સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં ૩૦ હજાર ક્યુસેક પાણી છોડાશે

Share to



નર્મદા નદીમાં પાણી છોડવાનું હોવાથી ઉત્તરવાહિની પરિક્રમાર્થીઓને સાવધાન રહેવા તાકીદ

   રાજપીપલા, સોમવાર :- સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું નિયત કરવામાં આવ્યું હોવાથી હેઠવાસના વિસ્તારના લોકોને સાવધ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને ચૈત્ર માસમાં ઉત્તરવાહિની પરિક્રમા ચાલી રહી હોવાથી પદયાત્રીઓ પણ આ બાબતની તકેદારી લે એવું જણાવવામાં આવ્યું છે.

   ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર ડેમમાંથી તા. ૨૯-૪-૨૦૨૪ના સાંજના આઠ વાગ્યાથી પાણી છોડવાનું નિયત કરવામાં આવ્યું છે. આ પાણીનો જથ્થો ત્રીસ હજાર ક્યુસેક સુધી થવા જાય છે. આના કારણે ડેમના હેઠવાસમાં નદીના પટમાં ત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થશે.

   ખાસ કરીને આ પાણીના કારણે નર્મદા નદીના ઉત્તરવાહિની પરિક્રમના રૂટમાં પણ હળવી અસર થવાની શક્યતા છે. આ બાબતને ધ્યાને રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓને નદીમાં જવાનું દુઃસાહસ ના કરવા તેમજ સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રામપૂરા ઘાટ ખાતે બનાવવામાં આવેલા કામચલાઉ પૂલ ઉપર પાણી હોય ત્યારે તેના ઉપરથી પસાર થવું નહીં, તેવી તાકીદ કરવામાં આવી છે.


Share to

You may have missed