December 24, 2024

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘડવૈયા રામ સુતારે કર્યા સરદાર સાહેબના દર્શન…..

Share to

સર્જનના દ્વારે અતિથિ બન્યા સર્જક…

•૯૯ વર્ષના યુવાન સર્જક શિલ્પીનું SOUADTGA તંત્ર અને મુલાકાતીઓએ કર્યું અભુતપૂર્વ સ્વાગત,શ્રી રામ સુતાર થયા ભાવવિભોર

•સ્ટેચ્યુ ઓફ યુનિટી સાચા અર્થમાં ચમત્કાર,ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં એકતા નગરનો અદભુત વિકાસ – શ્રી રામ સુતાર, શીલ્પકારસ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ હતો, પ્રસંગ હતો પ્રતિમા શિલ્પીની બીજી મુલાકાતનો. આજે સર્જન (સ્ટેચ્યુ ઓફ યુનિટી)ના દર્શને ફરી એકવાર પધાર્યા હતા શિલ્પ સર્જક શ્રી રામ સુતાર.

————
રાજપીપલા,શુક્રવારઃ- પદમભુષણ શ્રી રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે, તેઓશ્રીએ ૯૩ વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો, વર્ષ ૨૦૧૮માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ વેળાએ પધારેલા શ્રી રામ સુતાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ ના આમંત્રણને માન આપીને પોતાના સુપુત્ર અને કલાના વારસાને આગળ ધપાવી રહેલા શ્રી અનિલ સુતાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શને પધાર્યા હતા,શ્રી સુતાર ૨૦૧૮ થી ૨૦૨૪ વચ્ચે એકતા નગરમાં થયેલ વિકાસને જોઇને ખુબ જ ખુશી વ્યકત કરી હતી.

શ્રી રામ સુતારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી હતી તે દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સતામંડળ દ્વારા અભુતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યુ હતુ તે દરમ્યાન ઉપસ્થિત પ્રવાસીઓએ પણ શ્રી રામ સુતારને વધાવી લેવાયા હતા પોતાનું સ્વાગત થતા શ્રી સુતાર ભાવવિભોર થયા હતા. તેઓ આ વિરાટ પ્રતિમાના સર્જક છે એવું જયારે પ્રવાસીઓ એ જાણ્યું ત્યારે તેમણે પોતે સદભાગી હોવાની લાગણી અવશ્ય અનુભવી હશે.

શ્રી સુતારની એકતા નગરની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધ્યક્ષશ્રી મુકેશ પુરીએ તેઓની મુલાકાત કરીને તેમની એકતા નગરની મુલાકાત દરમ્યાનના તેઓને થયેલ અનુભવો જાણ્યા હતા, અને કોફીટેબલ બૂક અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આપીને સન્માન પણ કર્યુ હતુ.


શ્રી રામ સુતારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગમન થતા તેઓનું સ્વાગત જીલ્લા કલેકટર શ્રી અને ઇન્ચાર્જ મુખ્ય કારોબારી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયા, એકતા નગર ના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેકટર સર્વશ્રી ગોપાલ બામણીયા, નારાયણ માધુ સહિતના અધિકારીશ્રીઓએ કર્યુ હતુ.
શ્રી સુતારે સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. શ્રી સુતારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૪૫ માળની ઉંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલક તેઓશ્રીએ નજરે નિહાળી હતી.

શ્રી સુતારે વેલી ઓફ ફલાવર, કેકટસ ગાર્ડન અને શ્રેષ્ઠ દ્રશ્યમની મુલાકાત કરીને એકતા નગરમાં ટુંકાગાળામાં ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં એકતા નગરનો અદભુત વિકાસ જોઇને અભિભુત થયા હતા.

• શ્રી રામ સુતાર વિશે….

શ્રી રામ વાનજી સુતારનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૨૫ના રોજ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ગોંડુર ગામમાં વિશ્વકર્મા પરિવારમાં થયો હતો. જે.જે. સ્કૂલ ઓફ આર્ટ મુંબઇથી સુવર્ણ ચંદ્રક વિજેતા છે. રામ સુતાર કાંસ્યમાં સરળતા અને નિપુણતા સાથે કામ કરે છે. તેઓ વાસ્તવિક શિલ્પોમાં નિપુણતા ધરાવે છે.

• શ્રી રામ સુતારના મહત્વપૂર્ણ કાર્યો….

શ્રી સુતારે ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આકાર આપ્યો હતો તેમણે ૪૫ ફૂટ ઊંચું ચંબલ સ્મારક, તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ ઉભી કરી હતી,તેઓએ ભારતની સંસદમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને બેઠેલી સ્થિતિમાં આકાર આપ્યો હતો, તેઓ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૦૮ ફૂટ ઊંચી કેમ્પે ગૌડાની પ્રતિમાના પણ શિલ્પકાર છે, બ્રિસ્બેનના ભારતીય સમુદાય દ્વારા રોમા સ્ટ્રીટ પાર્કલેન્ડમાં રામ વી. સુતાર અને અનિલ સુતાર દ્વારા બનાવવામાં આવેલ પ્રતિમા સ્થાપિત કારી છે. જેનું અનાવરણ ૨૦૧૪માં ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

•શ્રી રામ સુતારને મળેલ પુરસ્કારો

તેમના કળાક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાને લેતા ભારત સરકાર તરફથી વર્ષ ૧૯૯૯માં પદ્મશ્રી અને બાદમાં વર્ષ ૨૦૧૬માં પદ્મ ભૂષણ મળ્યો હતો. વર્ષ ૨૦૧૮માં શ્રી રામ સુતારને ટાગોર એવોર્ડ મળ્યો હતો.


Share to

You may have missed