



ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે ઈઝરાયેલના રાજદૂત પધાર્યા હતા જેમાં એક દિવસ નર્મદામાં કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી ભાવવિભોર બન્યા હતા, સ્વયં મોબાઈલમાં તસવીર લઈ મુલાકાતને યાદગીરી સ્વરૂપે કેદ કરી હતી
ઈઝરાયેલના રાજદૂત કેવડિયાનો ગ્રીનરી અને વિકાસ- સરદાર ડેમ અને નર્મદા રિવર જોઈને અભિભૂત થયા
રાજપીપલા, ગુરૂવાર :- ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે પધારેલા સ્ટેટ ગેસ્ટ ઝેડપ્લસ સિક્યુરીટી ધરાવતા ઈઝરાયેલના રાજદૂત શ્રી નાઓર ગિલોન, કોન્સુલ જનરલ ઓફ ઈઝરાય શ્રી કોબી શોશાની અને શ્રી અનય જોગલેકરે આજે વડોદરાથી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અને એક એક જગ્યાએ પ્રદર્શિત કરેલી વસ્તુનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કર્યું હતું. તેઓને ગાઈડ દ્વારા સરદાર સરોવર ડેમ અંગેની વિગતોથી વાકેફ કરાયા હતા. તેમણે પણ સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ઉંડો રસ દાખવ્યો હતો.
ઈઝરાયેલના પ્રવાસી મહેમાનો કેવડીયા વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા ઈઝરાયેલના રાજદૂતશ્રીનું નાયબ કલેક્ટર પ્રોટોકોલશ્રી એન.એફ.વસાવાએ પુષ્પગુચ્છથી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વિશ્વના પ્રવાસન ફલક પર અંકિત થયેલી વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમાને જોઇને ઈઝરાયેલના રાજદૂત શ્રી નાઓર ગિલોન અને તેઓની ટીમ અભિભૂત થઈ હતી. સરદાર સાહેબની પ્રતિમાની વ્યૂઇંગ ગેલેરી રસપૂર્વક નિહાળી હતી તથા નર્મદા મૈયાના દર્શન અને સરદાર સરોવર ડેમના જળસંગ્રહ જોઇને આનંદિત થયા હતા. પોતાના મોબાઈલમાં તસવીરોને યાદગીરી રૂપે સ્વયં કંડારી આનંદ અને ખુશીની લાગણી અનુભવી હતી. ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસનો પ્રાકૃતિક નજારો જોઇને તેઓ અચંબામાં પડી ગયા હતા. સરદાર સાહેબની પ્રતિમા નિર્માણ અને પ્રદર્શની જોઈને ખુશી વ્યક્ત કરી હતી.
દેશભરમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ફૂટ એરિયામાં પ્રતિમા નિહાળતા પ્રવાસીઓ પૈકીના કેટલાંક પ્રવાસી સાથે સૌજન્ય દાખવી મુલાકાત વેળાં રાજદૂત શ્રી નાઓર ગિલોને વાર્તાલાપ કર્યો હતો. ઉત્તરપ્રદેશના ઝાંસીથી એકતાનગરના પ્રવાસે પરિવાર સાથે આવેલો ધોરણ-૩માં અભ્યાસ કરતા ૯ વર્ષીય વિદ્યાર્થી વિભાંશ જૈન સાથે વહાલ કરી તસવીર ખેંચાવી હતી. આ ક્ષણની તક મળતાં વિભાંશે મારો પ્રવાસ-મારી યાત્રા સરપ્રાઈઝ રીતે સફળ થઈ હોવાની ખુશી સાથે પરિવારે પણ આનંદની લાગણી અનુભવી હતી. અને વિદેશી મહેમાનો દ્વારા એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત બાદ ઈઝરાયેલના રાજદૂત શ્રી નાઓર ગિલોનએ વિઝિટ બુકમાં પોતાના પ્રતિભાવમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને એકતાનગરની ધરતી પર ઉતારેલા પ્રકલ્પોની પ્રશંશા કરી હતી. પ્રતિમાના નિર્માણ અને ઉંચાઈ સાથે કલા કારીગરીને પણ બિરદાવી સરદાર સાહેબે કરેલા કાર્યોને યાદ કર્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા. વિદેશી મહેમાનોને યાદગીરી રૂપે સ્ટેચ્યૂ ઓફ યુનિટી દ્વારા સરદાર સાહેબની રેપ્લિકા સાથે કોફીટેબલ બુક અર્પણ કરવામાં આવી હતી. SOU ના ગાઇડ સુશ્રી જૂલી પંડ્યાએ સમગ્ર પરિસરમાં આવેલી મુખ્ય બાબતો અને સરદાર સરોવર નર્મદા ડેમ અંગે વિસ્તૃતમાં જાણકારી આપી હતી અને ઈઝરાયેલના રાજદૂતે એકતાનગરની મુલાકાત વેળાએ સહયોગ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*