મેં જાતે પરિક્રમા રૂટનું નિરિક્ષણ કર્યું છે. બોટમાં બેસીને સર્વે પણ કર્યો છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી પરિક્રમાર્થીઓ જેમાં બાળકો,વૃદ્ધો, મહિલાઓ, અશક્ત પણ જોડાતા હોય બોટમાંથી કિનારે ઉતરી શકે તેવી સ્થિતિ નથી. આ પરિસ્થિતિ જોતાં પરિક્રમા હાલ શરૂ કરવી કઠિન છે. જિલ્લા વહીવટી તંત્ર પરિક્રમાર્થીઓ માટે હંમેશાં ખડેપગે છે. પરિક્રમા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને મોટર માર્ગે પરિક્રમા કરવા વિનંતી છે. તેના માર્ગમાં ગરૂડેશ્વર અને પોઈચા આ બે બ્રિજ આવે છે. આ રૂટ ઉપર શ્રદ્ધાળુઓ સરળતાથી પરિક્રમા કરી શકશે.     


Share to

You may have missed