December 17, 2024

છેલ્લા આઠ વર્ષથી જિલ્લામાં અવિરત સેવા આપતી ટીમ અભયમ મહિલાઓને સલાહ, સુચન, માર્ગદર્શન, બચાવ સહિત કાઉન્સેલિંગ પુરૂં પાડી રહી છે

Share to

નર્મદાની ૧૮૧ નોન સ્ટોપ ‘ટીમ અભયમે’ વધુ એક પરિવારનું સુખદ મિલન કરાવ્યું

રાજપીપલા, બુધવાર :- નર્મદા જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની સેવા થકી જિલ્લી મહિલા-યુવતીઓ સુરક્ષાનો અનુભવ કરી રહી છે, ત્યારે ટીમ અભયમની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે. ટીમ અભયમે ગરુડેશ્વર તાલુકાના એક ગામના રહેવાસી પરિવારમાં દંપતિ વચ્ચે થયેલા વિખવાદનો અંત લાવીને સુખદ સમાધાન કરાવ્યું છે.
પીડિત મહિલાએ અભયમનો સંપર્ક સાધીને પોતાના પતિ અને દીકરા દ્વારા નશો કરીને ઘરમાં કંકાસ પેદા કરવા, દુર્વ્યવહાર તેમજ સતત થઈ રહેલા ઝગડા અંગે જાણ કરી મદદ માંગી હતી. અભયમની ટીમ તાત્કાલિક અસરથી મહિલાની મદદ માટે ગામમાં પહોંચી હતી. મળેલી માહિતી અનુસાર અભયમની ટીમે સૌ પહેલાં મહિલાના પતિ અને દીકરાની સમસ્યા જાણીને મહિલાનું કાઉન્સેલિંગ કર્યુ હતું.
પરિવારમાં બે દીકરીઓ પણ છે, તથા પતિ અને પુત્ર મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ નશાના કારણે ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાયું હતું. ઘણીવાર મારઝુડ જેવી પરિસ્થિતિ ઉભી થતા મહિલાને પોતાની દીકરીઓ સાથે પડોશીના ઘરે સૂવા જવું પડતું હતું.
ટીમ અભયમે આ પરિવારની પરિસ્થિતિ સમજીને પતિ અને પુત્રને ઘરના વાતાવરણને જાળવી રાખવા તેમજ પરિવારના ભવિષ્યને ધ્યાને રાખીને બંનેને કાઉન્સેલર દ્વારા સમજણ પુરી પડાઈ હતી. પિતા-પુત્રએ પોતાની ભુલ સ્વીકારીને ઘરમાં શાંતિનું વાતાવરણ સ્થાપવાનો વિશ્વાસ અભયમની ટીમને આપ્યો હતો. આવી રીતે ટીમ અભયમે વધુ એક પરિવારનું સુખદ મિલન કરાવીને તેમની કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે.
જિલ્લામાં છેલ્લા આઠ વર્ષથી અવિરત સેવા કરતી અભયમની ટીમ મહિલાઓને સલાહ, સુચનો, માર્ગદર્શન, બચાવ સહિત કાઉન્સલિંગ પુરુ પાડે છે. ઘરેલુ હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટનામાં તાત્કાલિક બચાવ અને કાઉન્સેલિંગની પ્રશંસનીય કામગીરી આ ટીમ સતત કરતી આવી છે.


Share to

You may have missed