ભારત સરકારમાં કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવશ્રી ભબાની પ્રસાદ પાટી અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ના આયોજન અમલવારી સંદર્ભે બેઠક યોજાઈ

Share to

વિકસિત ભારત સંકલ્પ યાત્રા” – નર્મદા જિલ્લો

કેન્દ્રીય સંયુક્ત સચિવશ્રી પાટી :

• નર્મદા જિલ્લાના પ્રત્યેક નાગરિકોને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાનો લાભ આપી તેમના જીવનશૈલીમાં આમૂલ પરિવર્તનને ઉજાગર કરીએ

• કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાકિય માહિતી અંગે નાગરિકોને જાગૃત કરીને સો ટકા લાભ આપીએ
—-
“પ્રજા-તંત્ર” ના સહિયારા પ્રયાસથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ને સફળ બનાવવાની સુદ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા
—–
રાજપીપલા, શુક્રવાર :- એસ્પિરેશનલ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કેન્દ્રીય કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવશ્રી ભબાની પ્રસાદ પાટીની અધ્યક્ષતામાં તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૩ થી પ્રારંભ થનારી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સંદર્ભે વિશેષ રોડમેપ અંગે બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે કેન્દ્રીય કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવશ્રી ભબાની પ્રસાદ પાટીએ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ અને નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર સહિત જિલ્લાના સંકલન સમિતિના સર્વે અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુખ્ય થીમ-આશય વિશે માર્ગદર્શિત કર્યા હતા.
શ્રી ભબાની પ્રસાદ પાટીએ જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારની મહત્વની ૧૭ જેટલી ફલેગશીપ ગ્રામીણ-શહેરોની અનેકવિધ યોજનાઓના અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન-મિશનને સાકાર કરવા નર્મદા જિલ્લાના ગ્રામીણ-શહેરી વિસ્તારના છેવાડાના માનવીને સરકારશ્રીની અનેકવિધ યોજનાઓનો લાભ સુલભ સરળ રીતે મળે તે સુનિશ્ચિત કરી બાકી રહી ગયેલા પાત્રતા ધરાવતા લાભાર્થીઓનો ડેટાબેઝ તૈયાર કરી તબક્કાવાર લાભ આપવા ખૂબ જ જરૂરી છે. આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારત દેશને વિકસિત દેશોની અગ્રહરોળમાં લાવવા માટે ગ્રામીણ ક્ષેત્રને પ્રાધાન્ય આપી આર્થિક ઉત્કર્ષ સાથે વંચિતોનો વિકાસ થાય એ યાત્રા થકી પુરો પાડવાનો ઉદ્દેશ્ય રહ્યો છે.
શ્રી પાટીએ વંચિત લાભાર્થી સુધી પહોંચી તેમને સરકારી વિવિધ વિભાગોની યોજનાનો લાભ ઉપલબ્ધ કરાવવા તેમજ લાભાર્થીના જીવનશૈલીમાં આવેલા પરિવર્તનને પ્રચાર થકી ઉજાગર કરીને અન્યને પ્રેરિત કરવા લોકોને જાગૃત કરવા અંગે માર્ગદર્શિત કર્યા હતા. ઉપરાંત, સંયુક્ત સચિવશ્રીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણ, આર્થિક વિકાસ સહિત અનેકવિધ પેરામીટર્સ થકી એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના વિકાસને સુનિશ્ચિત કરીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સંકલન સમિતિના સૌ અધિકારીશ્રીઓને વિસ્તૃત માર્ગદર્શન કર્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સંદર્ભે યોજાયેલી બેઠકમાં શ્રી પાટીએ આરોગ્ય, શિક્ષણ, પોષણ, ખેતી-પશુપાલન, ગ્રામવિકાસ વિભાગ, પાણી-પુરવઠા વિભાગ અન્ન અને નાગરિક પુરવઠો સહિતના વિભાગો દ્વારા નાગરિકોને મળતી લોકકલ્યાણકારી યોજનાઓના લાભ, યોજનાનો લાભ પહોંચાડવા માટેનું અસરકારક આયોજન અને વધુમાં વધુ જિલ્લાના લાભાર્થીઓને આવરી લેવા સાથે ડેટા બેઝ તૈયાર કરવા અંગે પણ કેટલાક રચનાત્મક સૂચનો આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાકીય લાભ મેળવેલ લોકોના પ્રતિભાવો અંગે સંવાદ કરી જાગૃતિ ફેલાવવા પ્રસાર-પ્રચાર પર વિશેષ ભાર મુક્યો હતો. કેન્દ્ર-રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ થકી લાભાર્થીઓના જીવનશૈલીમાં આવેલ સકારાત્મક પરિવર્તન અને પ્રતિભાવો અંગે શોર્ટ વીડિયો બાઈટ અપલોડ કરીને વધુમાં વધુ લોકોને જાગૃત કરવા જણાવ્યું હતું.
આ યાત્રા દ્વારા નર્મદા જિલ્લાના દરેક નાગરિકોને યોજાનાઓના લાભને સુનિશ્ચિત કરવા, દરેક યોજનાઓ વિશે તમામ લોકોને માહિતગાર કરવા, લાભ મળવાપાત્ર લાભાર્થીઓની નોંધણી, કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, જનજાગૃતિના કાર્યક્રમો, સામુદાયિક પ્રવૃતિ, નુકકડ નાટકો, આદિવાસી સાંસ્કૃતિક નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માર્ગદર્શિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પ્રજા-તંત્રના સહિયારા પ્રયાસથી સફળ બનાવવાની સુદ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને સંયુક્ત સચિવ શ્રી પાટીને વિશ્વાસ અપાવ્યો હતો કે, અમે આયોજન અમલવારી અંગેનો જિલ્લાનો રોડમેપ તૈયાર કર્યો છે અને આ કાર્યક્રમને સફળ રીતે પાર પાડીશુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર-રાજ્ય સરકારશ્રી દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા, યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના અનુસૂચિત આદિજાતિ વિસ્તારોમાં તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૩ (જનજાતિય ગૌરવ દિવસ) અને બાકીના તમામ જિલ્લાઓમાં નવેમ્બર ૨૦૨૩ ના તૃતિય સપ્તાહથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના નાગરિકો પણ કેન્દ્ર-રાજ્યના વિવિધ યોજનાથી માહિતગાર બને અને યોજનાઓનો લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા લોકજાગૃતિના શુભ હેતુથી આ અભિયાનમાં ગ્રામીણ વિસ્તારો માટે પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે કેન્દ્ર-રાજ્ય સરકાર સહિત નર્મદા જિલ્લા વહિવટી તંત્ર હરહંમેશ કાર્યરત છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના નિયામકશ્રી જે.કે.જાદવ, જિલ્લા આયોજન અધિકારીશ્રી સશાંક પાંડે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢક, જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશ પટેલ, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed