December 21, 2024

જૂનાગઢવાસીઓને સખી મંડળ ગ્રામીણ બહેનો દ્વારા હાથ બનાવટથી તૈયાર કરેલી રાખડી ભાઈ બહેનનો પવિત્ર રક્ષાબંધન તહેવારમાં અને કલાત્મક વસ્તુઓ ખરીદવાની સાત દિવસીય રાખી મેળાનો પ્રારંભ થયો

Share to



જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખે રાખી મેળાને ખુલ્લો મુક્યો
જૂનાગઢવાસીઓ રાખડીઓ સહિતની કલાત્મક વસ્તુઓ ખરીદી કરી ગ્રામીણ બહેનોને પ્રોત્સાહિત કરે: જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાઈ-બહેનોનો પવિત્ર તહેવાર રક્ષાબંધન નજીક આવી રહ્યો છે, ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાખી મેળા-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાત દિવસીય મેળાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખે ખુલ્લો મુક્યો હતો.

જૂનાગઢ શહેરના આઝાદ ચોક ખાતે રેડક્રોસ સંસ્થાના પ્રાંગણમાં આયોજિત આ મેળામાં ૧૦ જેટલા સ્વ સહાય જૂથ એટલે કે, સખી મંડળના બહેનો દ્વારા રાખડી ઉપરાંત હેન્ડીક્રાફ્ટ, હેન્ડલુમ, ગૌ આધારિત ચીજ વસ્તુઓ, ઈમિટેશન વગેરે કલાત્મક વસ્તુઓનું તા.૨૨-૮-૨૦૨૩ થી તા.૨૮-૮-૨૦૨૩ સુધી વેચાણ કરવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખે જણાવ્યું કે, આ રાખી મેળાના માધ્યમથી બહેનોને માર્કેટિંગ માટેનું એક પ્લેટફોર્મ મળી રહે અને સાથો સાથ વચેટીયા વગર સીધુ જ ગ્રાહકોને વેચાણ કરી શકે છે. આમ, ગ્રામીણ બહેનો આર્થિક રીતે પગભર બને ઉપરાંત તેમને પ્રોત્સાહન પણ મળી રહે તેવા આશય સાથે આ મેળો યોજવામાં આવે છે. આ સાથે તેમણે જૂનાગઢવાસીઓને રાખડી સહિતની કલાત્મક વસ્તુની ખરીદી કરી, આ ગ્રામીણ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે અનુરોધ પણ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા ઈન્ચાર્જ નિવાસી અધિક કલેકટર શ્રી પી.જી. પટેલે સખીમંડળના બહેનોના સ્ટોલસની મુલાકાત કરી, તેમની જુદી-જુદી બનાવટોથી પરિચિત થયા હતા અને આ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ રાખી મેળાને સફળ બનાવવા માટે ઈન્ચાર્જ ડી.એલ. એમ. શ્રી વિપુલ અગ્રાવત, એ.પી.એમ. શ્રી રાજેશ ડાભી સહિત એનઆરએલએમની ટીમે જરૂરી વ્યવસ્થાઓના સંકલન સાથે જહેમત ઉઠાવી રહી છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed