December 22, 2024

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે ૧૪ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Share to


અધિકારી-કર્મચારીઓની ઉત્કૃષ્ટ ચૂંટણીલક્ષી કામગીરીને બિરદાવતા કલેક્ટર શ્રીમતી તેવતિયા

પોતાના બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા માટે સૌ અધિકારી-કર્મયોગી સંકલ્પબદ્ધ

સિનિયર સિટીઝન અને યુવા મતદારોને સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા

રાજપીપલા, ગુરુવાર :- નર્મદા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત ૧૪ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, જિલ્લાના મહિલા, યુવાનો, સિનિયર સિટીઝન સહિતના મતદારોની નોંધણી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબુત બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આ વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા માટે ચૂંટણીલક્ષી અને મતદારયાદીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મઠ અધિકારીઓ-કર્મચારીઓની કામગીરી સરાહનીય છે.

આ પ્રસંગે શ્રીમતી તેવતિયા સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચૂંટણી સંદર્ભે ૯૦ વર્ષીય સિનિયર સિટિઝન અને યુવા મતદારને ગિફ્ટ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. વધુમાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓને બેસ્ટ મદદનીશ મતદાર નોંધણી અધિકારી, બેસ્ટ બુથ લેવલ ઓફિસર, બેસ્ટ બીએલઓ સુપરવાઈઝર, બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર સહિતની કેટેગરીમાં ગિફ્ટ અને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરાયું હતું.

આ વેળાએ સભાખંડમાં ઉપસ્થિત સૌ અધિકારી-કર્મચારીઓએ ભારતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી રાજીવ કુમારનો પ્રેરક સંદેશો નિહાળ્યો હતો. વધુમાં ઉપસ્થિતોએ સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમાને જાળવીને, નિર્ભયતાથી, ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે પ્રતિજ્ઞા કરી હતી. સાથોસાથ સૌ એ “દેશહિતની વાત હશે ત્યાં મુઠ્ઠી બનીશું, મતદાન કરીશું – મેં ભારત હું” શોર્ટફિલ્મ/ગીત નિહાળ્યું હતું.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.કે. ઉંધાડ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી કેતુલ ઈટાલિયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એસ.ડી.ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી કિરણ પટેલ સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આર.જી.સાવંત


Share to

You may have missed