December 22, 2024

ગુજરાતના રાજ્યપાલશ્રી દ્વારા “ યુવા અનસ્ટોપેબલ “ સંસ્થાના સહયોગથી કોરોના વોરિયર્સને રાશનકિટ્સ વિતરણના રાજ્યવ્યાપી અભિયાન હેઠળ નર્મદા જિલ્લાના ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સનું કરાયું અભિવાદન

Share to


રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાના હસ્તે આરોગ્ય યોધ્ધાઓને જીવન જરૂરી ઉપયોગી ચીજવસ્તુઓની કિટ્સનું કરાયું વિતરણ

જિલ્લાકક્ષાએથી જે તે તાલુકામાં કોરોના વોરિયર્સની સંખ્યા મુજબ રાશનિકટ્સનો જથ્થો
રવાના : સંબંધિત નોડલ અધિકારીશ્રીઓ થકી વિતરણ કામગીરી પૂર્ણ કરાશે


રાજપીપલા,શનિવાર:- “કોરોના સેવાયજ્ઞ” અભિયાન અંતર્ગત રાજભવન- ગાંધીનગર તરફથી “યુવા અનસ્ટોપેબલ” નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી કોરોના વોરિયર્સને જીવન જરૂરી ઉપયોગી ચીજ-વસ્તુઓની રાશનકિટ વિતરણ કરવાના રાજ્યવ્યાપી અભિયાન ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા શરૂ કરાયું છે. સમગ્ર ગુજરાતમાં ૧ લાખ કોરોના વોરીયર્સને રાશનકિટ આપવાના આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લાના ૩૪૦૦ થી પણ વધુ કોરોના વોરિયર્સને ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી-સહકારી અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ડી.એ. શાહ, CDMO અને સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા વગેરેની ઉપસ્થિતિમાં આજે જિલ્લાના કોરોના વોરીયર્સને આ કિટ્સનું વિતરણ કરાયું હતું.


રાજપીપલા મુખ્યમથકે આયુર્વેદિક હોસ્પિટલમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે RMO ડૉ.મનોહર મજીગાંવકર, રાશનકિટ વિતરણના જિલ્લા નોડલ અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ.આઈ. હળપતિ, શ્રી કમલેશભાઇ પટેલ, કોવિડ હોસ્પિટલના તબીબશ્રીઓ, નર્સિંગ સહિતના પેરામેડિકલ સ્ટાફ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા સહિતના ઉપસ્થિત તમામ વરિષ્ટ પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓના હસ્તે વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન રાત-દિવસ જોયા વિના રાઉન્ડ-ધી-ક્લોક ખડેપગે સતત સેવાઓ આપનાર આરોગ્ય વિભાગના યોદ્ધાઓને આ રાશનકિટ્સના વિતરણ સાથે તેમનું અભિવાદન કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિતના તમામ તાલુકાઓમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, આશાવર્કર, સફાઈ કામદાર, પંડિત દિન દયાલ ભંડાર (વાજબી ભાવની દુકાન)ના સંચાલક, તોલાટ, કોમ્પ્યુટર ડેટા ઓપરેટર સહિતની વ્યક્તિઓ-કર્મચારીઓની જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલી યાદી મુજબના ૩૪૦૪ જેટલા લાભાર્થીઓ માટે ફાળવાયેલી આ રાશનકિટ્સના જિલ્લાકક્ષાએ વિતરણની સાથોસાથ જિલ્લાના જે તે તાલુકાઓ અને વિસ્તાર માટે નિમાયેલા સંબંધિત નોડલ અધિકારીશ્રીઓ અને તેમના વિસ્તારના લાભાર્થી કોરોના વોરીયર્સની સંખ્યા મુજબની કિટ્સનો જથ્થો આજે રાજપીપલા ખાતેથી રવાના કરાયો છે અને તેમના મારફત આ કિટ્સ વિતરણની કામગીરી પૂર્ણ કરાશે.

આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મહામારીમાં જે લોકોએ ખૂબ સક્રિયપણે કામગીરી બજાવી છે, તેવા કોરોના વોરિયર્સ, ડોક્ટર્સ, નર્સ, સફાઈ કામદાર સહિતના બધા જ લોકોએ કોરોનાને રોકવા માટે સફળ કામગીરી કરી છે તેવા લોકોને ગુજરાતના રાજ્યપાલશ્રી તરફથી NGO થકી આવા કોરોના વોરિયર્સને જીવનજરૂરી ઉપયોગી ચીજવસ્તુઓ રાશનકીટ વિતરણના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ ૩૪૦૦ જેટલી કિટ્સનું વિતરણ કરાયું છે. આ કાર્યને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે, આવા કાર્યો થકી આ પ્રકારની કામગીરી કરનારને પ્રોત્સાહન મળતું હોઇ, તે ખરેખર આવકારદાયક છે. ભૂતકાળમાં કે વર્તમાનમાં કોરોનાને હરાવવા આપણે કરેલી સફળ કામગીરી આવનારા દિવસોમાં પણ અવિરતપણે ચાલુ રાખીશું તેમ જણાવી હજી પણ આગામી દિવસોમાં કોરોના વોરિયર્સનું આ રીતે યોગદાન મળતું રહેશે, તેવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.

કોવિડ-૧૯ રાજપીપલાની હોસ્પિટલ ખાતે ડેટા ઓપરેટર તરીકે ફરજ બજાવી રહેલા કોરોના વોરિયર્સ શ્રી જયેશભાઇ નટુભાઈ વસાવાએ આ કિટ્સના વિતરણ બદલ કૃતજ્ઞતા સાથે તમામ સ્ટાફગણ બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન અમારા કુટુંબની ચિંતા કરવાને બદલે અમોએ હોસ્પિટલમાં સારવાર માટે આવનારા દરદીઓના સ્વાસ્થ્યની સાથોસાથ હોસ્પિટલ દ્વારા વધુ સારી અને શ્રેષ્ઠ સેવાઓ કઈ રીતે આપી શકાય તેના સતત ચિંતનને લીધે અમોએ અમારા ઘરના કામ પણ આ સમયગાળા દરમિયાન છોડીને અહીં હોસ્પિટલમાં રહીને આપેલી નોંધપાત્ર સેવાઓ બદલ અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ.


Share to

You may have missed